Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા ગ્રુપના એમ.ડી.જયસુખ પટેલની આગોતરા જામીન અરજીઃ આજે કોર્ટમાં સુનાવણી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૨૧: મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં જયસુખ પટેલે આગોતરા જામીન અરજી કરી છે. જેની આજે સુનાવણી થનાર છે.

મોરબીના ઝૂલતો પુલ દુર્ઘટનામાં ૧૩૫ નિર્દોષ લોકોના મોત મામલે લોકોમાં રોષ ભભૂકયો હતો અને નગરપાલિકાને સુપરસીડ કેમ ના કરવી તેવી કારણદર્શક નોટીસ ફટકારીને સપ્તાહ નો સમય આપ્‍યો છે તો બીજી તરફ જેના પ્રત્‍યે લોકોમાં રોષ છે તેવા ઓરેવા ગ્રુપના એમડીએ આગોતરા જામીન અરજી કરી છે.

મોરબી ઝૂલતો પુલના મેન્‍ટેનન્‍સ અને મેનેજમેન્‍ટની જવાબદારી ઓરેવા ગ્રુપને આપવામાં આવી હતી અને ઝૂલતો પુલનું રીનોવેશન કરવામાં આવ્‍યા બાદ પાંચ દિવસમાં જ ઝૂલતો પુલ તૂટી પડ્‍યો હતો જેમાં ૧૩૫ લોકોના મોત થયા હતા જે બનાવ મામલે મળતકોના પરિવારો દ્વારા ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી જોકે ઝૂલતો પુલ દુર્ઘટના મામલે થયેલી ફરિયાદમાં તેમનું નામ આરોપી તરીકે મુકવામાં આવ્‍યું ના હતું

દરમિયાન અરજદાર જયસુખ પટેલ દ્વારા સેશન્‍સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હોય તેવી માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે અને આજે તા.૨૧ ના રોજ આગોતરા જામીન અરજી અંગે સુનાવણી કરવામાં આવશે હજુ એફઆઈઆરમાં નામ દાખલ થયું નથી પરંતુ આગોતરા જામીન અરજી કરવામાં આવતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે.

(2:28 pm IST)