Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

પોરબંદરની બંધ ઓરીએન્ટ ફેકટરી દિવાળી પહેલા પુનઃ ધમધમતી થઇ જશે

રામભાઇ મોકરીયાએ બંધ ફેકટરીના સંચાલકોની મુખ્યમંત્રી સાથે મુલાકાત કરાવીને પ્રશ્નનું નિરાકરણ કર્યુઃ કાચા માલનો પ્રશ્ન હલ કરવા મુખ્યમંત્રીની ખાતરી

(પરેશ પારેખ, વિનુ જોષી દ્વારા) પોરબંદર - જુનાગઢ તા. ર૧ : બંધ થઇ ગયેલી ઓરીએન્ટ એબ્રેસીવ્ઝ ફેકટરી દિવાળી પહેલા પુનઃ ધમધમતી થઇ જશે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ બંધ ઓરીએન્ટ એબ્રેસીવ્ઝ ફેકટરીના સંચાલકોની મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાથે મુલાકાત કરાવીને બંધ ફેકટરીના પ્રશ્ને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ ફેકટરીના કાચા માલના પડતર પ્રશ્ને નિરાકરણ કરવા ખાતરી આપી છે.

ઓરીએન્ટ એબ્રેસીવ્ઝ ફેકટરીને કાચા માલ માટે  મુશ્કેલી વેઠવી પડતી હતી તેથી ૧પ મી ઓકટોબરથી ફેકટરી બંધ કરવાની ફરજ પડી છે. તેથી મજૂરો અને કામદારો બેરોજગાર થઇ ગયેલ છે ત્યારે તેમની મદદે દોડી ગયેલા રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ કંપનીના સંચાલકોની મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાથે બેઠક કરાવીને દરમિયાગીરી કરી કાચા માલના પ્રશ્નનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું અને મુખ્યમંત્રીએ પણ બોકસાઇટના પ્રશ્નનું નિરાકરણ કરવા માટેની ઓન ધ સ્પોટ ખાત્રી આપી દીધી છે તેથી દિવાળી પહેલા જ આ બંધ થઇ ગયેલી ઓરીએન્ટ ફેકટરી પુનઃ ધમધમતી થઇ જશે તેવું જાહેર કરવામાં આવતા કામદારો અને તેના પરિવારો સહિત પોરબંદર શહેરમાં પણ ખુશીની લહેર ફરી વળી છે.

ઓરીએન્ટ એબ્રેસીવ્ઝ લી.ના હેડ (એચ. આર. એન્ડ એડમીન) નિશિત વ્યાસ દ્વારા તા. ૧પ ઓકટોબરના કામદારોને છૂટા કરીને એવું જણાવાયું હતું કે, કંપનીમાં છેલ્લા આશરે દોઢેક વર્ષથી ઉત્પાદન માટે જરૂરી પ્રાઇમ કવોલીટી રો-બોકસાઇટની અછત થયેલ છે અને સંસ્થાના અથાગત પ્રયત્ન છતાં પણ જરૂરી પ્રાઇમ કવોલીટી ગ્રેડનો રો-બોકસાઇટ મળતો નથી, જે અંગે સંસ્થાએ સરકારના જરૂરી વિભાગોમાં વારંવાર રજૂઆતો કરેલ છે અને હાલમાં પણ સરકાર સાથે આ બાબતમાં ચર્ચા-વિચારણા ચાલુ જ છે.

આ પરિસ્થિતિ ઉત્પન્ન થતાં છેલ્લા ઘણા સમયથી ઉત્પાદનની પ્રક્રિયાને અસર પહોંચેલ છે. તેમજ છેલ્લે જુન-ર૦ર૧ થી કંપનીના મુખ્ય વિભાગ પાવર પ્લાન્ટ તથા ફરનેશ ડીપાર્ટમેન્ટ બંધ થયેલ છે અને હવે વધુ સમય સંસ્થાની ઉત્પાદનની પ્રક્રિયા કાચા માલની અછતને કારણે થઇ શકે તેમ નથી.

રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ તેમના વતનપ્રેમને છલકાવીને તેમના વતનમાં દિવાળીની રોનક પાછી આવે તે માટે દરમિયાનગીરી કરી હતી અને ફેકટરીના સંચાલકોની મુખ્યમંત્રી સુધી રૂબરૂ  વાત પહોંચાડી હતી.

