Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

નાથાલાલ અભાણી : સેવામય - પ્રેરક જીવન સફર

જુનાગઢના નાથાબાપા ઠક્કર બંને હાથે અપંગ હતા, આર્થિક સ્‍થિતિ પણ સારી ન હતી, છતાં સેવાની જ્‍યોત જલતી રાખી : નાથાબાપા રાધેશ્‍યામજીના શિષ્‍ય હતા : પૂ. મોરારીબાપુએ વિશેષ સન્‍માન કર્યું હતું : પૂ. પાંડુરંગ શાષાીજીએ મળવા બોલાવ્‍યા હતા : નાથાબાપાના આંગણેથી કોઇ ખાલી હાથે જતું ન હતું...

જૂનાગઢ એટલે સંત શિરોમણી શ્રી નરસૈંયાની ભૂમિ કે જયાં વૈષ્‍ણવ જન તો તેને રે કહી એ જે પીડ પરાઈ જાણે રે નો નાદ હમેશા ગુંજતો રહે છે.આવી પવિત્ર ભૂમિ પર એક મુક સેવક થઈ ગયા જેમનું નામ આદરણીય શ્રી નાથાલાલ જીવનલાલ અભાણી (ઠક્કર). નાથાલાલ જીવનલાલ અભાણી ૨૩.૧૧.૧૯૦૫ થી ૧૮.૧૨.૧૯૮૭ આ એક એવું નામ છે કે જે ઇતિહાસના પન્નાઓમાં ખોવાઈ ગયુ છે. હા આ નાથાબાપા જૂનાગઢ કે જે સંત નરસૈંયાની પવિત્ર ભૂમિ કેવાય છે અને ઋષિ મુનિઓનું જે પવિત્ર ધામ.ગરવા ગિરનારની તળેટીમાં વસેલું આ શહેર અને તેમાં આવેલો વણઝારી ચોક અને તેમાં પણ ચબૂતરો અને તેની સામે હતું નાથાબાપાનું વીરપુર એટલે કે કાયમી ચાલતું અન્નક્ષેત્ર ગરીબ ગુરબા બાવા સાધુ કે કોઈ પણ નિરાધાર માટેનું હરહંમેશ ખુલ્લું દ્વાર એટલે આ નાથાબાપા નું રાધેશ્‍યામ ભુવન. તો ચાલો આજે આપણે આ એક મનુષ્‍ય રૂપી સંત અવતાર એવા વ્‍યક્‍તિને મળીએ. જેમના જીવન ચરિત્ર ની એક ઝલક આપવાનો નમ્ર પ્રયાસ તેમના પુત્ર શ્રી જગદીશભાઈ ઠક્કર અત્રે કરી રહ્યા છે.

