Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

ગાંધીધામમાંથી અપહરણ કરાયેલ માસૂમ બાળક આંધ્રપ્રદેશથી મળ્યું

રાત્રે ઉંઘ દરમ્યાન શ્રમજીવી પરિવારના ચોરાયેલા અપહૃત બાળકનો પત્તો મેળવવા પોલીસે કરેલી મહેનતથી રાંકનું રતન પરત મળ્યું

 (વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૨૨ : ગાંધીધામના રેલવે સ્ટેશન વિસ્તારના ઝૂંપડામાં રહેતા શ્રમજીવી પરિવારના બે વર્ષના સંતાનને ગત ૧૩ માર્ચની રાત્રે કોઈ ઉઠાવી ગયું હતું. નિંદ્રાધીન માતા પિતાની ઉંઘ ઉડી ત્યારે પોતાનું સંતાન તથા મોબાઈલ ચોરાયાનું ધ્યાને આવતા ખુબ શોધખોળના અંતે પોલીસને જાણ કરી હતી  આ સમગ્ર કિસ્સામાં પૂર્વ કચ્છ પોલીસે સી.સી.ટીવી કેમેરા અને મોબાઈલ સર્વેલન્સ દ્વારા તપાસ કરી હતી. પૂર્વ કચ્છ એલ.સી.બી., એસ.ઓ.જી, સહિત અમદાવાદ અને ગાંધીધામ રેલવે પોલીસે હાથ ધરેલી તપાસના અંતે દશ દિવસ બાદ અપહરણ કરાયેલા માસુમને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતેથી શોધીને ગરીબ પરિવારના માવતર સાથે મિલન કરાવાયું હતું. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે માનવીય સંવેદના અને સત્તત સક્રિયતા સાથે ચોરાયેલા મોબાઇલે આપેલી દિશાને આધારે તપાસમાં વેગ લાવી રાંકનાં રતનને પરત મેળવ્યું હતું.

પોલીસ તપાસ દરમ્યાન ચોરાયેલો મોબાઈલ ઓન થતાં તેના લોકેશનને આધારે મૂળ ઝારખંડના અને હાલે ગાંધીધામના ગણેશ નગરમાં રહેતા મોહમદ સદ્દામ મોહમદ સમસુર અંસારીનું પગેરું મળ્યું હતું. સદ્દામની પૂછપરછમાં બાળકને ઉઠાવી જનાર આરોપી સુબ્રમણ્યમ સ્વામીનું નામ ખૂલ્યું હતું. સુબ્રમણ્યમ સ્વામી બાળકને ભચાઉથી વિશાખાપટ્ટનમ ટ્રેનમાં લઈ ગયો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે એ દિશામાં આદરેલી તપાસ બાદ સુબ્રમણ્યમ અને અપહરણ કરાયેલા બાળકનો છેક વિશાખાપટ્ટનમ થી કબજો મેળવીને ગાંધીધામ લાવીને શ્રમજીવી પરિવારને તેમનું બાળક સોંપ્યું ત્યારે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા.

આ સમગ્ર મામલામાં પૂર્વ કચ્છમાં પોલીસ વડા રહી ચૂકેલા અને હાલ અમદાવાદ ખાતે પિ?મ રેલવેમાં એસ.પી. તરીકે ફરજ બજવતાં પરિક્ષિતા રાઠોડ સહીત પૂર્વ કચ્છ પોલીસની મહેનત રંગ લાવી અને એક ગરીબ પરિવારનો વ્હાલસોયો તેમને પરત મળ્યો. પોલીસની ફરજપરસ્તી અને માનવીય સંવેદનાને વંદન સહ અભિનંદન ....

(11:46 am IST)