Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

મોરબી : વિવેકાનંદ ક્વિઝમાં કુંતાસીનાં વિધાર્થીઓ ઝળક્યા: સમગ્ર ગુજરાતનાં ટોપ ટેનમાંથી ત્રણ વિદ્યાર્થીઓ કુંતાસીના.

મોરબી :  બારમી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે શિક્ષણ વિભાગ ગુજરાત સરકારના સહયોગથી એડયુટર એપ દ્વારા પાંચથી પંદર જાન્યુઆરી દરમિયાન સ્વામી વિવેકાનંદ ઓનલાઈન ક્વિઝ મહા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાત ભરમાંથી પાંચ હજાર જેટલા શિક્ષકોએ સ્વામી વિવેકાનંદના જીવન પર આધારિત ક્વિઝ બનાવી હતી અને હજારો વિદ્યાર્થીઓએ આ ક્વિઝમાં ભાગ લઈ અભિયાનને સફળ બનાવ્યું હતું.

આ ક્વિઝમાં સમગ્ર ગુજરાતમાંથી પ્રથમ પાંચ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓનું ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીનાં હસ્તે સન્માન થવાનું છે ત્યારે આજ રોજ જાહેર થયેલ પરિણામમાં મોરબી જિલ્લાનાં કુંતાસી ગામની મહર્ષિ દયાનંદ સરસ્વતી વિદ્યાલયની વિદ્યાર્થીની બસીયા વીણાએ સમગ્ર ગુજરાતમાં બીજો ક્રમ અને સોઢા મિતલબાએ ચોથો ક્રમ મેળવી રાજ્ય કક્ષાએ માળીયા તાલુકા અને મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે.આ બન્ને ઉપરાંત સોઢીયા પુજાએ ટોપ ટેનમાં અને કુંતાસી ગામનાં અન્ય છ બાળકોએ ટોપ હન્ડ્રેડમાં સ્થાન મેળવ્યું છે.આ ક્વિઝ અભિયાન દરમિયાન શાળાનાં ઉત્સાહી શિક્ષક બેચરભાઈ ગોધાણીએ તમામ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ટોપ ટેનમાં આવેલ આ ત્રણેય વિદ્યાર્થીનીઓનું ટ્રસ્ટનાં પ્રમુખ મગનભાઈ અઘારા, ડૉ જાડેજા  અને આચાર્ય શૈલેષભાઈ ગોરીયા દ્વારા આગામી 26મી જાન્યુઆરીનાં રોજ મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવશે.

(11:13 am IST)