Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

જસદણમાં વિવિધ સમાજના આગેવાનો દ્વારા જેતલસરની ઘટના બાબતે આવેદનપત્ર

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા. ૨૨ : રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામમાં જે દીકરી સાથે બનાવ બન્યો એવો બનાવ ગુજરાતમાં કોઈપણ સમાજની દીકરી સાથે ન બને અને આવું કૃત્ય કરનાર નરાધમને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે વિવિધ સમાજના આગેવાનો દ્વારા જસદણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, એક બાજુ ભારત સરકાર દ્વારા બેટી બચાવો, બેટી વધાવો અંતર્ગત અભિયાન ચલાવવામાં આવે છે.

ત્યારે રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામની દીકરી કુમારી સૃષ્ટિ કિશોરભાઈ રૈયાણી ઉપર અસામાજિક લુખ્ખા તત્વો દ્વારા છરીઓના ઉપરા ઉપરી ઘા ઝીંકી ક્રૂર હત્યા કરી ત્યારબાદ દીકરીના ભાઈ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાથી સમગ્ર સમાજમાં ચિંતા, ભય અને અસુરક્ષાનું વાતાવરણ ઉભું થયું છે. આ ઘટનાને લઈને આરોપીનો કોર્ટમાં ઝડપથી કેસ ચલાવીને કડકમાં કડક સજા થાય તેવી માંગણી છે. આ માત્ર એક સમાજની કે એક પરિવારની દીકરીની વાત નથી. પરંતુ દરેક પરિવારમાં એક દીકરી, માં કે બહેન હોય છે.

સમાજમાં રહેલા અમુક લુખ્ખાઓને પાઠ ભણાવવા માટે આ ગુનેગારને સજા થવી જ જોઈએ. સત્યમેવ જયતે ના આ પવિત્ર શબ્દને સાબિત કરવામાં આવે તેવી અંતમાં માંગ કરવામાં આવી હતી. આ આવેદનપત્ર આપતી વેળાએ જસદણ શહેર અને તાલુકાની બહેનો પણ બહોળી સંખ્યામાં હાજર રહી હતી અને આવું કૃત્ય કરનાર નરાધમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી બહેનો દ્વારા માંગ કરાઈ હતી.

(11:51 am IST)