Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને કેબીનેટ મંત્રી દ્વારા જસદણ-વિંછીયામાં કોરોના રસીકરણ કેમ્પ યોજાયો

જસદણમાં રેકોર્ડબ્રેક ૧૪૦૦ અને વિંછીયામાં ૧૨૭૬ લોકોએ રસી મુકાવીઃ સ્થાનિક ભાજપની સંગઠનની ટીમ દ્વારા સફળ આયોજનથી લોકોમાં રસી મુકાવવા આગળ આવ્યા

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ૨૨ :. કોરોના વાયરસે ફરી માથુ ઉંચકતા અને સરકાર દ્વારા કોરોના વાયરસની રસી લેવા લોકોને અપીલ કરવામાં આવતી હોવા છતાં લોકો રસી લેવા ડરતા હોય જસદણના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા અને કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા જસદણ-વિંછીયા પંથકમાં કોરોના રસીકરમ કેમ્પ યોજતા લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.

જસદણ-વિંછીયા પંથકમાં કોરોના રસીકરણ ધીમી ગતિએ ચાલતુ હોય સૌ પ્રથમ ડો. ભરત બોઘરાએ મહેનત કરી પોતાની અને ભાજપની ટીમને કામે લગાડી જસદણની ચીતલીયા રોડ ઉપર આવેલ છાયાણી વાડીમાં કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કર્યુ હતું.

શનિવારે યોજાયેલા આ કેમ્પમાં જસદણ સ્થાનિક ભાજપના આગેવાનોએ ખૂબ જ મહેનત કરી લોકોને જેમા ચૂંટણી સમયે મતદારોને મત દેવા લઈ જાય તેમ રસીકરણ કેમ્પ સુધી લાવતા રસી મુકાવવા લોકોની લાઈનો લાગી ગઈ હતી.

ડો. ભરત બોઘરા દ્વારા આયોજીત આ રસીકરણ કેમ્પમાં ૧૪૦૦ લોકોએ રસી મુકાવી હતી.

આ સફળ કેમ્પ યોજવા બદલ ડો. ભરત બોઘરા અને સ્થાનિક ભાજપના આગેવાનો ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે. આગામી દિવસોમાં હજુ ગામડામાં પણ આવા કેમ્પ કરી ગામેગામ રસીકરણ કરવા લોકોને આગળ લાવવામાં આવશે તેવુ ડો. ભરત બોઘરાએ જણાવ્યુ હતુ. તેમણે અને તેમના પત્નિ નીતાબેને પણ કેમ્પમાં રસી લીધી હતી.

આ કેમ્પને સફળ બનાવવા બદલ ડો. ભરત બોઘરાએ કાર્યકરોને અભિનંદન આપ્યા હતા.

જસદણની જેમ વિંછીયામાં પણ ગઈકાલે કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ ત્યાં પણ લોકોએ વધુ પ્રમાણમાં રસીકરણ કર્યુ હતું.

કુંવરજીભાઈ બાવળીયા દ્વારા પણ આગામી દિવસોમાં વધુને વધુ લોકો કોરોના રસી મુકાવે તે માટે ગામડામાં જઈ લોકોને સમજાવશે તેમજ કેમ્પનું આયોજન કરશે તેવુ જણાવી લોકોને કોરોના રસી મુકવા અપીલ કરી છે.

જસદણ ખાતે યોજાયેલા કોરોના રસીકરણ કેમ્પમાં રાજકોટનાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, જીલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, જીલ્લા ભાજપના મહામંત્રી મનસુખભાઈ રામાણી, સ્થાનિક આગેવાનો, નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞાબેન, પૂર્વ પ્રમુખ જીજ્ઞેશ હીરપરા, પાલિકાના સદસ્ય મનિષભાઈ કાછડીયા, રાજુભાઈ કુંભાણી, સોનલ વસાણી, સંગઠનના હોદેદારો વલ્લભ રામાણી, ધીરૂભાઈ રામાણી, નરેશ દરેડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહી લોકોને રસીકરણ કરવા ઉત્સાહીત કર્યા હતા.

(11:53 am IST)