જૂનાગઢમાં વણઝારી ચોક માં ચબુતરા પાસે નાથાભાઇ નું ઘર હતું.તેમની જન્‍મભૂમિ જૂનાગઢ હતી અને વડોદરામાં રેલ્‍વેમાં તેઓ ફરજ બજાવતા હતા. એક દિવસ પોતાની ફરજ બજાવી ટ્રેનના પાટા ઓળંગતી વખતે ચક્કર આવી જતા પડી ગયા અને તેમના બને હાથ કોણી એ થી કપાઈ ગયા.પણ તેમનો જીવ બચી ગયો. કહેવાય છે ને રામ રાખે એને કોણ ચાખે. કુદરતને આ જીવ પાસે માનવ કલ્‍યાણ માટે ઘણું કરાવવું હતું એટલે તો આવડો મોટો અકસ્‍માત છતાં તેમનો જીવ બચી ગયો. તે સમયે બ્રિટિશ સરકાર હતી. આ બનાવ વખતે નાથાભાઇ ની ઉમર માત્ર ૪૨ વર્ષ હતી. તેમણે એક પટ્ટો તૈયાર કરાવ્‍યો કે જે કોણી ઉપરથી કપાઈ ગયેલ હાથ સાથે પહેરી શકાય. અને કંપાસ ના પરિકરમાં જેમ પેન ફિટ થઈ શકે તેમ તેઓ લખી શકે. અને અક્ષર તો એવા હતા જે જોતા જ લોકો દંગ રહી જતા. કાળી ટોપી કાળી બંડી સફેદ જભો અને સફેદ ધોતિયું આ તેમનો પહેરવેશ હતો. ખિસ્‍સામાં પીપરમેન્‍ટ નાના બાળકો માટે રાખતા આજે પણ જે લોકો વણઝારી ચોકમાં રહે છે તેઓ આ નામથી જરા પણ અજાણ નથી. તત્‍કાલીન બ્રિટિશ સરકારે જોયું કે શ્રી નાથાભાઇ સરસ અક્ષરે લખી શકે છે તેથી તેમને તાર માસ્‍ટરની નોકરી આપી. તેઓ ટેલિગ્રામની લેવડ દેવળ પણ ખુબજ ઝડપી કરી શકતા. તેમના બે પુત્ર મોટા પુત્ર કાંતિલાલ કે જેઓ પણ રેલવે માં હતા અને તેમના બે પુત્ર અરૂણ અને તરૂણ. બંને પણ બરોડા ખાતે રેલવેમાં હતા. અને બે દીકરી દક્ષા અને પૂર્ણિમા. અને નાના પુત્ર જગદીશભાઈ જેઓ બેંક માં હતા. તેમના પુત્ર ડો. હીમાંશુભાઈ કે જેઓ રાજકોટ ખાતે છેલ્લા ૨૦ વર્ષ થી ઈએનટી સર્જન તરીકે પ્રેકટીસ કરી રહ્યા છે.

 જગદીશ ભાઈના દીકરી નેહાબેન. શ્રી નાથાભાઇ બરોડામાં મંડવી ચોક પાસે આવેલ વિઠ્ઠલરાઈજીના મંદિરમાં નિયમિતપણે દર્શન કરવા જતાં. ત્‍યારે શ્રી નરહરિ મહારાજ શ્રી ભાગવત વાંચતા અને શ્રી ડોંગરેજી મહારાજ જપીયા તરીકે બેસતા. આ બને સંત શ્રી નાથાભાઇને વ્‍યકિતગત રીતે ઓળખતા. શ્રી નાથાભાઇ એ તારમાસ્‍ટર તરીકે રિટાયર મેન્‍ટ બરોડા ખાતેથી લીધું. ત્‍યાર બાદ તેઓ પોતાના વતન જૂનાગઢ ખાતે સ્‍થાઈ થયા. હવે મુકસેવક તરીકે તેમની યાત્રા શરૂ થઈ. આર્થીક સ્‍થિતિ સારી ન હતી. છતાં કહેવાય છે કે નરસૈંયાની હૂંડી સ્‍વીકારવા ખુદ ભગવાન આવ્‍યા હતા તેમજ શ્રી નાથાભાઇના આ માનવસેવાના યજ્ઞમાં ભગવાન સાથે જ હતા

