Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

પોરબંદરમાં બર્ડ કન્ઝર્વેશન ચકલી દિવસની ઉજવણીઃ

પોરબંદર બર્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા તાજેતરમાં પોરબંદરની વિ.જે. મોઢા કોલેજ ખાતે વિશ્વ ચકલી દિનની ઉજવણી સંદર્ભે યોજાયેલા ચકલીના માળાઓ, બર્ડ ફીડર, માટીના કુંડાનો વિતરણ અને પર્યાવરણના સેવા કર્મીઓનો સન્માન સમારોહના પ્રારંભે પોરબંદરની બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના પ્રમુખ ભરતભાઈ રૂઘાણી એ આવકાર પ્રવચન આપતા જણાવ્યું હતું કે આજના સમયમાં ચકલીઓની સંખ્યા ઓછી જોવા મળે છે. આ સંસ્થા છેલ્લા ૨૧ વર્ષથી પક્ષીઓના જતન માટે કાર્યરત છે. બર્ડ ફીડર, પાણીના કુંડા અને ચકલીના માળા લગાડવામાં આવ્યા બાદ પક્ષીઓનો કલબલાટ જોવા મળે છે. કુછડી, હર્ષદ, માધવપુર, જામજોધપુર, કુતિયાણા તેમજ ગાંધીનગર, વિસનગર વગેરે સ્થળોએ સંસ્થાની સેવા પ્રવૃતિ એ હરણફાળ ભરી છે. વિવિધ શહેરો અને ગામડાઓના મકાનોમાં બર્ડ ફીડર, ચકલીના માળા, પાણીના કુંડા લગાડવામાં આવ્યા છે. વિ.જે.મોઢા કોલેજ ખાતે યોજાયેલા આ વિશ્વ ચકલી દિન સમારોહનું દીપ પ્રગટાવી ખુલ્લો મૂકતા મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત ડાયેટના સમગ્ર ગુજરાતમાં નાની વયે વર્ગ-૧ ના અધિકારી કેડરના પ્રિન્સીપાલ શ્રી એસ.જે. ડુમરાળીયાએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજી, સુદામાપુરી અને સ્વામી વિવેકાનંદની કર્મભૂમિમાં શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરવાની એક ઉમદા તક મળી છે બર્ડ કન્ઝર્વેશન સોસાયટીની પ્રવૃતિને બિરદાવીને ચકલી બચાવો અભિયાનમાં સૌને જોડાવાનો અનુરોધ કર્યો હતો.કેળવણીકાર ડો. ઈશ્વરલાલ ભરડા એ જણાવ્યું હતું કે લય તૂટે ત્યારે પ્રલય થાય છે.  આપણો પ્રકૃતિ સાથેનો લય તૂટ્યો છે. આપણે પ્રકૃતિ પાસેથી ઘણું છીનવી લીધું છે. ચકલી બચાવ અભિયાનમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રકૃતિપ્રેમીઓ માલદેભાઈ ચૌહાણ, ચૂંટાયેલા સેવા કર્મી નગર સેવકો શ્રી સરોજબેન કક્ક્ડ, શ્રી ગીતાબેન કાંતિભાઈ કાણકિયા, વેગડ ગોપાલભાઈ મિસ્ત્રી, માનવભાઈ કુહાડા, ક્રિષ્નાબેન ત્રિવેદીનું પાણીના કુંડા, ચકલી માળા, બર્ડ ફીડર તેમજ પ્રશસ્ય પત્ર દ્વારા શ્રી એસ. જે. ડુમરાળીયા તથા સંસ્થાના પ્રમુખ ભરતભાઈ રૂઘાણીના હસ્તે સન્માનિત કરાયું હતું. ચકલીના માળા વિતરણ તથા સન્માનની તસ્વીર.

(10:38 am IST)