Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

વિસાવદર-ભેસાણની બેઠક પર પાંચ મહારથીઓની પ્રતિષ્ઠા દાવ પર : કોણ જીતશે..? અવનવા તર્કવિતર્ક

ભાજપ-કોંગ્રેસ-આપ-બસપા-અપક્ષ ઉમેદવાર વચ્ચે પ્રતિષ્ઠા ભર્યો ચૂંટણી જંગ : સભા-રેલી-વોર્ડવાઈઝ બેઠકોનો ધમધમાટ : રાત થોડી અને વેસ જાજા જેવો ઘાટ : શિયાળાની ઠંડીમા જબરો રાજકીય ગરમાવો

 (યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૧ : સમગ્ર ગુજરાતમા હંમેશા રાજકીય દ્રષ્ટીએ ધ્યાનાકર્ષક રહેતી વિસાવદર-ભેસાણની બેઠક પર પાંચ મહારથીઓ-ઉમેદવારોની પ્રતિષ્ઠા દાવ પર છે.ભાજપ-કોંગ્રેસ-આપ-બસપા-અપક્ષ ઉમેદવાર એડીચોટીનુ જોર લગાવી રહ્યા છે.સભા-રેલી-વોર્ડવાઈઝ બેઠકોનો ધમધમાટ પ્રવર્તે છે. શિયાળાની ઠંડીમા જબરો રાજકીય ગરમાવો જોવા મળે છે.કોને કયાંથી કેટલા મત મળશે..? કોણ બાજી મારશે..? કોણ પરાસ્ત થશે..? કોની ભૂમિકા શુ હશે..? સહિતના વિવિધ મુદ્દે અવનવા રાજકીય તારણો મંડાઈ રહ્યા છે.મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે રાત થોડી અને વેસ જાજા જેવો ઘાટ ઉભો થયો છે.

વિસાવદર-ભેસાણ વિધાનસભાની બેઠક પર કુલ-૧૪ ઉમેદવારીપત્રો ભરાયા હતા.જે પૈકી ૭ ઉમેદવારીપત્રો માન્ય રહ્યા હતા.જેમાં (૧) કરશનભાઈ નારણભાઈ વાડદોરીયા-વિસાવદર-ઈન્ડીયન નેશનલ કોંગ્રેસ (૨) વાઘેલા મનસુખભાઈ નાથાભાઈ-ભેસાણ-બહુજન સમાજ પાર્ટી (૩) હર્ષદકુમાર માધવજીભાઈ રિબડીયા-વિસાવદર-ભારતીય જનતા પાર્ટી (૪) ભૂપેન્દ્રભાઈ ગાંડુભાઈ ભાયાણી-ભેસાણ-આમ આદમી પાર્ટી (૫) ઈકબાલભાઈ હબીબભાઈ શમા-બિલખા-અપક્ષ (૬) હિતેશભાઈ પ્રેમજીભાઈ વઘાસીયા- પ્રેમપરા-અપક્ષ (૭) હિરપરા સિદ્ધાર્થ ભરતભાઈ-વિસાવદર-અપક્ષનો સમાવેશ થતો હતો.

ઉમેદવારીપત્ર પાછા ખેંચવાના છેલ્લા દિવસે આ સાત ઉમેદવાર પૈકી (૧) હિતેશભાઈ પ્રેમજીભાઈ વઘાસીયા-અપક્ષ-પ્રેમપરા (૨) હીરપરા સિદ્ધાર્થ ભરતભાઈ-અપક્ષ-વિસાવદરએ ઉમેદવારીપત્ર પાછુ ખેંચી લેતા કોંગ્રેસ-ભાજપ-આમ આદમી પાર્ટી-બહુજન સમાજ પક્ષ તથા અપક્ષ સહિત પાંચ મહારથીઓ મેદાનમા રહ્યા છે.જેથી પાંચ ઉમેદવારો વચ્ચે પ્રતિષ્ઠાભર્યો જંગ જામશે એ નિશ્ચિત બન્યુ છે.

સામાન્ય રીતે ગુજરાતમા કોંગ્રેસ-ભાજપ વચ્ચે જ હંમેશા સીધી સ્પર્ધા હોય છે,પરંતુ આ ચૂંટણીમા આમ આદમી પાર્ટીએ જોરશોરથી રાજ્યભરમા મેદાનમા ઉતરતા ત્રિપાંખિયા જંગની સ્થિતિ નિર્માણ થવા પામી છે.વિસાવદર-ભેસાણની બેઠક પર પણ પ્રતિષ્ઠાભર્યા ત્રિપાંખિયા જંગના એંધાણ વર્તાઈ રહ્યા છે.

સમગ્ર ગુજરાતમા હંમેશા રાજકીય દ્રષ્ટીએ ધ્યાનાકર્ષક રહેતી વિસાવદર-ભેસાણ વિધાનસભાની બેઠક પર ભાજપના હર્ષદભાઈ રિબડીયા, કોંગ્રેસના કરશનભાઈ વાડોદરિયા તથા આમ આદમી પાર્ટીના ભુપતભાઈ ભાયાણી વચ્ચે કશ્મકશના ચૂંટણી જંગના રાજકીય તારણો છે.આ બેઠકમા વિસાવદર તાલુકો તથા ભેસાણ તાલુકો અને જૂનાગઢ તાલુકાના ગામડાઓનો સમાવેશ થતો હોય,આમ વિસ્તાર અને મતદારોની દ્રષ્ટીએ વિશાળ ગણાતા આ વિધાનસભા મતક્ષેત્રની ગુજરાતભરમા જબરી રાજકીય નોંધ લેવાય છે.

વિસાવદર-ભેસાણ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-આમ આદમી પાર્ટી-બસપા-અપક્ષ ઉમેદવારો સમગ્ર વિધાનસભા ક્ષેત્રમા વેગવંતો પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે.જબરો રાજકીય માહોલ પ્રવર્તે છે.

ચૂંટણી કાર્યાલયો ખુલ્લા મુકાયા છે.સભા-વોર્ડ વાઈઝ મીટીંગો-ગામડાઓના પ્રવાસ વચ્ચે શિયાળાની ઠંડીમા સાર્વત્રિક રાજકીય ગરમાવો છે.અવનવા તર્કવિતર્ક-રાજકીય ગણિત મંડાઈ રહ્યા છે.

(1:38 pm IST)