એમના ઘરે થી કોઈ પણ યાચક ખાલી હાથે પાછું ના ફરતું. રોજ સવારે ગાયની કુંડીમાં અને ચબુત્રામાં પક્ષી માટે પાણી. ગાયને ઘાસ અને જમતા અગાઉ કનૈયાને થાળી ધરી પછી જ જમતા. એ આ ઘર ની પ્રણાલી હતી. નાથાભાઇ જમવા બેઠા હોય અને કોઈ સાધુ દરવાજે આવે અને કહે ખાના ખાનાં હે તો તેઓ પોતાની થાળી આપી દેતા. સાધુને માન સાથે ઘરમાં બેસાડી આગ્રહ કરી જમાડતા. રોજ સાંજે જૂનાગઢમાં રેલવે સ્‍ટેશન પાસે આવેલ લક્ષ્મી પરોઠા હાઉસમાંથી રોટલી અને શાક લઇ નિરાધાર ભિખારી, બાવા, સાધુને પ્રેમથી જમાડતા આ તેમનો દૈનિક નિત્‍યક્રમ હતો. તેમના ઘરે પણ તેમણે અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું. જેમાં બાવા સાધુને પ્રેમથી જમાડતા. બપોરે બધા જમી લે પછી જ પોતે જમતા. કયારેક આપણને વિચાર આવે કે બે હાથ વગરનો વ્‍યક્‍તિ કઈ રીતે આ બધું કરી શકે?ત્‍યારે ખરેખર ઈશ્વરીય શક્‍તિનો ભાસ થાય છે. પોતાના હાથ ના હતા તેમનો કયારેય રંજ કે અફસોસ ના હતો. તેઓ રોજ સવારે ૨ કલાક દેવી ભાગવતનું પઠન ઘરે કરતા અને રાત્રે ડોગરેજી મહારાજનું ભાગવતનું પઠન તેમના પુત્રવધૂ શ્રીમતી ઇન્‍દુબેન પાસે કરાવતા અને તેઓ કાયમ પોતાના પુત્રવધુને દેવી તરીકે સંબોધતા. ઇન્‍દુબેન કહે છે કે તેમને એ જમાનામાં BA.ed ની ડિગ્રી માટે પ્રોત્‍સાહન અને પ્રેરણા તેમના પિતાતુલ્‍ય સસરા શ્રી નાથાભાઇ તરફથી મળી હતી.શ્રી નાથાભાઇ કહેતા દિનદુઃખીયામાં દેવ બિરાજે. આપો અન્નનો ટુકડો ભગવાન આવે ઢુકડો. ફૂટપાથ પર કોઈ ગરીબ દર્દી બીમાર હોય તો તેને સરકારી હોસ્‍પિટલમાં દાખલ કરાવી સારવાર કરાવતા અને ડોક્‍ટર જયારે જવાબદારી પૂછે તો પોતે જવાબદારી લેતા અને જો કોઈ ગરીબ લાવારીસ દર્દીનું અવસાન થાય તો તેને કાંધ આપતા અને સ્‍મશાને જઈ તેનો અગ્નિ સંસ્‍કાર પણ કરતાં. તેમનો આત્‍મવિશ્વાસ ગજબ હતો અને ઇશ્વરમાં અડગ શ્રધ્‍ધા ધરાવતા. મુસાફરી કરતા હોય તયારે શ્રી કૃષ્‍ણ શરણમ મમઃનો નિત્‍યપાઠ કરતા. ડભોઈમાં જયારે જેઓ તાર માસ્‍ટર તરીકે નોકરી કરતા હતા ત્‍યારે તેમના હાથ નીચે ૪૦ માણસોનો સ્‍ટાફ હોવાં છતાં પોતાનું કામ જાતે જ કરતા અને પોતે રિસીવ કરેલ ટેલિગ્રાફનું પાનું પોતે જાતે જ ફાળતા કોઈને મદદ માટે કહેતા નહીં. ચાલતા હોય ત્‍યારે પણ નીચે જોઈને ચાલતા જે જેથી કોઈ કીડી પણ મરી ના જાય. જીવદયામાં ખૂબજ માનતા આ બધી વાત સંત શ્રી મોરારીબાપુના ધ્‍યાનમાં આવી ઘણા વર્ષો અગાઉ જયારે બાપુ જૂનાગઢમાં જવાહર શાળા ખાતે શ્રી નારાયણ સ્‍વામી સાથે તેમની સભા હતી ત્‍યારે બાપુએ સેવક મોકલી તેમને તેડાવ્‍યા ત્‍યારે ખુબજ વિનમ્રતાથી કહ્યું કે હું કોઈ પ્રસિદ્ધિ માટે દિનદુખિયાની સેવા નથી કરતો મને તો એમાં આનંદ આવે છે છતાં બાપુના આગ્રહને માન આપી તેઓ ગયા અને બાપુએ સમગ્ર માનવ મેદની વચ્‍ચે કહ્યું કે જો બે હાથ વગરનો માણસ સમાજની સેવા કરી શકે તો દરેકે આમાંથી પ્રેરણા લઈ સમાજ માટે કંઈક કરી છૂટવું જોઈએ. શ્રી નાથાભાઇના ગુરૂ શ્રી રાધેશ્‍યામજી હતા તેઓ બેરીસ્‍ટર પદ છોડી સંત બની ગયા હતા. રોજ સત્‍સંગમાં એક મુકસેવક તરીકે જતા અને શ્રી રાધેશ્‍યામજી કહે તેનું પાલન કરતા. રાધેશ્‍યામજીના નામની ધજા પોતાના ઘર ઉપર ફરકાવી હતી. પૂજય પાંડુરંગ શાષાીજીએ પણ તમને ખાસ મળવા માટે ચલાલા ખાતે તેડાવ્‍યા હતા અને તેમના માનવસેવાના કાર્યો ને બિરદાવ્‍યા હતા. માન સન્‍માન આ જીવ માટે લોકીક હતું જયારે કોઈએ પુછ્‍યું કે તમને આમાં તકલીફ નથી પડતી ત્‍યારે કહેતા દિનદુખિયામાં જ મારો રામ છે. પોતાની ચાની રકાબી પણ પોતે કોણીએથી ઉચકીને પીવે અને કોઈની કયારેય મદદના માંગતા. તેઓ કદી અસત્‍ય ના બોલતા અને તેમનું જીવન સરળ સાદું. પ્રામાણિક ઈશ્વરમાં અડગ શ્રદ્ધા અને વિશ્વાસવાળું હતું તેઓ ખોટા આડંબરોથી પર હતા. આપણી પાસે હોય અને આપીએ તે ઉત્તમ પણ ના હોય ત્‍યારે આપવું એજ ખરો પરમાર્થ.

