Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

જામજોધપુર ડેપોના માજી મેનેજરના પુત્ર એસટી ડ્રાઇવરનું કરતૂત

પાડોશમાં રહેતી મહિલાને અભદ્ર વાણી વિલાસ કરી નિર્લજ્જ હુમલો કર્યાની ફરીયાદથી ચકચાર

જામનગર,તા.૨૨ :  આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામજોધપુરમાં ઉમિયા નગર ૧માં ગાયત્રી મંદિરની સામે રહેતી ૩૫ વર્ષની એક અપરણિત યુવતીએ ચેનચાળા કરવા અંગે પાડોશમાં રહેતા જામજોધપુર એસટી ડેપોના ડ્રાઇવર સનિત જમનભાઈ ખાંટ સામે ફરિયાદ નોંધાવી છે. તેમ જ આ કાર્યમાં મદદગારી કરવા અંગે તેમ જ પોતાના ઉપર અને પોતાના ભાઈ અને માતા ઉપર લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે જામજોધપુર ના માજી ડેપો મેનેજર જમનભાઈ ખાંટ તેમજ તેના પત્ની જોસનાબેન ખાંટ અને બીજા પુત્ર જયદીપભાઇ ખાંટ સામે પણ ફરિયાદ નોંધાવી છે.

  જે ફરિયાદના અનુસંધાને જામજોેધપુર પોલીસે આઈપીસી કલમ ૩૫૪ એ (૧) ૫૦૯, ૩૨૩,૫૦૪,૫૦૬- ૨,૧૧૪, અને જી પી એકટ કલમ ૧૩૫-૧ મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

જામજોધપુરના ઉમિયા નગર વિસ્તારમાં ફરિયાદી અને આરોપી એસટી ડ્રાઇવર બાજુ બાજુમાં રહે છે, અને ફરિયાદી બહેન પોતાના ઘરનું ફળિયું સાફ કરતા હતા. જે દરમિયાન આરોપીએ બાજુમાં ઉભા રહી  બિભત્સ ઈશારા કર્યા હતા,  આ સમયે બબાલ થયા પછી આરોપી બસ ચાલકનો ભાઈ પણ આવી ગયો હતો અને તેણે પણ ફરિયાદી મહિલાને કહ્યું હતું કે મારા ભાઈ સાથે જા તને મજા આવશે તેમ કહીં તેણે પણ ઉશ્કેરી હતી. તે સમયે પાડોશીઓ એકત્ર થયા હતા,

 ફરિયાદી બહેનના ભાઈ માતા વગેરે પણ ઘરની બહાર આવી જતાં તમામ આરોપીઓએ લાકડી વડે હુમલો કરી દીધો હતો. જેથી ૧૦૮ ની ટીમ અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

 દરમિયાન ૧૦૮ની ટીમ ઉપરાંત ૧૮૧ મહિલા અભયમ ની ટીમ સ્થળ પર આવી ગઈ હતી. અને સૌપ્રથમ જામજોધપુરની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા પછી પોલીસ મથકે લઇ આવી ઉપરોકત ફરિયાદ નોંધવામાં આવી છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ ફરિયાદને લઈને જામજોધપુરમાં ભારે ચકચાર જાગી છે.

(11:59 am IST)