Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

અમરેલી જીલ્લાના ભુરખીયામાં લગ્નવાંછુક યુવક સાથે છેતરપીંડીઃ લગ્ન માટે ડુપ્લીકેટ ડોકયુમેન્ટ બનાવીને નોટરી સહિતના બાહેંધરી આપી તા દુલ્હન ભાગી ગઇઃ ૬ શખ્સોની ધરપકડ : રૂપિયા પડાવવાનું કારસ્તાન

અમરેલી: અમરેલી પોલીસે લૂંટરી દુલ્હન અને તેની ગેંગના 6 સભ્યને ઝડપી પાડી ભાંડો ફોડી દીધો છે. આ ગેંગના દલાલ દ્વારા લગ્ન કરાવી આપવાના બહાને લગ્ન વાંછુક યુવકો પાસેથી લગ્ન કરવાના બહાને તેની પાસેથી નાણાં પડાવવામાં આવતા હતા. તો લગ્ન માટેના ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ બનાવી નોટરી કરાવી બાંહેધરી આપી અને ફૂલહાર લગ્ન કરાવતા હતા અને બાદમાં વિશ્વાસમાં લઈને થોડા દિવસ રહી લૂંટરી મહિલા ભાગી જતી હતી.

આ પદ્ધતિથી આ ગેંગ ષડયંત્ર રચીને લગ્ન વાંછુકોને ફસાવી નાણાં હેઠી લેવાની પ્રવૃતિઓ કરતા હતા. લાઠીના ભુરખિયા ગામના એક લગ્ન વાંછુક યુવક સાથે પણ આવી ઘટના બનતા તેણે પોલીસમાં ફરિયાદ નોંધવી હતી અને જેના આધારે પોલીસે  તપાસ કરી હતી.

આ ફરિયાદી પાસેથી લગ્ન કરવાના બહાને લાલચ આપી અને મહિલા સાથે મુલાકત કરાવી ડુપ્લીકેટ આધાર વડે નડિયાદ ખાતે અને દામનગર ખાતે ડોક્યુમેન્ટ આ ગેંગના દલાલ અને અન્ય સભ્યો દ્વારા તૈયાર કરાવી 1 લાખ 75 હજાર જેવી રકમ પડાવી લીધી હતી.

તો દામનગર ખાતે ફુલહાર કર્યા હતા અને બાદમાં 2 દિવસ બાદ ઘેલા સોમનાથ ખાતે ફરવા જવાને બહાને મહિલા ત્યાંથી ભાગી ગઈ હતી. અને તેની પાસે રહેલા સોના ચાંદીના દાગીનાઓ પણ પડાવ્યા. જો કે પોલીસે આ ગેંગનો ભાંડો ફોડી ભાવનગર, મહુવા, નડિયાદ, દામનગર તેમજ બરોડામાંથી 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

જો કે હજી સુધી આરોપીઓ પાસેથી પોલીસે કોઈ મુદામાલ ઝડપી પાડ્યો નથી. તો આ દુલ્હન મનીષા નામની મહિલા પરણિત છે અને તેને બે સંતાનો પણ છે. તો મહિલાનો પતિ આ સમગ્ર નાટકમાં મહિલાનો ભાઈ બન્યો હતો. અને આ આખું ષડયંત્ર રચ્યું હતું.

તો અન્ય લોકોને પણ આવી રીતે આ ગેંગ દ્વારા લગ્નની લાલચમાં શિકાર બનાવ્યા હોવાની પણ પોલીસને શંકા છે. જો કે પોલીસની વધુ તપાસ બાદ કેટલા લગ્ન વાછુંકોને આ ગેંગએ પોતાના શિકાર બનાવ્યા છે તે સામે આવશે.

(5:31 pm IST)