કેટલાક પડતર પ્રશ્નોને લઇને બંધ રહેલી કંપનીના કારણે કેટલાય પરિવારોને ચુલા બંધ થયાના સમાચાર મળતા જ  રાજયસભાના સાંસદ રામભાઇ એ આ કંપનીનાં સંચાલકોની રજૂઆતને ધ્યાનમાં લઇ મુખ્યમંત્રી સમક્ષ વાત પહોંચાડી હતી. ઓરીએન્ટ એબ્રેસીવ્ઝ લીમીટેડના પડતર પ્રશ્નોના ઉકેલ માટે કંપનીના સી.ઇ.ઓ. હેમુલભાઇ શાહ તથા તેમના પી. આર. ઓ. રાજૂલભાઇ શાહને સાથે રાખીને રાજયસભાના સાંસદ  રામભાઇએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને રૂબરૂ મુલાકાત કરી રજુઆત કરી હતી. ખાસ કરીને કેટલાક પરિવારોને રોજગારી મળી રહે તેવા હેતુથી આ કાર્ય ત્વરીત ઝડપે પુર્ણ કરવા પણ અનુરોધ કર્યો હતો. જે અંતર્ગત મુખ્યમંત્રીએ આ બાબતે અગ્રસ્થાને લઇને તેનો યોગ્ય ઉકેલ લઇ આવવા તથા કંપનીને પુનઃ કાર્યરત કરવા સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી થશે તેવું આશ્વાસન આપ્યુ હતું.

રાજયસભાના સાંસદ રામભાઇએ જણાવ્યું હતું. કે, પોરબંદરની ઓરીએન્ટ એબ્રેસીવ્ઝ લીમીટેડ બંધ થઇ છે તેની પાછળ કાચા માલની સમસ્યા છ.ે કાચામાલ અંગે યોગ્ય નિરાકરણ લાવીને કંપનીને કાચો માલ પુરો પાડવા સરકાર સહાયરૂપ બનવામાં આવશે. કંપનીને કાચો માલ બોકસાઇટ લાંબા સમય સુધી મળવાનું બંધ છે, બોકસાઇટની માઇન્સ ભાટીયા તેમજ કચ્છ ખાતે આવેલી છે. જયાંથી તેઓને બોકસાઇટ ફેકટરી સુધી લાવતા પહેલા નો-ઓબ્જેકશન સર્ટીફીકેટ સહિત માન્ઇસ વેલીડીટી ઇસી સહિત અનેક પ્રક્રિયામાંથી પસાર જવું પડે છે. અને અગાઉ સરકાર દ્વારા બોકસાઇટની લીઝ રીન્યુ સહિતની કાર્યવાહી બે થી ત્રણ મહિનાની અંદર સંપન્ન થતી હતી પરંતુ હાલના સમયમાં ૮ મહિનાથી ૧ વર્ષ અથવા તો તેનાથી પણ વધારે સમય લાગી જાય છે. એ કારણે મુશ્કેલી પડી રહી હોવાનું કંપની જણાવી રહી છ.ે ત્યારે સરકારે પોત્સાહક નીતી જાહેર કરીને કંપની ચાલુ રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે તેવી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે મૌખિક રીતે ખાત્રી આપી છ.ે

રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ બંધ થયેલી ઓરીએન્ટ ફેકટરી શરૂ કરાવવા માટે જે દરમિયાનગીરી કરી છે તેનાથી કંપનીના મેનેજમેન્ટ, સંચાલકો અને સૌ કોઇનો લાભ છે તેથી રામભાઇ મોકરીયાએ જણાવ્યું હતું કે, પોતે સામે ચાલીને કંપનીના સીઇઓ હેમલભાઇ શાહને ફોન કરીને જણાવ્યું હતું કે, 'રામભાઇએ બોલું છું,' પોરબંદરના હીતમાં તમારી ફેકટરી શરૂ કરવી જરૂરી બની ગઇ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ હકારાત્મક છે તેથી ગાંધીનગર ચાલો તમારા પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે હું મધ્યસ્થી કરૃં આ પ્રકારની વાત કરી હતી.

(12:47 pm IST)