Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

મોરબી જીલ્લામાં નવા ૩૦ સબ સેન્ટર અને ત્રણ ખાનગી હોસ્પિટલમાં રસીકરણ કામગીરી

મોરબી જીલ્લામાં નવા ૩૦ સબ સેન્ટર અને ત્રણ ખાનગી હોસ્પિટલમાં રસીકરણ કામગીરી

મોરબી,તા.૨૨: જીલ્લામાં કોરોના રસીકરણ કામગીરીનો વ્યાપ વધારવા માટે નવા સેન્ટરો શરુ કરવામાં આવ્યા છે જેમાં ૩૦ સબ સેન્ટરો અને ૩ ખાનગી હોસ્પિટલમાં પણ રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.

મોરબી જીલ્લામાં દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો,સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ, ઉપરાંત બે ખાનગી હોસ્પિટલમાં કોરોના રસીકરણ કામગીરી ચાલી રહી છે જેમાં વધારો કરવામાં આવ્યો છે અને જીલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપરાંત દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એક એક ગ્રામ્ય કક્ષાના દુર્ગમ સબ સેન્ટર એમ ૩૦ સબ સેન્ટર પર કામગીરી શરુ કરવામાં આવી છે. તો રાજયકક્ષાએથી વેકસીનેશન હોસ્પિટલ સેન્ટરની મંજુરી મળતા હવે મોરબીની નક્ષત્ર હોસ્પિટલ, સમર્પણ હોસ્પિટલ અને હળવદ ખાતેની ઓમ હોસ્પિટલમાં પણ રસીકરણ કામગીરી શરુ કરવામાં આવી છે જેથી કોરોના સામે રક્ષણ મેળવવા નાગરિકો રસીકરણ કરાવે તેવી અપીલ આરોગ્ય અધિકારીએ કરી છે.

કોરોના રસીકરણ અભિયાનમાં ઇન્ચાર્જની નિમણુક કરી

મોરબી તાલુકામાં ચાલતા કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત ભાજપ તાલુકા પ્રમુખ દ્વારા ધનજીભાઈ દંતાલીયા અને રાકેશભાઇ કાવરને ઇન્ચાર્જ નિયુકત કર્યા છે તાલુકામાં કોરોના રસી બાબતે કોઈપણ પ્રશ્ન હોય તો નાગરિકો તેની મદદ લઇ સકે છે ઉપરાંત કાર્યકર્તાના રહેઠાણની આસપાસ ચાલતા રસીકરણ અભિયાનમાં ભાજપ કાર્યકર્તા જોડાઈ લોકોને મદદરૂપ બને તેવી અપીલ પણ મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા દ્વારા કરવામાં આવી છે.

કોરોના ધ્યાને લઇને તમામ શાળામાં સુચના

મોરબી જીલ્લા શિક્ષણાધિકારી બી એમ સોલંકીએ સરકારી અને ખાનગી શાળાના આચાર્ય તેમજ સંચાલકોને પત્ર પાઠવી જણાવ્યું છે કે કોરોના કેસો સતત વધી રહ્યા છે જેથી શાળામાં કોવીડ ૧૯ તકેદારી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરી સ્વાસ્થ્ય અને સલામતી પ્રોટોકોલ જાળવવા પુનઃ ધ્યાન દોરવામાં આવે છે તેમજ શાળાના કોઈ કર્મચારી કે વિદ્યાર્થી કોરોના પોઝીટીવ થયાની જાણ થયે અન્ય કર્મચારીઓ કે વિદ્યાર્થીઓમાં સંક્રમણ ફેલાતું અટકાવવા અસરકારક કાર્યવાહી તાત્કાલિક હાથ ધરી કચેરીને જાણ કરવા સુચના આપવામાં આવી છે.

(9:50 am IST)