Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

મોલડી પાસે થયેલી ૨૨.૪૪ લાખની લૂંટનો ભેદ ઉકેલતી સુરેન્દ્રનગર એલસીબીઃ રાજકોટ-થાનના ત્રણ ઝડપાયા

થાનના મયુર રાઠોડ ત્રણ પેટ્રોલ પંપના નાણા લઇ ૧૫/૩ના ચોટીલા બેંકમાં જમા કરાવવા નીકળેલ ત્યારે ઇકો કાર આંતરી છરી ઝીંકી લૂંટ ચલાવાઇ'તી : રોકડ સહિત ૨૩,૨૮,૮૦૦નો મુદ્દામાલ કબ્જેઃ લૂંટેલી રકમમાંથી એક જીપ છેક પંજાબ જઇને ખરીદી લાવ્યા'તા!૧૪મીએ ચોટીલા દર્શન કર્યા, નાઇટ હોલ્ટ કર્યો, ૧૫મીએ લૂંટ કરી દિવ ભાગ્યા'તા : લૂંટ બાદ બે દિવસ દિવમાં મોજ કરીઃ પછી સાસણ થઇ રાજકોટ આવ્યાઃ ફોરવ્હીલર લઇ પંજાબ ગયાઃ ત્યાંથી ફરી રાજકોટ આવ્યા ને ઝડપાયા : થાનના રાહુલ ઉર્ફ રોયએ કર્મચારી રોકડ લઇ કયારે નીકળશે એ સહિતની ટીપ આપી'તીઃ પોલીસને ગોટે ચડાવવા પ્રવિણ અને રાજ પોતાના મોબાઇલ ચાલુ હાલતમાં ગોંડલ મિત્રની ઓફિસે મુકી ચોટીલા આવ્યા હતાં જેથી મોબાઇલ લોકેશન ગોંડલનું જ મળે : પ્રવિણ, રાજ અને રાહુલે ૩ ડિસેમ્બરે પણ થાન બાયપાસ પર બાઇક ચાલકને છરી બતાવી રૂ. ૪૮ હજાર લૂંટ્યાનું કબુલ્યું : પીઆઇ ડી. એમ. ઢોલ, પીએસઆઇ વી.આર. જાડેજા અને ટીમને સફળતા : પ્રવિણ ઉર્ફ લાલો સુત્રધારઃ અગાઉ રાજકોટમાં ગંભીર ગુનાઓમાં સંડોવણીઃ મોજશોખ માટે લૂંટ કરવાની આદત

તસ્વીરમાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓ સાથે સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ ડી. એમ. ઢોલ અને ટીમ તથા કબ્જે થયેલા વાહનો જોઇ શકાય છે (ફોટોઃ ફઝલ ચોહાણ-વઢવાણ)

રાજકોટ તા. ૨૨: અઠવાડીયા પહેલા  ૧૫/૩ના વહેલી સવારે ચોટીલાના બોરીયાનેસ-મોલડી વચ્ચે નેશનલ હાઇવે પર રેડિયન્ટ કેસ મેનેજમેન્ટ કંપનીના થાનગઢમાં આવેલા ગુજરાત ગેસ કંપનીના સીએનજી પંપ, ચોટીલા ઇ-કોમ એકસપ્રેસ ઓફિસના અને ચોટીલાના રિલાયન્સ પંપના મળી કુલ રૂ. ૨૨,૪૪,૬૪૮ની રોકડ એકઠી કરી ચોટીલા બેંકમાં જમા કરાવવા જઇ રહેલા થાનના મયુર ડુંગરભાઇ રાઠોડની ઇકો કારનો નંબર વગરની સ્વીફટ કારથી પીછો કરી આંતરી મયુરને છરી ઝીંકી રૂ. ૨૨,૪૪,૬૪૮ની લૂંટ ચલાવવામાં આવી હતી. આ લૂંટનો ભેદ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી)ના પીઆઇ ડી.એમ. ઢોલ અને ટીમે ઉકેલી નાંખી રાજકોટ-થાનના ૩ શખ્સોને દબોચી લઇ કુલ રૂ. ૨૩,૨૮,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. લૂંટારૂઓએ પ્લાન ઘડી રેકી કરી હતી. ૧૪મીએ ચોટીલા દર્શન કરી, નાઇટ હોલ્ટ કરી ૧૫મીએ સવારે કામ પાર પાડ્યું હતું અને બાદમાં દિવ-સાસણ થઇ પંજાબ તરફ ભાગી ગયા હતાં. મયુર રાઠોડ કંપનીઓની

