Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

જસદણ નજીક સ્‍ટેટીક સર્વેલન્‍સ ટીમ દ્વારા કારમાંથી એક લાખની રોકડ જપ્‍ત

વલુભાઇ સભાડની કારમાંથી રોકડ મળી : રોકડ રકમ અંગે તપાસ ચાલુ

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૨૧ : જસદણ પાસે થોરીયા નાજીક ચૂંટણી તંત્રની સ્‍ટેટિક સર્વેલન્‍સ ટીમ દ્વારા એક ગાડીમાંથી એક લાખની રોકડ જપ્ત કરવામાં આવી હતી અને આ રકમ અંગે તપાસ શરૂ કરાઇ છે.

જસદણ વિધાનસભા વિસ્‍તારના વિછીયા તાલુકા થોરીયાળી ગામ પાસે ચેકપોસ્‍ટ ઊભી કરવામાં આવી છે જ્‍યાં સ્‍ટેટિક સર્વેલન્‍સ ટીમનાં જસદણ તાલુકા પંચાયતના વિસ્‍તરણ અધિકારી એફ. બી. મુલતાની તથા પોલીસ કોન્‍સ્‍ટેબલ નરેશભાઈ રાઠોડ,  કોન્‍સ્‍ટેબલ મુકેશભાઈ ઘુઘલ સહિતની ટીમ દ્વારા સ્‍કોર્પિયો ગાડી નંબર જીજે ૦૩ એમએલ ૨૩૯૮ ઉભી રાખીને તપાસ કરાવતા તેમાંથી એક લાખ રૂપિયાની રોકડ ગાડીમાં બેઠેલા વલુભાઈ પોપટભાઈ સભાડ પાસેથી જપ્ત કરવામાં આવી હતી. આ બાબતે પંચરોજ કામ કરીને આ રકમ જસદણ પેટા તિજોરી ઓફિસમાં જમા કરાવવામાં આવી છે. જોકે આ રકમ ખરેખર ચૂંટણી સંબંધીત કામની હતી કે તેમની અંગત ઉપયોગની હતી તે બાબતે વિસ્‍તળત તપાસ કર્યા બાદ જરૂર લાગે તો આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ખરેખર આ રકમ તેમની અંગત હોય તે અંગેનાં સંતોષકારક જવાબો નિવેદનો વગેરે કાર્યવાહી બાદ તે રકમ તેમને પરત આપવામાં આવશે.

જસદણ ચૂંટણી અધિકારી રાજેશ જી. આલના જણાવ્‍યા મુજબ જસદણ બેઠકમાં થોરીયાળી, આટકોટ અને કમળાપુર એમ ત્રણ જગ્‍યાએ ચેક પોસ્‍ટ કરવામાં આવી છે જ્‍યાં સ્‍ટેટિક સર્વેલન્‍સ ટીમ મૂકવામાં આવી છે. ત્રણ ટીમ કાર્યરત હતી જેમાં  છ નવી ટીમનો તાજેતરમાં ઉમેરો કરવામાં આવ્‍યો છે હવે કુલ નવ ટીમ કાર્યરત છે. વધુમાં ચૂંટણી અધિકારીએ જણાવ્‍યું હતું કે પચાસ હજાર કે તેથી વધારે રકમ હશે તો જપ્ત કરવામાં આવશે.(તસ્‍વીર : ધર્મેશ કલ્‍યાણી જસદણ)

(4:02 pm IST)