Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

કોંગ્રેસ પાસે વિકાસની પરીભાષા જ નથીઃ નરેન્‍દ્રભાઇ મોદી

અમરેલીમાં વિજય સંકલ્‍પ સંમેલનને સંબોધતા વડાપ્રધાનઃ પરષોતમભાઇ રૂપાલા, દિલીપભાઇ સંઘાણી સહીતનાની ઉપસ્‍થિતી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ર૧:  અમરેલીના આંગણે ફોરવર્ડ સ્‍કુલના પટાંગણમાં આજે વડાપ્રધાન મોદીની ઝંઝાવાતી ચુંટણીલક્ષી  વિશાળ વિજય સંકલ્‍પ સંમેલન યોજાયેલ હતું. જેમાં કોંગ્રેસને આડે હાથ લઇ ગુજરાતનાં વિકાસને રૂંધવાનું કાર્ય કર્યાના ચાબખા મારેલ હતા. મોદીની સભામાં ઉમટેલી જનમેદની માટે વિશાળ મેદાન ટુંકુ પડેલ હતું. શ્રોતાગણોને સભામંડપ બહાર ઉભા રહેવાનો વખત આવેલ હતો. એટલી જનમેદની ઉમટી પડેલ હતી.

ગુજરાતને નર્મદાના નીર આપવામાં કેન્‍દ્રની કોંગ્રેસ સરકારે મેઘા પાટકરરૂપી વિધ્‍ન ઉભુ કરી નર્મદાના પાણીની ઉપલબ્‍ધી માટે રોડા નાખવામાં આવેલ હતા. પરંતુ ભાજપ સરકારે નર્મદાના નીર ઘરે-ઘરે પહોંચાડેલ છે. પહેલાની સરકારમાં સુકુભઠ્ઠ ગુજરાતમાં આજે ખેડુતો ત્રણ ત્રણ પાક લઇ રહેલ છે. જુવાર-બાજરોના પાકો થકી ખેડુતોને વધુમાં વધુ વળતર મળે તે માટે નિકાસ અર્થે પત્ર લખવામાં આવેલ છે. જાફરાબાદનો બાજરો વિદેશમાં ડંકો વગાડશે.

કોંગ્રેસને આડે હાથ લેતા જણાવેલ હતુ કે કોંગ્રેસ પાસે વિકાસની પરીભાષા જ નથી. વિકાસના કાર્યોને આગળ ધપાવવા ભાજપ સરકારને આગળ વધારો. અંતમાં શ્રોતાગણોને ઘરે જઇ વડીલોને નમસ્‍તે કહેવા અને આશીર્વાદ આપવા જણાવેલ હતું.

આજની વિજય સંકલ્‍પ સભામાં કેન્‍દ્રીયમંત્રી પુરૂષોતમ રૂપાલાએ પણ પોતાની આગવી શૈલીમાં ભાજપની વિકાસલક્ષી વાતોને દોહરાવી હતી. અમરેલી વિધાનસભાના ઉમેદવાર કૌશીક વેકરીયાએ સ્‍વાગત પ્રવચન કરેલ હતું. કાર્યક્રમમાં જીલ્લાના પાંચેય ઉમેદવારો સહકાર શિરોમણી દિલીપભાઇ સંઘાણી સહીતના નેતાઓ ઉપસ્‍થિત રહેલ હતા. દિલીપભાઇ સંઘાણીએ શંખનાદ કરી વિજય સંકલ્‍પ કરેલ હતો.

(1:20 pm IST)