Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

કચ્છના ભચાઉ-રાપરમાં ભૂકંપના ચાર આંચકા : સાઉથ વાગડ ફોલ્ટ જોખમકારક

કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૧૬ થી વાગડ વિસ્તારમાં ધરતીના પેટાળમાં થતી હિલચાલ ઉપર અભ્યાસ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૨૨:  કચ્છમાં સાઉથ વાગડ ફોલ્ટ સક્રિય હોઈ સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. છેલ્લા બે દિવસમાં શુક્ર અને શનિવાર દરમ્યાન ભૂકંપના સતત ચાર આંચકાઓ થી કચ્છની ધરતી ધ્રુજી ઉઠી હતી.

શુક્રવારની રાત્રે ભચાઉ પાસે ૧.૩ અને ૨ ના આંચકા સાથે, શનિવારે બપોરે ૨.૩ ના આંચકા સાથે અને મધરાતે ૧.૧૫ વાગ્યે ૩.૭ ના આંચકા થી ધરતી ધણધણી હતી. ૨૦૦૧ ના ગોઝારા ભૂકંપ પછી કચ્છમાં ભૂકંપ ઉપર સંશોધન કરી રહેલ વૈજ્ઞાનિક, કચ્છ યુનિવર્સિટીના અર્થ અને સાયન્સ વિભાગના વડા ડો. મહેશ ઠક્કરે જણાવ્યું હતું કે ૨૦૦૧ ના ભૂકંપ પછી કચ્છના પેટાળમાં સાઉથ વાગડ ફોલ્ટ સક્રિય બન્યો છે.

કેન્દ્ર સરકારના અર્થ એન્ડ સાયન્સ વિભાગ દ્વારા સાઉથ વાગડ ફોલ્ટ લાઇનના અભ્યાસની જવાબદારી સાંભળતા વૈજ્ઞાનિક ડો. મહેશ ઠક્કરે જણાવ્યું હતું કે, સાઉથ વાગડ ફોલ્ટ વલરેબલ એટલે કે, જોખમકારક ઝોન છે. જે અંગે સરકારમાં ૨૦૧૬ થી હાથ ધરાયેલા અભ્યાસનો રિપોર્ટ મોકલી દેવાયો છે.

આ ફોલ્ટ લાઈનને કારણે ભચાઉ અને રાપરના ગામડાઓ ગાગોદર, ચિત્રોડ, કંથકોટ, શિવલખા, આધોઈ, માય, વામકા ની આસપાસના વિસ્તારોમાં સતત ભૂકંપના આંચકાઓ આવતા રહે છે.

(9:50 am IST)