Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

વાંકાનેરમાં સદસ્યો દ્વારા મતદારો સાથે દ્રોહ : અપક્ષ સદસ્યો રાજીનામા આપે

ભાજપના પૂર્વ મહામંત્રી રાજેન્દ્રસિંહ ઝાલાની માંગણી

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર,તા. ૨૨: વાંકાનેર ભાજપના પૂર્વ મહામંત્રી અને એડવોકેટ એન્ડ નોટરી રાજેન્દ્રસિંહ એમ.ઝાલાએ જણાવ્યું છે કે પાલીકાની ચૂંટણીમાં ભા.જ.પ. દ્વારા ૨૪ સીટ ઉપર ભા.જ.પ.ના ઉમેદવારોને પાર્ટીએ ઉભા રાખેલ હતા અને વાંકાનેર શહેરી મતદારોએ આ ૨૪ સીટ ઉપર ભા.જ.પ.ને મતો આપી વિજેતા બનાવેલ છે. પરંતુ પોતાનું ધાર્યુ ન થતા ૧૫ ઉમેદવારોએ બળવો કરી ભા.જ.પ. સામે ઉમેદવાર ઉભા રાખી પોતાના માનીતા ઉમેદવારને પ્રમુખ/ઉપપ્રમુખ બેસાડેલ છે. ત્યારે આ બળવા ખોર સદસ્યોને પાર્ટીએ સસ્પેન્ડ કરી નાખેલ છે.

જો આ બળવાખોર સદસ્યોમાં નૈતિક હિંમત હોય તો પોતે સભ્યપદેથી રાજીનામા આપવા જોઇતા હતા વાંકાનેરના મતદારોએ ભા.જ.પ. પાર્ટીને મત આપેલ હતા નહીં કે કોઇ વ્યકિતને આ બળવાખોર સદસ્યોએ વાંકાનેર શહેરના મતદારો સાથે દગો કરી સતા લાલસા માટે સ્વાર્થીગણુ સાબિત કર્યું છે.

જો તેઓને પોતાના માનીતા અને ચાવી વાળા પ્રમુખ/ ઉપપ્રમુખની જરૂર હતી તો પહેલેથી અપક્ષ ઉમેદવારી કરી બહુમતી મેળવી લેવી જોઇતી હતી. આ બળવાખોર સદસ્યોને પહેલેથી ખબર પડી ગઇ હતી કે ભા.જ.પ. પાર્ટી વગર ેતઓ જીતે શકે તેમ નથી. તેથી જ પાર્ટી સાથે દગાખોરી કરી શહેરના મતદારોના મતને વેડફી નાખવાનું મહાપાપ કરેલ છે. જો આ સદસ્યોની લોકચાહના હોત તો પોતે અપક્ષ તરીકે પણ ચૂંટાઇ શકત અને પોતાના મનગમતા હોદેદારોને સતત ઉપર બેસાડી શકત.

જો પોતે ભા.જ.પ. પાર્ટી વગર પણ ચુંટાઇ શકે તેમ છે. તેવા વહેમમાં હોય તો એક વખત સભ્ય પદેથી રાજીનામા આપી દયો અને પછી અપક્ષ ઉમેદવારી કરી જોવો પછી દુધનું દુધ અને પાણીનું પાણી થઇ જશે. પાલીકામાં ભા.જ.પ. અને અપક્ષનું જે નાટક થયું તેના મુખ્ય પાત્રોને વાંકાનેરની પ્રજા બરાબર ઓળખી ગયેલ છે અને આવા પાત્રો અને અપક્ષ થઇ ગયેલા સદસ્યોને રાજીનામા આપવા માટે શહેરીજનોએ દબાણ કરવું જોઇએ. તેમ અંતમાં રાજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું છે.

(11:52 am IST)