રોકડ એકઠી કરી બેંકમાં જમા કરાવવાનું કામ કરે છે. ૧૫મીએ તે ત્રણ કંપનીની રોકડ થેલામાં લઇ ચોટીલા બેંકમાં જમા કરાવવા નીકળ્યો ત્યારે બોરીયાનેસ ગામથી આગળ કનૈયા હોટેલ વચ્ચેના રોડ પર સફેદ રંગની કાળા કાચવાળી સ્વીફટ કારે તેનો પીછો કર્યો હતો. મોલડી નજીક તેને આંતરી લઇ જમણા હાથ-ખભા-બાવડા પર છરીના ઘા ઝીંકી રોકડ લૂંટી લેવાઇ હતી. આ મામલે નાની મોલડી પોલીસે ગુનો નોંધ્યો હતો.

લૂંટનો આ ભેદ સુરેન્દ્રનગર એલસીબીએ ઉકેલી નાંખી મુળ રાજકોટના હાલ થાનગઢ રૂપાવટી રોડ પર રહેતાં પ્રવિણ ઉર્ફ લાલો બળદેવભાઇ સેણજીયા, મુળ રાજકોટના રાજક ચંદ્રપ્રકાશ કોટાઇ તથા થાન આંબેડકરનગરના રાહુલ ઉર્ફ રોય હિમતભાઇ પરમારની ધરપકડ કરી રોકડા રૂ. ૧૨,૫૮,૮૦૦, લૂંટના પૈસામાંથી પંજાબ જઇને ખરીદ કરેલી એસેમ્બલ જીપ પીબી૮૦-૧૩૧૨ રૂ. ૪,૬૦,૦૦૦ની તથા લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી સ્વીફટ જીજે૦૩એલએમ-૪૫૨૪ રૂ. ૫ લાખની તથા ૧૦ હજારના બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૨૩,૨૮,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ ત્રણેયએ અગાઉ ૩/૧૨/૨૦ના રોજ પણ થાનગઢના મંડળીના એક કર્મચારીના બાઇકને આંતરી છરી બતાવી રૂ. ૪૮ હજારની લૂંટ કર્યાનું પણ કબુલ્યું છે. જે તે વખતે ભોગ બનનારને ત્રણેયએ ખુબ ડરાવ્યો હોઇ તેણે ફરિયાદ પણ નોંધાવી નહોતી. આ ગુનો પણ ડિટેકટ થયો છે. મોજશોખ પુરા કરવા ત્રણેયએ ગુનો આચર્યાનું સામે આવ્યું છે. પ્રવિણ ઉર્ફ લાલો રાજકોટ-લોધીકામાં પણ અગાઉ ગંભીર ગુનાઓમાં સંડોવાઇ ચુકયો છે.

લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવા રેન્જ આઇજીશ્રી સંદિપસિંઘ, પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયાએ સુચના આપી હોઇ સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ ડી. એમ. ઢોલની ટીમ, પેરોલ ફરલો સ્કવોડ, એસઓજી-સુરેન્દ્રનગર, લીંબડી નાયબ પોલીસ અધિક્ષક સી.પી. મુંધવાની રાહબરીમાં નાની મોલડી પોલીસની ટીમ, ચોટીલા પોલીસની ટીમ, થાનગઢ પોલીસની ટીમો કામે લાગી હતી. સીસીટીવી કેમેરાના ફૂટેજ, લોકોની પુછતાછ, શકમંદોની પુછતાછ, અગાઉ ગુનામાં પકડાયા હોય તેવા શખ્સોની માહિતી એકઠી કરાઇ હતી.