 ઇન્‍દુબેન ઠક્કર કે જેઓ તેમના નાના દીકરા જગદીશભાઈના ધર્મપત્‍ની છે અને તેઓ ભાવસભર થઈતેમના સાસુ એટલે કે શ્રી નાથાભાઇના ધર્મપત્‍ની જયકુંવરબેન વિષે કહે છે કે ૪૦ વર્ષ સુધી નાથાબાપાનો પડછાયો એટલે અમારા બા કયારેય એમ નથી કહ્યું કે હું થાકી ગઈ. તેઓ કળિયુગના સતી હતાᅠᅠઅને તેમણે હાથવગર ના વ્‍યક્‍તિની જીવનપરીર્યંત સેવા કરી અને એ પણ હસતા મોઢે એ એક સતિ જ કરી શકે.. ડો. હીમાંશુભાઈ પોતાના પૂજય બાને યાદ કરતા કહે છે કે મારા બા જયકુંવરબા જેમ જલારામ બાપા અને વીરબાઈમાં ની કથા તેમજ નાથબાપાના ધર્મપત્‍ની જયકુંવરબા. બંને હાથ વગરના પતિના હાથ બની આખી જિંદગી સેવા કરી અને હસતા મોઢે કયારેય કોઈ રંજ કે તકલીફ ની વાત જ નહીં. બાપાની ડેલીએ રાત્રે ૧૨ વાગે પણ કોઈ ભૂખ્‍યો આવે તો તેને જમ્‍યા વગર ના જવાદે અને બા રાત્રે ૧૨ વાગે પણ જમવાનું બનાવે. કાયમ માટે કુતરા માટે રોટલી અને દૂધ, પક્ષીઓ માટે ચણ અને પાણી અને ગરીબો માટે રોટલો આ પણ બે હાથ વગરના વ્‍યક્‍તિ કે જેની પોતાની આર્થિક સ્‍થિતિ આ માટે સક્ષમ ન હતી છતાં હસતે મોઢે કરતા હતા. પોતાના હાથ ન હતા તેમના સુપુત્ર એટલે જગદીશભાઈ કે જેઓ ૩૫ વર્ષ બેંકમાં મેનેજર રહ્યા અને રીટાયર થયા. કાયમ નાથાબાપાના પગ દબાવીને જ રાત્રે સૂતા અને પોતાના હાથે જમાડતા. ખરા અર્થમાં શ્રવણ જેવો પુત્ર કહી શકાય.

