Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ઝૂલતા પુલ દુર્ઘટના પ્રચંડ આપત્તિ : સુપ્રીમ કોર્ટ

સુપ્રિમકોર્ટમાં દાખલ થયેલી બે અલગ-અલગ પીઆઈએલની સુનાવણીમાં હાઇકોર્ટ અરજદારોને સુઓમોટોમાં અથવા કલમ 226 હેઠળ અરજી દાખલ કરવા છૂટ આપી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૨૧ : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના સંદર્ભે સુપ્રિમકોર્ટમાં દાખલ થયેલી બે અલગ-અલગ પીઆઈએલની સુનાવણીમાં હાઇકોર્ટ અરજદારોને સુઓમોટોમાં અથવા કલમ 226 હેઠળ અરજી દાખલ કરવા છૂટ આપતા આ દુર્ઘટનાને અત્યંત પ્રચંડ આપત્તિ ગણાવી કહ્યું હતું કે હાલમાં ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો રીત દાખલ થઈ છે ત્યારે દોષિતોને સામે લાવવા હાઇકોર્ટને સમયાંતરે સુનાવણી કરે તેવી ભલામણ કરવા નિર્દેશ આપ્યા હતા.

135 નિર્દોષ નાગરિકોનો ભોગ લેનાર આ દુર્ઘટનાને સુપ્રીમ કોર્ટે અત્યંત પ્રચંડ દુર્ઘટના ( “enormous tragedy”)ગણાવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રિમકોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે નિર્દેશ આપ્યો હતો કે ગુજરાત હાઈકોર્ટ જે પહેલાથી જ આ અંગે સુઓમોટો કેસની સુનાવણી કરી રહી છે, તેણે સમયાંતરે સુનાવણી કરવી જોઈએ. ગુજરાત હાઈકોર્ટ દ્વારા દોષિતોને સામે લાવવા માટે સમયાંતરે સુનાવણી હાથ ધરવા જણાવ્યું હતું.

વધુમાં સુપ્રીમકોર્ટ દ્વારા સુનાવણી કરતા જણાવ્યું હતું કે “તે એક પ્રચંડ દુર્ઘટના છે અને આ માટે જવાબદાર કોન્ટ્રાક્ટર અને કોન્ટ્રાક્ટ આપનાર પક્ષને ઓળખી કાઢી દોષિતો માટે જવાબદારી કરવા સાપ્તાહિક મોનીટરીંગની જરૂર પડશે. હાલમાં ગુજરાત હાઈકોર્ટે દ્વારા સુઓમોટો રીત દાખલ કરવામાં આવી છે. નહીં તો અમે નોટિસ જારી કરી હોત,એવી બેન્ચે મૌખિક રીતે ટિપ્પણી પણ કરી હતી. સાથે જ બેન્ચે હાઇકોર્ટને સમયાંતરે સુનાવણી હાથ ધરવા નિર્દેશ આપ્યો હતો.

કોર્ટ સુનાવણીમાં જણાવ્યું હતું કે, ગુનાહિત ગેરરીતિના કૃત્યોની તપાસની માંગ કરતી બે અરજીઓની સુનાવણીમાં નગર પાલિકાના અધિકારીઓ સામે જવાબદારી નક્કી કરવાની જરૂરિયાત અને પુલની જાળવણી માટે સોંપવામાં આવેલી એજન્સીને ધરપકડ કરવા સહિત જવાબદાર ગણવામાં આવે છે તેની ખાતરી કરવાની જરૂર છે. વધુમાં કોર્ટે અરજદારોને હાઈકોર્ટમાં જવાની અને પેન્ડિંગ અરજીમાં હસ્તક્ષેપ કરવાની સ્વતંત્રતા આપી હતી. સાથે જ અન્ય કોઈપણ પીડિત વ્યક્તિને કોઈપણ રાહત માટે SCનો સંપર્ક કરવાની સ્વતંત્રતા આપવા કોર્ટે નિર્દેશ આપ્યો હતો. આ કેસમાં અરજદારો તરફથી વરિષ્ઠ એડવોકેટ ગોપાલ શંકરનારાયણન હાજર રહ્યા હતા જયારે સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રજૂઆત કરી હતી.

(2:39 pm IST)