Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

કચ્‍છના રાપરમાં હુમલાના મુદ્દે રાજ્‍યના ચૂંટણી માહોલમાં ગરમાટોઃ કોંગ્રેસી ઉમેદવારને રક્ષણ આપવા ભાજપના ઉમેદવારની અરજી

વિરેન્‍દ્રસિંહની ચિંતા દર્શાવતી અરજી સામે સવાલ સાથે ભચુભાઇનો હુમલા અંગે આક્ષેપ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૧ : કચ્‍છની ૬ બેઠકો પૈકી રાપરની બેઠકે કચ્‍છ સહિત ગુજરાતનો ચુંટણી માહોલ ગરમ કરી દીધો છે. ચુંટણી માહોલમાં આવેલ ગરમાટાનું કારણ હુમલા અંગે પ્રતિસ્‍પર્ધી ઉમેદવારની ચિંતા અને જેમની ચિંતા કરાઈ એ ઉમેદવારનો ચિંતા કરનાર સામે જ હુમલાનો આક્ષેપ છે.

ગઈકાલે રાપરના ભાજપના ઉમેદવાર વિરેન્‍દ્રસિંહ જાડેજા દ્વારા પૂર્વ કચ્‍છ પોલીસ વડાને પત્ર લખીને કોંગ્રેસના ઉમેદવાર ભચુભાઈ આરેઠીયા ઉપર હુમલાનો ભય દર્શાવતી ચિંતા વ્‍યક્‍ત કરી તેમને (ભચુભાઈ)ને પોલીસ રક્ષણ આપવાની માંગ કરાઈ હતી. જોકે, ભાજપના ઉમેદવારે સાથે એવી પણ શંકા વ્‍યક્‍ત કરી હતી કે કોંગ્રેસી ઉમેદવાર જાતે હુમલો કરાવી અને તેનો આરોપ પોતા (ભાજપના) ઉમેદવાર ઉપર નાખી દેશે.

હુમલાનું કારણ દર્શાવતા ભાજપના ઉમેદવાર વિરેન્‍દ્રસિંહે પોલીસને લખેલા પત્રમાં જણાવ્‍યા પ્રમાણે ગત ટર્મમાં ચુંટાયેલા કોંગ્રેસના ઉમેદવાર સંતોકબેન ભચુભાઈ આરેઠીયા દ્વારા કામો ન થતાં તેમનો વિરોધ થઈ રહ્યો છે, આ વખતે તેમના પતિ ભચુભાઈ આરેઠીયા કોંગ્રેસ વતી ચુંટણી લડતા હોઈ તેમના પ્રચાર દરમ્‍યાન લોકો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધ દરમ્‍યાન ભચુભાઈ ઉપર હુમલો થઈ શકે છે. જોકે, ભાજપના ઉમેદવાર વિરેન્‍દ્રસિંહ દ્વારા પત્રમાં એવી શંકા દર્શાવાઈ છે કે, હુમલાનો આરોપ કોંગ્રેસી ઉમેદવાર તેમના (વિરેન્‍દ્રસિંહ) ઉપર મૂકી શકે છે. અથવા તો પોતે જાતે હુમલો કરાવી અને આરોપ તેમના મૂકી શકે છે. ભાજપના ઉમેદવારના આ પત્રે ભારે રાજકીય ખળભળાટ સજર્યો હોઈ તેની ચર્ચા થઈ રહી છે. પરંતુ ત્‍યાર બાદ કોંગ્રેસના ઉમેદવાર ભચુભાઈ આરેઠીયાએ સોશ્‍યલ મીડિયા ઉપર પોતાનો વીડિયો વાયરલ કરી ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે, તેમના ઉપર હુમલો કરવાનો પ્રયાસ થયો હતો.

આ હુમલો ભાજપના ઉમેદવાર વિરેન્‍દ્રસિંહ દ્વારા કરાયો હોવાની શંકા છે. પોલીસ પ્રત્‍યે વિશ્વાસ વ્‍યક્‍ત કરી ભચુભાઈએ પોતે કોઈથી ડરતા ન હોવાનું જણાવ્‍યું છે. આમ, અત્‍યારે રાપરની ચુંટણીએ કચ્‍છમાં રાજકીય ખળભળાટ સાથે લોકોમાં હલચલ સર્જી દીધી છે.

(11:55 am IST)