 નાથાબાપાને મહેમાન ખુબજ ગમતા અને પોતે ખાવાના શોખીન હતા. વણઝારી ચોકના ખૂણે ગાંઠિયા અને ફાફડાની દુકાન હતી ત્‍યાથી ખભે થેલી નાખી ફાફડા લઇ આવતા અને બધાને ખવડાવતા .જગદીશ ભાઈના ધર્મ પત્‍ની એટલે ઇન્‍દુબેન ચલાલાના શેઠ ચત્રભુજભાઈના દીકરી અને જગદીશભાઈની સાથે સાથે પોતાના સાસુ સસરાની આજીવન સેવા કરનાર આદર્શ ગૃહિણી. પોતે એ સમયમાં BA.edની ડિગ્રી ધરાવતા અને સ્‍કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતા અને બાકીનો સમય પોતાના સાસુ-સસરાની સેવા અને મદદ કરતા. આપણે ભગવાનને જોયા નથી પણ જો એ હોય તો નાથાબાપા જેવા જીવના સ્‍વરૂપે દિનદુખિયાનો બેલીના રૂપમાંજ સમાયેલો હોય. હું ડો. હિમાંશુ ઠક્કર આવા દિવ્‍ય આત્‍મા એવા નાથાબાપાના પૌત્ર તરીકે ખુબજ ગર્વ અનુભવું છું અને મારી જાતને ખુબજ ભાગ્‍યશાળી માનું છું કે હું આવા દિવ્‍ય પરોપકારી આત્‍માનો પૌત્ર છું અને હા આજે હું ચોક્કસ પણે માનુ છું કે ઇશ્વર છે જ અને તેનો વાસ નાથાબાપા જેવા દિવ્‍ય પુરૂષમાં હંમેશા રહેશે અને જયારે ઈશ્વર બધે જ નથી પહોચી શકતો ત્‍યારે તે નાથાબાપા જેવા જીવને પૃથ્‍વી ઉપર મોકલે છે. ભલે આજે નાથાબાપા આપણી વચ્‍ચે નથી પણ તેમના સત્‍કર્મોની સુવાસ કાયમ રહેશે અને સર્વને દિનદુખિયામાં રામ શબ્‍દની પ્રેરણા દેતી રહેશે.

 

પ્રેરણામૂર્તિ નાથાબાપા : ચાર દાયકાનો અતૂટ નાતો : શ્રીમતી મીનાબેન ચગ

રાજકોટ તા. ૧૬ : જૂનાગઢના મહિલા અગ્રણી મહિલા ક્રાંતિના તંત્રી અને ‘અકિલા' પરિવારના મોટાબેન શ્રીમતિ મીનાબેન ચગ (મો. ૯૪૨૬૯ ૯૮૮૦૯) કહે છે કે, (અભાણી) ઠક્કરને આંગણેથી કોઈ વ્‍યક્‍તિ નિરાશ થઈને જતું ન હતું, પોતે વિપરીત સંજોગોનો સામનો કરતા હતા પણ સેવા કરવામાં પાછું વળીને જોતા ન હતા ‘આ મારો અનુભવ છે.. મારા સંસ્‍મરણો છે.'

