Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

ધોરાજીનાં પિતા-પુત્રનો જૂનાગઢનાં વેપારીને રૂા. ૧૮.૬૪ લાખનો ચુનો

પ્રથમ જમીન ભાડે આપી બાદમાં પ્‍લાસ્‍ટીકનો માલ લઇ વિશ્વાસઘાત કર્યો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૧ : ધોરાજીના પિતા-પુત્રએ જૂનાગઢના વેપારીને પોતાનો શેડ ભાડે આપી બાદમાં પ્‍લાસ્‍ટીકનો કાચો માલ લઇ રૂા. ૧૮.૬૪ લાખનો ચુનો ચોપડી દીધો હોવાનું સામે આવ્‍યું છે.

જૂનાગઢમાં કોર્ટ પાસે આવેલ અલઅકબર એપાર્ટમેન્‍ટમાં રહેતા અયાઝભાઇ હબીબભાઇ ઓડેદરાએ પ્‍લાસ્‍ટીકનો વેપાર કરવા માટે ધોરાજીમાં ફુરકારી ફલેટમાં રહેતા મકસુદ હાજીભાઇ માકડાની જૂનાગઢમાં જીઆઇડીસી તેમાં આવેલ માકડા પોલીમર્સ પ્‍લોટ નં. ૧૦૦૬ની ૨૫૦૦ મીટર જગ્‍યા પૈકી ૨૦૦૦ મીટર જમીન ભાડે રાખેલ.

બાદમાં અયાઝભાઇએ મશીનરી ફીટ કરી પ્‍લાસ્‍ટીકનો વેપાર શરૂ કરેલ અને પાવર લોડ વધારો મેળવવા માટે ભરવાની થતી રૂા. ૪ લાખની રકમ મકસુદ માકડાને આપી હતી.

આ છી મકસુદભાઇ અને તેના પુત્ર ફેઇજ માકડાએ વેપારી પાસેથી કુલ રૂા. ૧૪ લાખ ૬૪ હજાર ૮૪૦ ની કિંમતનો પ્‍લાસ્‍ટીકનો માલ વેપાર કરવા માટે વેપારી પાસેથી લીધો હતો.

પરંતુ બાય-દિકરાએ પાવર લોડ મેળવવા લીધેલ રૂા. ૪ લાખ તેમજ પ્‍લાસ્‍ટીક માલનાં નાણા મળી કુલ રૂા. ૧૮ લાખ ૬૪ હજાર ૮૪૦ ની રકમની અનેક વખત ઉઘરાણી કરવા છતા પરત કરેલ નહિ.

આખરે ગઇ કાલે રાત્રે વેપારી અયાજભાઇ ઓડેદરાએ ફરિયાદ કરતા જૂનાગઢ તાલુકા પોલીસ મકસુદ માકડા અને તેના પુત્ર ફેઇજ સાથે છેતરીંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પી.એસ.આઇ એસ.એ.ગઢવી ચલાવી રહ્યા છે.

(2:12 pm IST)