Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

સી. આર. પાટીલ જેતલસરમાં: યુવતીની હત્યા કરનારને કડક સજાની ખાત્રી

સૃષ્ટી રૈયાણીની હત્યા કરનાર જયેશ સરવૈયાને ફાંસીની સજા આપવા સૌરાષ્ટ્ર-કચ્છમાં રોષ સાથે માંગણી

પ્રથમ તસ્વીરમાં વડીયા અને બીજી તસ્વીરમાં ધોરાજી ખાતે આવેદનપત્ર પાઠવાયુ તે નજરે પડે છે. (તસ્વીર : ધર્મેન્દ્ર બાબરીયા (ધોરાજી), ભીખુભાઇ વોરા (વડીયા)

(કુલદીપ જોષી દ્વારા) જેતલસર તા. રર :.. જેતપુર તાલુકાના જેતલસરમાં સૃષ્ટી રૈયાણી નામની યુવતીની એક તરફી પ્રેમમાં પાગલ જયેશ સરવૈયા નામના યુવકે હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે અને હત્યા કરનારને ફાંસીની સજા આપવા માંગ થઇ છે ત્યારે આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ જેતલસર આવ્યા છે અને સૃષ્ટી રૈયાણીના પરિવારજનોને મળીને આરોપીને કડક સજા આપવાની ખાત્રી આપી છે.

જેતલસરમાં આજે સૃષ્ટિ રૈયાણી હત્યા મામલે પરિવારજનોને સાંત્વના આપવા રાજય મંત્રી જયેશભાઇ રાદડિયા દોડી આવ્યા હતા. તેમની સાથે રાજકોટ જિલ્લા પોલીસવડા બલરામ મીણા, જેતપુરના ડીવાયએસપી સાગર બાગમાર સહિતનો પોલીસ કાફલો અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.

મૃતક તરુણીના ઘર પાસે પત્રકારોને માહિતી આપતા જયેશ રાદડિયાએ કહ્યું કે. સૃષ્ટિ મારી દીકરી છે તેવું માનીને હત્યા કેસની તપાસ શરુ કરાવી છે. તેમને કહ્યું કે હાલ આ બનાવની તપાસ રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાને સોંપવામાં આવી છે.

હત્યા કેસ બાબતે તમારું શું કહેવું છે ? તેવા પ્રશ્નના સવાલમાં જયેશ રાદડિયાએ કહ્યું કે, દીકરીને ન્યાય મળે તે માટે રાજય સરકાર સ્પેશિયલ પીપી નીમશે. તેમાંજ આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા સરકારે મંજૂરી પણ આપી દીધી છે. તે સિવાય ગાંધીનગર ખાતે રૂબરૂ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આ ઘટનાથી વાકેફ કરાયા હતા.

ધોરાજી

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી :.. ધોરાજી તાજેતરમાં જેતલસર ગામની તરૂણી સૃષ્ટી બહેન રૈયાણીની ઘાતકી હત્યા થઇ ગયેલ અને તેમના જ ઘરે છરીના સંખ્યાબંધ ઘા  મારી ઘાતકી હત્યા કરનારા આરોપીને તાત્કાલીક ધોરણે ફાંસીની સજા કરવા અંગે ધોરાજીની સમસ્ત સુન્ની મુસ્લીમ જમાતના પ્રમુખ યાસીનભાઇ ગરાણા (નોલબંધ) હાજી અફરગેઝ લકડકુકરા, બાસીતભાઇ પાનવાળા મકબુલભાઇ ગરાણા, બોદુભાઇ ચૌહાણ ભાજપ લઘુમતી મોરચા ધોરાજીના પ્રમુખ હમીદભાઇ ગોંડલી, સહિતનાઓએ ડે. કલેકટરને આવેદન આપી ફાંસીની સજા કરવા રજુઆત કરેલ હતી.

વડિયા

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા : રાજકોટ જિલ્લા ના જેતલસર ગામે થોડા દિવસ પેહલા ધોરણ ૧૧માં અભ્યાસ કરતી પાટીદાર દીકરી સૃષ્ટિ કિશોરભાઈ રૈયાણીની અસામાજિક તત્વો દ્વારા હત્યાં કરવામાં આવી હતી. આ ઉપરાત તેમના ભાઈ ઉપર પણ જીવલેણ હુમલો કરવામાં આવતા આ ઘટનાના પડઘા સમગ્ર રાજયમાં પડ્યા છે. ત્યારે વડિયા -કુંકાવાવ તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર માલાભાઈ ડોડીયાને આવેદનપત્ર આપી સરકાર દ્વવારા આ કેસના આરોપીઓ નો કેસ ખાસ કોર્ટ માં કેસ ચલાવી કડકમાં કડક સજા કરવામાં આવે અને આ દીકરી અને તેના પરિવારને ન્યાય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આ આવેદનપત્ર આપવામાં આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ ઘનશ્યામ ગેવરિયા, ઉપ પ્રમુખ જેન્તી પાઘડાળ, યુવા પ્રમુખ નિકુંજ જાગાણી, ગોપાલ શીંગાળા, પ્રમોદ ગઢીયા, હરેશ રાદડિયા સહીતના કાર્યકર્તાઓ અને હોદેદારો જોડાયા હતા.

(11:57 am IST)