Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

દ્વારકા જિલ્લામાં ત્રણ સ્‍થળોએ જુગાર રમતા ચાર મહિલા સહિત ૧૩ ઝડપાયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા. ૨૧: દ્વારકા તાલુકાના ઓખામાં ગાંધી નગરી વિસ્‍તારમાં રહેતા ગફાર ભીખન તુરક નામના ૫૦ વર્ષના સંધી મુસ્‍લિમ આધેડ દ્વારા પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી અને પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવીને રમાતા જુગાર પર પોલીસે દરોડો પાડી, આ સ્‍થળેથી ગફાર ભીખન તુરક, જુબીબેન ભીખનભાઈ તુરક, ભીખુ ખમીસા બોલીમ, મામદ અબ્‍બાસ ઘાવડા અને હનીફ ઇસમાઈલ બોલીમ નામના પાંચ શખ્‍સોને ઝડપી લઈ, રૂ. ૧૦,૨૬૦ રોકડા તથા રૂપિયા ૭,૦૦૦ ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા ૧૭,૨૬૦ નો મુદ્દા માલ કબજે કર્યો હતો.

મીઠાપુર તાબેના સૂરજકરાડી વિસ્‍તારમાંથી પોલીસે રેખાબા ઉર્ફે રાણીબેન પ્રવિણસિંહ ગોહિલ, ખીમીબેન જોધાભા માણેક અને ઉમાબેન દેવરાજભાઈ ભાયા નામના ત્રણ મહિલાઓને ઝડપી લઇ, કુલ રૂ. ૧,૬૭૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્‍ય કરોડામાં ભાણવડ પોલીસે સેવક દેવળિયા ગામની સીમ વિસ્‍તારમાં ગુરુવારે રાત્રિના સમયે જુગાર દરોડો પાડી, જાહેરમાં તીનપતિ નામનો જુગાર રમી રહેલા આમદ જુમા ઘુઘા, આમદ સુમાર ઘુધા, હારૂન મામદ સમા, આમદ રહેમતુલ્લાભાઈ ઘુઘા અને ઈબ્રાહીમ હાસમ ઘુઘા નામના પાંચ શખ્‍સોને ઝડપી લઇ, ત્રણ નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૧૬,૨૮૦ નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.

(2:17 pm IST)