Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

સફારી પાર્ક બનશે અને

ભેંસાણ તાલુકાના નસીબ ચમકી જશે? ભારતના સૌથી શ્રીમંત પરિવારે જમીન લીધી?

જુનાગઢ જીલ્લાના ભેંસાણ તાલુકાના સામતપરા ખાતે અંદાજે એક હજાર વિઘાથી વધુ જગ્‍યાનો સોદો થયાની ચર્ચા : તાજેતરમાં જ સામતપરા ખાતે શ્રી મુકેશભાઇ અંબાણી તથા શ્રીમતી નિતા અંબાણી આવ્‍યા હોવાની વાતો સંભળાતા જમીનના ભાવોમાં સળવળાટઃ અમરેલી પંથકની એક મોટી પાર્ટી જમીન લેવા આવી ?

રાજકોટ તા. રર :.. જુનાગઢ જીલ્લામાં આવેલ ભેંસાણ તાલુકાના નસીબ ખૂલી જવાની પુરી સંભાવના દેખાઇ રહી છે. કારણ કે છેલ્લા આઠેક દિવસથી આ વિસ્‍તારમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે કે ઘણાં વર્ષોથી ભારતના સૌથી શ્રીમંત ગણાતા પરિવારે ભેંસાણ તાલુકાના સામતપરા ખાતે અંદાજે એક હજાર વિઘાથી પણ વધુ જગ્‍યા લીધી છે. એવું પણ સંભળાય છે કે જે જગ્‍યાનો સોદો કરવામાં આવ્‍યો છે તે જગ્‍યાના  માલિક પણ સ્‍થાનિક કક્ષાએ ખૂબ મોટું નામ અને નેટવર્ક ધરાવે છે. તેઓએ પણ હજુ પોતાની માલિકીની માત્ર અડધી જ જગ્‍યા વેચી હોવાનું પણ કર્ણોપકર્ણ ચર્ચાઇ રહ્યું છે.

તાલુકાના મહેસૂલ તંત્રમાં ચર્ચાતી વિગતો મુજબ સામતપરા, પાટવડ સહિતના સર્વે નંબરવાળી વિશાળ જગ્‍યામાં ભારતનું પ્રથમ નંબરનું બિઝનેસ ગ્રુપ સફારી પાર્કનું નિર્માણ કરવા જઇ રહ્યું છે. ભેંસાણ તાલુકાનો આ વિસ્‍તાર ‘રાષ્‍ટ્રીય અભ્‍યારણ' તરીકે  ઓળખ પામે તો પણ નવાઇ નહીં.

દરમ્‍યાન એવું પણ સાંભળવા મળે છે કે રીલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝના માલિક શ્રી મુકેશભાઇ અંબાણી તથા તેમના ધર્મપત્‍ની શ્રીમતી નિતા અંબાણીએ તાજેતરમાં જ સપરિવાર આ વિસ્‍તારની મુલાકાત લીધી હતી. તેઓના આવન-જાવન માટે હેલિકોપ્‍ટર સંદર્ભે હેલીપેડ પણ બનાવાયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

અહીં અંબાણી પરિવારજનો આવ્‍યાની વાતો વાયુવેગે ફેલાઇ જતા ભેંસાણ તાલુકાના સામતપરા, પાટવડ તથા તેની આજુબાજુના વિસ્‍તારની જમીનોના ભાવોમાં પણ છૂપો સળવળાટ આવ્‍યાનું દેખાઇ રહ્યું છે. એવી પણ ચર્ચા સંભળાઇ રહી છે કે આ પછી અમરેલી પંથકની એક મોટી પાર્ટી આ વિસ્‍તારમાં વધુ વિઘાની ખેતીની જમીન શોધી રહી છે. જો કે અંબાણી પરિવારની ચર્ચાતી આ મુલાકાતને ઘણાં લોકોનો માત્ર શુભેચ્‍છા મુલાકાત અને સ્‍થાનિક સંબંધોના કારણે ફાર્મ હાઉસ ખાતે ફરવા આવ્‍યાનું પણ ગણાવી રહ્યા છે.

હવે જો આ વિસ્‍તારમાં ખૂબ મોટો સફારી પાર્ક બનવાની વાત સાચી હોય તો ચોકકસપણે ભેંસાણ તાલુકાના નસીબ ચમકી જશે તેમાં બેમત નથી. જો કે આ વાતને હજુ સંપૂર્ણ પુષ્‍ટી મળતી નથી.

પાટવડ ખાતેની બાબીવંશની લાગુ જમીન પણ માંગવામાં આવી ?

તાલુકાના મહેસુલ વિભાગમાં એવી પણ કર્ણોપકર્ણ ચર્ચા છે કે સામતપરાની જે જમીનનો સોદો થયાનું સંભળાઇ રહ્યું છે તે જમીનને લગોગલ પાટવડ ગામ ખાતેની બાબીવંશની ૮૦ વિઘા જમીન આવેલી છે. ભારતના સૌથી શ્રીમંત પરિવાર દ્વારા આ જમીન પણ બાબીવંશના વારસદારો પાસે ઊંચા બજારભાવે માંગવામાં આવી હોવાનું સંભળાઇ રહ્યું છે. પરંતુ હજુ સુધી કોઇ કારણસર આ સોદો પાર ન પડયો હોવાની પણ ચર્ચા છે.

જામનગર કરતા ભેંસાણ તાલુકાનું વાતાવરણ સિંહને વધુ અનુકુળ

ચર્ચાતી વિગતો મુજબ રીલાયન્‍સ ગ્રુપ દ્વારા જામનગર જીલ્લામાં ખૂબ મોટા સફારી પાર્કનું નિર્માણ કરવાનું વિચારણા હેઠળ છે. પરંતુ સિંહ સહિતના અન્‍ય જંગલી જાનવરોને કદાચ જામનગર જીલ્લાનું વાતાવરણ અનુકુળ ન પણ આવે. જયારે ભેંસાણ તાલુકો જુનાગઢ - ગીરનાર જંગલ સાસણગીર અભ્‍યારણને સંલગ્ન હોવાથી સફારી પાર્કમાં રહેલા તમામ પશુ-પક્ષીઓને અહીંનું વાતાવરણ માફક આવી શકે.

 

(10:57 am IST)