Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

આજે અમિતભાઇ શાહની ભુજમાં જાહેરસભા : ૨૮મીએ નરેન્‍દ્રભાઇની અંજારમાં સભાનું ગોઠવાતુ આયોજન

ગત ચૂંટણીમાં ભાજપને ૪, કોંગ્રેસને ૨ બેઠકો મળી હતી : અબડાસાના ધારાસભ્‍યના પક્ષાંતર બાદ પેટા ચૂંટણી પછી ભાજપ પાસે ૫ અને કોંગ્રેસ પાસે ૧ બેઠક છે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૧ : કચ્‍છની ૬ બેઠકો જીતવા ભાજપ દ્વારા રણનીતિ સાથે દિગ્‍ગજ નેતાઓના પ્રવાસ યોજાઈ રહ્યા છે. વિવિધ રાજયોના મુખ્‍યમંત્રીઓ અને કેન્‍દ્રીય મંત્રીઓના પ્રવાસ બાદ હવે ભાજપના બે દિગ્‍ગજ નેતાઓ કચ્‍છ આવી રહ્યા છે.

આજે ગૃહમંત્રી અમિતભાઈ શાહની ભુજમાં જાહેરસભા યોજાઇ રહી છે. સાંજે ૬ વાગ્‍યે ભુજમાં તેમની જાહેરસભાનું આયોજન કરાયું છે. જયારે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી પણ કચ્‍છ આવે એવું ગોઠવાઈ રહ્યું છે. સંભવિત ૨૮ મીએ નરેન્‍દ્રભાઈ કચ્‍છના અંજારમાં સવારે જાહેરસભા કરે એવો તખ્‍તો ગોઠવાઈ રહ્યો છે. ૧ લી ડિસેમ્‍બરના મતદાન હોઈ ૨૮ મીની સભા કદાચ પ્રથમ તબક્કાની ચુંટણીના આયોજનની અંતિમ સભા હશે.

કચ્‍છમાં ૬ બેઠકો પૈકી ગત ૨૦૧૭ ની ચુંટણીમાં ભાજપ પાસે ૪ અને કોંગ્રેસ પાસે ૨ બેઠકો હતી. બાદમાં અબડાસાના ધારાસભ્‍યએ પક્ષાંતર કરી ભાજપમાં પ્રવેશ કર્યા બાદ પેટા ચુંટણીમાં વિજય મેળવ્‍યો હતો. એટલે ભાજપ પાસે ૫ અને કોંગ્રેસ પાસે ૧ બેઠક રહી. હવે ભાજપે ૬ એ ૬ બેઠકો જીતવા જોર લગાવ્‍યું છે.  કચ્‍છમાં ૩ નવા ચહેરાઓને સ્‍થાન અપાયું છે. જયારે ૩ જૂના ધારાસભ્‍યોને રીપીટ કરાયા છે. જે પૈકી એક જૂના ધારાસભ્‍યનો મત વિસ્‍તાર બદલવામાં આવ્‍યો છે.

(11:53 am IST)