Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

જામકંડોરણાના પીએસઆઇ તથા સ્ટાફની ફરજમાં રૂકાવટ અંગે બે સામે ગુન્હો નોંધાયો

રામપર ગામે રસ્તો સાફ કરવા પ્રશ્ને થયેલ ઝઘડામાં પોલીસ જતા ફરજમાં રૂકાવટ કરીઃ રસ્તા પ્રશ્ને થયેલ ડખ્ખામાં ૬ શખ્સો સામે પોલીસમાં ફરીયાદ

રાજકોટ તા. રર :.. જામકંડોરણાના રામપર ગામે ગ્રામ પંચાયતનો રસ્તો સાફ કરવા પ્રશ્ને ડખ્ખો થતા ઘટના સ્થળે દોડી ગયેલ જામકંડોરણાના પીએસઆઇ તથા સ્ટાફની ફરજમાં રૂકાવટ કરનાર બે શખ્સો સામે ગુન્હો નોંધાયો છે. તેમજ રસ્તા પ્રશ્ને થયેલ ડખ્ખામાં ૬ શખ્સો સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ય વિગતો મુજબ જામકંડોરણાના રામપર ગામે ગત સાંજે પંચાયતનો રસ્તો સાફ કરવા પ્રશ્ને ઝઘડો થતા આ અંગે પોલીસને જાણ કરતા જામકંડોરણાના પીએસઆઇ જે. યુ. ગોહીલ તથા સ્ટાફ રામપર ગામે દોડી જતા ભરત કોયાણી તથા મીરાબેન કોયાણી રે. બન્ને જામકંડોરણાએ પોલીસની ફરજમાં રૂકાવટ કરી ઝપાઝપી કરી એક પોલીસ કર્મચારીનું શર્ટનું બટન તોડી નાખ્યું હતું.  અને પીએસઆઇ જે. યુ. ગોહીલને નખ દ્વારા વિખોડીયા ભરી ઇજા કરી હતી તેમજ પોલીસ સ્ટાફને ગાળો ભાંડી હતી. આ અંગે પીએસઆઇ જે. યુ. ગોહીલએ પોલીસની ફરજમાં રૂકાવટ કરનાર ભરત કોયાણી તથા મીરાબેન કોયાણી સામે પોલીસમાં ફરીયાદ કરતા જામકંડોરણા પોલીસે બન્ને સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

જયારે રસ્તા પ્રશ્ને થયેલ ઝઘડામાં રામપર ગામના દયાબેન રમેશભાઇ કોટડીયાએ આરોપી રમેશ ભુરાભાઇ રૂપાપરા, મીરાબેન રમેશભાઇ રૂપાપરા, દેવાંગીબેન રમેશભાઇ રૂપાપરા, ઇતીશા રમેશભાઇ રૂપાપરા રે. તમામ રામપર ગામ, ભરત કોયાણી તથા મીરાબેન કોયાણી રે. જામકંડોરણા સામે જામકંડોરણા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી તથા સાહેદો રામપર ગ્રા. પં.નો રસ્તો (બજાર) સાંકડો હોય જે જીસીબી દ્વારા સાફ કરતા હોય તે દરમિયાન આરોપીઓએ આવી ઝઘડો કરી ગાળો આપી જાનથી મારી નાખવાની તેમજ મોટા ગુન્હામાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી.

આ ફરીયાદ અન્વયે જામકંડોરણા પોલીસે ઉકત ૬ શખ્સો સામે ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ હેડ કો. એસ. બી. બોરીચા ચલાવી રહ્યા છે.

(11:51 am IST)