Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

વારંવાર હારવા છતાં ૨૦૨૨ની ચૂંટણીમાં ફરી ઉમેદવાર

મોરબીના ઉમેદવાર જયંતિ પટેલ ત્રણ દાયકામાં પાંચ વાર હાર્યાઃ ૬૬ વર્ષના જયંતિ પટેલ છેલ્લે ૨૦૨૦માં બ્રિજેશ મેરજા સામે હાર્યા હતા

અમદાવાદ,તા. ૨૧ : એક જાપાનીઝ કહેવત છે કે સાત વાર પડી ગયા પછી પણ આઠમી વાર ઉભા થાવ. ૨૦૨૨ની ચૂંટણીમાં મોરબી બેઠકના કોંગ્રેસી ઉમેદવાર જયંતિ પટેલ આ કહેવતમાં માનતા હોય તેમ છેલ્લા ત્રણ દાયકામાં પાંચ વાર વિધાનસભા ચૂંટણીમાં હાર્યા પછી પણ આ વખતે ઉમેદવારી નોંધાવી છે. ઝૂલતા પુલની દુર્ઘટના વખતે પાણીમાં ઝંપલાવીને લોકોને બચાવનાર ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયા સામે આ વખતે તેમની લડાઇ છે. જયંતિ પટેલે કહ્યું,‘ ભાજપાના વલણ સામે લોકોનો બહુ રોષ છે. મોરબી નગરપાલીકાએ મૃતકો માટે એક શોકસભા મીટીંગ પણ નથી કરી.'

તેમણે કહ્યું, ‘ લોકોના સંવેદનોને ધ્‍યાનમાં રાખીને અમે કોઇ રેલીમાં આ વખતે નથી રાખી, તેના બદલે અમે મતદારોને શાંતિપૂર્વક મળીને તેમના ખબર અંતર પુછી રહ્યા છીએ.'

૬૬ વર્ષના જયંતિ પટેલ ૧૯૯૦માં રાજ્‍ય વિધાનસભા ચૂંટણીમાં હાર્યા હતા. ત્‍યારથી જીતનો સ્‍વાદ ચાખવાનો બાકી છે. તેમણે ૧૯૯૮, ૨૦૦૨, ૨૦૦૭માં ચૂંટણી લડી હતી અને છેલ્લે ૨૦૨૦ની પેટાચૂંટણીમાં તેઓ બ્રિજેશ મેરજા સામે હાર્યા હતા.

(12:03 pm IST)