સતત મહેનતને અંતે સફળતા મળી હતી અને સોૈ પહેલા શકમંદ રાજકોટ સંત કબીર રોડ પર રહેતાં રાજ ચંદ્રપ્રકાશ કોટાઇને ઉઠાવી લેવાયો હતો. તેણે પોતે અજાણ હોવાનું રટણ કર્યુ હતું. પરંતુ ૬૦ હજારની રોકડ તેની પાસે હોઇ તે બાબતે ખુલાસો ન કરતાં કડક પુછતાછ થતાં ભાંગી પડ્યો હતો અને પોતાની સાથે થાન રહેતો મુળ રાજકોટનો પ્રવિણ સેણજીયા તથા થાનનો રાહુલો ઉર્ફ રોય હિમતભાઇ પરમાર લૂંટમાં સામેલ હોવાનું કબુલતાં આ બંનેને પણ ઉઠાવી લેવાયા હતાં.

વિશીષ્ટ ઢબે પુછતાછ થતાં લૂંટ કબુલી લીધી હતી. રાહુલ ઉર્ફ રોયએ કર્મચારી મયુર કયારે નીકળે છે કયાં જાય છે એ સહિતની માહિતી એકઠી કરી પ્રવિણ ઉર્ફ લાલાને ટીપ આપી હતી. એ પછી ૧૪/૩ના સાંજે પ્રવિણ અને રાજ ગોંડલ ખાતે મિત્રની ઓફિસે પોતાના મોબાઇલ ફોન ચાલુ હાલતમાં મુકી દઇ ચોટીલા નંબર વગરની સ્વીફટ લઇને આવી ગયા હતાં. સાંજે માતાજીના દર્શન કર્યા બાદ નાઇટ હોલ્ટ કરી ૧૫મીએ સવારે મયુરની ઇકો કારની રેકી કરી પીછો કરી બોરીયાનેસ-મોલડી વચ્ચે આંતરી છરીથી હુમલો કરી લૂંટ કરી લીધી હતી.

લૂંટની રકમમાંથી રાજને રૂ. ૬૦ હજાર રોકડા અપાયા હતાં. પ્રવિણે પોતાની પાસે બાકીની રકમ રાખી હતી. અમુક રકમ રાહુલ ઉર્ફ રોયને આપવાની હતી. લૂંટ બાદ રાજ અને પ્રવિણ દિવ ભાગી ગયા હતાં. ત્યાં બે દિવસ રોકાઇ સાસણ થઇ રાજકોટ આવી ફરીથી ભાગ્યા હતાં. દિલ્હી થઇ પંજાબ પહોંચ્યા હતાં. જ્યાંથી લૂંટની રકમમાંથી ફેરવવા માટે ૪,૬૦,૦૦૦ની જીપ ખરીદી લાવ્યા હતાં. ત્રણેયની વિશેષ તપાસ નાની મોલડી પોલીસે હાથ ધરી છે.

પીઆઇ ડી. એમ. ઢોલ, પીએસઆઇ વી.આર. જાડેજા, એએસઆઇ વાજસુરભા લાલુભા, નરેન્દ્રસિંહ દિલાવરસિંહ, જુવાનસિંહ મનુભા, ભુપેન્દ્રભાઇ, નિકુલસિંહ, ઋતુરાજસિંહ, હેડકોન્સ. અમરકુમાર, અનિરૂધ્ધસિંહ, હિતેષભાઇ, ચમનભાઇ, કોન્સ. જયેન્દ્રસિંહ, અજયસિંહ, અનિરૂધ્ધસિંહ ભરતહિં, અશ્વિનભાઇ, દિલીપભાઇ, સંજયભાઇ, નિર્મળસિંહ, કુલદિપસિંહ, સંજયસિંહ, ગોવિંદભાઇ, કલ્પેશભાઇ સહિતે આ ડિટેકશન કર્યુ હતું.

(10:32 am IST)