સંસ્‍મરણોને તાજા કરતા જણાવુંતો નાથાબાપા પરિવારનું ઘર મારા માટે પિયર સમાન હતું. પરિવાર સાથેનો ચાર દાયકાનો નાતો આજે પણ એટલો જ ધબકી રહ્યો છે, તેમની અમીદ્રષ્ટિ વરસી રહી છે

વણઝારી ચોક ખાતે નાથાબાપાના ઘર પાસે જ અમારૂ રહેણાંક હતું. જયારે પણ તેમને ત્‍યાં જવાનું થતું તો તેમનું ઘર એક મંદિર હોય તેવો અહેસાસ થતો. દીવાલો ઉપર દેવી-દેવતાઓની છબીઓ અને ગીતાજીના શ્‍લોકનો ગુંજારવ આજે પણ પણ પડઘાઈ રહ્યો છે. તેમની સેવાના અનેક પ્રસંગોની હું સાક્ષી છું. એકવાર શિયાળાની સવારે નાથાબાપા ઓટલા પર બેઠા હતા એક ગરીબ માણસે ઓઢવાનું માંગતા પોતે ઓઢેલો નવો જ ધાબળો તેને ઓઢાડી દીધેલ.

નાથાબાપાને બંને હાથ ન હતા.. આર્થિક પરિસ્‍થિતિ પણ કપરી હતી છતાં પણ કોઈ તેમના આંગણેથી નિરાશ થઈને જતું ન હતું. ભૂખ્‍યાને ભોજન આપવું તથા દીનદુખિયામાં રામના દર્શન કરવા તેમનો જીવન મંત્ર હતો. આ પરિવાર સાથે નાતો હોવાનું મને ગૌરવ છે. નાથા બાપાના પુત્ર જગદીશભાઈ કે જેમનામાં પણ બાપાના ગુણોનો નખશિખ વારસો ઉતર્યો છે જે ત્રીજી પેઢીએ પૌત્ર હિમાંશુએ પણ આ ચીલો ચાલુ રાખ્‍યો છે. રાજકોટના નામાંકિત ડોક્‍ટરમાં જેમની ગણના થાય છે તેવા ડો. હિમાંશુ ઠક્કર આજની તારીખે ગરીબ જરૂરિયાતમંદ લોકોને એટલા જ મદદરૂપ થાય છે. જેમની સાથે નણંદ-ભોજાઈનો અતૂટ નાતો છે તેવા ઈન્‍દુબેન ઠક્કર સામાજિક કાર્યકર સાથે શિક્ષકનો બહોળી અનુભવ છતાં એટલાં જ કુટુંબ તથા દીનદુખીયા માટે ઓતપ્રોત થઈ જતા પૌત્રી નેહા, પૌત્રવધુ ડો. કૃપા તથા સમગ્ર પરિવારમાં બાપાના સંસ્‍કારોના અમીઝરણાં વહી રહ્યા છે. આજે બીજી અને ત્રીજી પેઢી સાથે મારો નાતો એટલો જ આત્‍મીયતાથી છલકી રહ્યો છે.

‘અપના હાથ જગન્નાથ' તો સહુ કહે પરંતુ ‘વિના હાથ જગન્નાથ'ને સાર્થક કરતા નાથા બાપાને વણઝારી ચોક અને સમગ્ર જુનાગઢ દિલથી આજની તારીખે પણ પણ ખૂબ પ્રેમથી યાદ કરે છે. ‘આવું હતું જલારામબાપાના જીવનમંત્રને સાર્થક કરતું નાથા બાપાનું પ્રેરણા રૂપ જીવન'.

- આલેખન -

ડો. હિમાંશુ ઠક્કર

ઇએનટી સર્જન, રાજકોટ

મો. ૭૯૯૦૧ ૫૩૭૯૩

(10:56 am IST)