Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

મોરબીમાં ભાજપે ચૂંટણીનું બ્‍યુગલ ફૂંક્‍યુ : જે.પી.નડ્ડાનો ભવ્‍ય રોડ-શો

ભૂપેન્‍દ્રભાઇ પટેલ, સી.આર.પાટીલ, બ્રિજેશભાઇ મેરજા, વિનોદભાઇ ચાવડા, મોહનભાઇ કુંડારિયા સહિતનાની ઉપ્‍સ્‍થિતિ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૧ : ગુજરાત વિધાનસભા ચુંટણી જંગ જીતવા ભાજપે કમર કસી લીધી છે અને ચુંટણી બ્‍યુગલ ફૂંકતા ભાજપના રાષ્ટ્રીય અધ્‍યક્ષᅠજે પી નડ્ડાᅠસૌરાષ્ટ્રના મુખ્‍ય મથક સમાન રાજકોટ અને મોરબીના પ્રવાસે આવ્‍યા હોય જેમાં મોરબીમાં મેગા રોડ શો યોજવામાં આવ્‍યો હતો.

મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્‍યક્ષᅠજે પી નડ્ડા, રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને સાંસદ મોહનભાઈ કુંડારિયાની ઉપસ્‍થિતિમાં ભવ્‍ય રોડ શો યોજવામાં આવ્‍યો હતો જે શહેરના સમય ગેટ શનાળા રોડ થી શરુ કરીને શહેરના મુખ્‍ય માર્ગો પર ફર્યો હતો અને શાક માર્કેટ ચોક ખાતે પૂર્ણ કરવામાં આવ્‍યો હતો રોડ શો માં ભાજપ આગેવાનો, કાર્યકરો, મહિલાઓ મોટી સંખ્‍યામાં જોડાયા હતા કાર, બાઈક અને ટ્રેક્‍ટર સહિતના વાહનો સાથે મેગા રોડ શો યોજી ભાજપના રાષ્ટ્રીય અધ્‍યક્ષે ચુંટણી બ્‍યુગલ ફૂંક્‍યું હતુંᅠરોડ શો માં વિવિધ સમાજના આગેવાનો રોડ શો માં જોડાયા હતા રોડ શો દરમીયાન પુષ્‍પવર્ષા કરીને અગ્રણીઓનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતુંᅠ

ભારતીય સંસ્‍કૃતિ, ઋષિ પરંપરાને ઉજાગર કરતા ફલોટસ તૈયાર કર્યા

ભાજપના રાષ્ટ્રીય અધ્‍યક્ષના મોરબી ખાતેના રોડ શોના રૂટ પર અલગ અલગ સ્‍થળોએ ભારતીય સંસ્‍કૃતિ, ઋષિ પરંપરાને ઉજાગર કરતા ફલોટસ તૈયાર કરવામાં આવ્‍યા હતા અને વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમનો લોકોએ લ્‍હાવો લીધો હતો

બહેનોને સાડી વિતરણ કરવા સમયે સાડીઓ ખૂટી ગઈ

ભાજપના રોડ શો દરમિયાન બહેનોને સાડીની ભેટ આપવામાં આવી રહી હતી દરમીયાન સાડીઓ ઓછી પડી હોય તેવી માહિતી પણ સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે.

રોડ શો એકાદ કલાક મોડો શરૂ થયો

ભાજપના રાષ્ટ્રીય અધ્‍યક્ષની ઉપસ્‍થિતિમાં યોજાનાર રોડ શો માટે ૪ વાગ્‍યાનો સમય આપી દેવામાં આવ્‍યો હતો જેથી કાર્યકરો અને લોકો પહોંચી ગયા હતા જોકે રોડ શો એકાદ કલાક મોડો શરુ થયો હતો જેથી લોકોને સારો સમય રાહ જોવી પડી હતી.

ᅠકોંગ્રેસ આગેવાન, vce અને કિસાન સંઘના આગેવાનો નજરકેદ કરાયા

ભાજપના અધ્‍યક્ષના રોડ શો પૂર્વે પોલીસ હરકતમાં આવી હતી અને વિરોધ વંટોળ ના સર્જાય તે માટે કોંગ્રેસના આગેવાનો, વીસીઈ ઓપરેટર તેમજ કિશાન સંઘના આગેવાનો સહિતનાઓને નજરકેદ કરવામાં આવ્‍યા હતા.

ટ્રાફિક સમસ્‍યા સર્જાઈ, વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્‍યો

ભાજપનો રોડ શો શનાળા રોડ પરથી પસાર થયો હતો જે શનાળા રોડ પર મોરબી શહેરની અનેક શાળા-કોલેજ આવેલ હોવાથી અનેક વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ફસાયા હતા અને સમયસર ઘરે પહોંચી શક્‍યા ના હતા તો મેઈન રોડ બ્‍લોક હોવાથી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્‍યો હોવાથી અન્‍ય રોડ પર ટ્રાફિક સમસ્‍યા સર્જાઈ હતી.

(11:34 am IST)