Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

ભાદરડેમમાંથી બેફામ ખનીજ ચોરી :રોજના 2 કરોડ ગાંધીનગર આવે છે: લલિત વસોયાના ગંભીર આક્ષેપો

કેટલાક પુરાવાઓ પણ વિધાનસભામાં રજૂ કર્યા : અગાઉ અધિકારીઓના પત્રનો ઉલ્લેખ કરીને પત્રની કોપી પુરાવા તરીકે પણ આપી હતી: આ ખનિજ ચોરો ક્યાંકને ક્યાંક ચોકીદારો છે

ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ અવાર નવાર સરકારની સામે બાથ ભીડી છે. ક્યારેક ખેડૂતોના પ્રશ્નોને લઈને સરકારની સામે વિરોધ કરે છે, તો ક્યારે ભૂમાફિયાઓને લઈને સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તો ક્યારેક પાણીના પ્રશ્નોને લઈને તેઓ આંદોલન કરે છે. ત્યારે વિધાનસભામાં ચાલતા બજેટ સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ રાજ્યમાં ખનીજચોરો બેફામ બન્યા હોવાના અને રોજના બે કરોડ રૂપિયા ગાંધીનગરમાં પહોંચતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. આ ગંભીર આક્ષેપો કર્યા બાદ વસોયા કેટલાક પુરાવાઓ પણ વિધાનસભામાં રજૂ કર્યા હતા.

વિધાનસભામાં ધારાસભ્ય લલિત વસોયા જણાવ્યું હતું કે, ક્યાંક ચોકીદારે ચોરી કરી હોય તો તેની ફરિયાદ થઇ શકે પરંતુ ચોર ચોકીદાર હોય તો ફરિયાદ ક્યાં કરવી તેવી સ્થિતિ આજે ગુજરાતના ખાણ ખનીજ વિભાગની છે.

આ ગૃહની અંદર આવ્યાના મને ત્રણ વર્ષ થયાં છે અને ત્રીજું બજેટ સત્ર છે. જ્યારે જ્યારે મને ખાણ ખનીજ વિભાગ પર બોલવાની તક મળી છે ત્યારે મેં પુરાવાઓ સાથે રજૂઆત કરી છે. આ પુરાવાઓ માત્ર ઓડિયો વીડિયો નહીં અને આક્ષેપો નહીં પરંતુ સરકારના કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેરે રેકોર્ડ પર દર્શાવેલા પુરાવાઓ સાથે મેં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી અને અનેક વખત રજુઆત કરી છે. તંત્ર દ્વારા પગલા એટલા માટે લેવામાં નથી આવતા કે આ ખનિજ ચોરો ક્યાંકને ક્યાંક ચોકીદારો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મેં મુખ્યમંત્રી વિજય રૂપાણીને 15-10-2019ના રોજ તમામ લેખિત પુરાવાઓ સાથે એક પત્ર લખ્યો હતો. જેમાં અધિકારીઓના પત્રનો ઉલ્લેખ કરીને પત્રની કોપી પુરાવા તરીકે આપી હતી. અત્યારે હું 80 રીપોર્ટ લઈને સાથે આવ્યો છું અને મંત્રી કહેશે તો હું તમામ પુરાવાઓ તેમને આપવા તૈયાર છુ. આ પત્ર લખવામાં આવ્યું હતું કે, ભાદર 2 ડેમ અને તેની નીચે આવેલા 12 જેટલા ચેકડેમના પાયામાંથી ખનીજ ચોરી કરવામાં આવે છે. આ ખનિજ ચોરી અટકાવવામાં નહીં આવે તો ભવિષ્યની અંદર આ ચેક ડેમ તૂટી જશે.

નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા આ બાબતે પોલીસને પણ ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ આજની તારીખ સુધીમાં આ બાબતે કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી. મારા વિસ્તારના ચાર ચેકડેમો જે 22 કરોડના ખર્ચે તૈયાર થયા હતા તે ચેક ડેમો આના કારણે તૂટ્યા છે. આ બાબતે અધિકારીએ પોલીસ ફરિયાદ કરી જિલ્લા કલેકટરને રજૂઆત કરી પરંતુ કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી.

આ ઉપરાંત ભાદર-2 ડેમનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં પણ લખવામાં આવ્યું છે કે રેતી ચોરીના કારણે કરોડો રૂપિયામાં તૈયાર થયેલા ભાદર 2 ડેમને નુકસાન થઈ રહ્યું છે. સેફટી અને રિવ્યૂ પેનલ દ્વારા ડેમના સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા પણ રિપોર્ટ તૈયાર કરીને રાજ્ય સરકારને આપ્યો હતો. તેમાં પણ લખવામાં આવ્યું હતું કે, અમારી હાજરીમાં ડેમની બાજુમાં આવેલા કોઝ-વે પરથી JCB મશીન દ્વારા રેતી ચોરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત દુઃખ સાથે એવું કહેવું પડે છે કે, રોજના 2 કરોડ જેટલા રૂપિયા તો ગાંધીનગર સુધી પહોંચે છે.

(9:34 pm IST)