Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

વાંકાનેરના રાજકારણમાં 'પલીતો': આગ શાંત થશે કે વિકરાળ રૂપ લેશે?

નગરપાલીકાના સભ્યોએ બળવો કરતા અઢી દાયકા બાદ ભાજપે સત્તા ગુમાવવી પડીઃ ફરી ચૂંટણીના એંધાણ?

રાજકોટ, તા., ૨૨: વાંકાનેરનાં રાજકારણમાં 'પલીતો' દ્વારા લગાડેલી આગ શાંત થશે કે આવવનાર દિવસોમાં વિકરાળ સ્વરૂપ લેશે? તે અંગે ભારે ચર્ચા જાગી છે.

ભાજપના સરર્વે સર્વા અને રઘુવંશી અગ્રણી જીતુભાઇ સોમાણીએ પાર્ટી ગાઇડ લાઇનનો ઉલાળીયો કરી પાલીકાની ચુંટણીમાં ભાજપમાંથી ઉમેદવારી કરી તદ ઉપરાંત પાલીકાના ૧પ જેટલા ભાજપના ચુંટાયેલ સભ્યોએ જે બળવો કર્યો તેમાં ચોક્કસ નેતાના આશીર્વાદ હતા અને પરીણામે વાંકાનેર નગર પાલીકામાં અઢી દાયકા બાદ ભાજપએ સતા ગુમાવવી પડી તો આ કારણોસર આવનાર દિવસોમાં મોવડી મંડળ દ્વારા આકરો નિર્ણય લેવામાં આવે અને સસ્પેન્ડ કરવામાં આવે તેવું રાજકીય વિશ્લેષકો માની રહયા છે.

ભાજપના ચુંટાયેલ ર૪ સભ્યોમાંથી ૧પ જેટલા સભ્યોએ બળવો કરી પાલીકામાં સતા પર કબજો કર્યો અને ૧પ જેટલા સભ્યોને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે પક્ષમાંથી હાંકી કાઢયા અને હવે આગળ આ ૧પ સભ્યોનું સભ્ય પદ રદ થાય તો વાંકાનેર શહેરમાં ફરી ચુંટણી આવશે તે નિશ્ચિત બન્યું છે.

પડદા પાછળની રમત

વયોવૃધ્ધ રાજકારણી  લલીતભાઇ  અને જીતુભાઇ સોમાણી વચ્ચે કાયમ રાજકીય મતભેદો ચાલ્યા આવે છે પણ છેલ્લા બે દાયકાથી વાંકાનેરનાં સક્રિય રાજકારણી લલીતભાઇ સંપુર્ણ પણે અલીપ્ત છે અને છેલ્લા બે દાયકાથી વાંકાનેર ભાજપ પર જીતુભાઇ સોમાણીની મજબુત પક્કડ છે. પરંતુ આ વખતની સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં વયોવૃધ્ધ રાજકારણી પડદા પાછળથી રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા અને વાંકાનેર રાજવી પરીવારના યુવરાજ કેસરીસિંહના જુથને સંપુર્ણ દોરી સંચાર કરેલ અને વાંકાનેરના રાજકારણમાં ફરી પડદા પાછળ લલીતભાઇની રાજકીય રમત આ વખતની સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં સામે આવી રહી છે.

વધુ એક આશ્ચર્ય

તાજેતરમાં યોજાયેલ સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં વાંકાનેરના રાજકારણમાં ભુકંપ મચ્યો. તેમાં રાજકોટ જીલ્લા ભાજપના મહામંત્રી નાગદાનભાઇ ચાવડા અને રાજકોટ તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ ઘોઘુભા (ઘંટેરીશ્વર) જાડેજાએ પણ ભુમીકા ભજવી અને સાંસદ મોહનભાઇ કુંડારીયા અને યુવરાજ કેસરીસિંહના જુથને સંપુર્ણ રાજકીય સહયોગ આપેલ અને વાંકાનેરના રાજકારણમાં બન્ને ભાજપ અગ્રણીઓએ પ્રવેશ કર્યો.

પુર્વ મહામંત્રીની ચર્ચાસ્પદ ભુમીકા

વાંકાનેરના વતની અને મોરબી જીલ્લા ભાજપના પુર્વ મહામંત્રી હીરેન પારેખે ગજબનો ખેલ પ ાડી સાંસદ મોહન કુંડારીયા અને વાંકાનેર ભાજપના તેજતરાર નેતા જીતુભાઇ સોમાણી વચ્ચે યુકિતપુર્વક ખેલ નાખી બન્ને વચ્ચે રાજકીય મતભેદો ઉભા કરી ભાજપમાં વિખવાદના બીજ કાયમ માટે ઉભા કરી દીધા. પુર્વ મહામંત્રી હીરેન પારેખ કાયમ એક યા બીજી રીતે કાયમ રાજકીય વિવાદોમાં કેન્દ્ર સ્થાને હોય છે. ઉલ્લેખનીય છે કે હીરેન પારેખને ભાજપના સક્રીય રાજકારણમાં જીતુભાઇ સોમાણીએ જ પ્રવેશ કરાવ્યો હતો. પરંતુ ગત લોકસભા (ર૦૧૯)માં જીતુભાઇ સોમાણીએ વાંકાનેર ખાતે મોહન કુંડારીયા વિરૂધ્ધ સંમેલન યોજયું હતું. ત્યારે એ સંમેલનના જાહેર મંચ પરથી જીતુભાઇ સોમાણીએ હીરેન પારેખને 'કુરકુરીયા' શબ્દથી નવાજયો અને હીરેન પારેખ સામે જાહેર મંચથી ગંભીર આક્ષેપો કરેલ.

આમ, જીતુભાઇ સોમાણી અને હીરેન પારેખ વચ્ચે પણ ગજગ્રાહ શરૂ થયો હતો. એ પણ નોંધનીય છે કે આ વખતની સ્થાનીક સ્વરાજય ચૂંટણીમાં હીરેન પારેખએ વાંકાનેર નગર પાલીકામાં ટિકીટની માંગણી કરેલ પણ જીતુભાઇ સોમાણીએ આ માંગણી ફગાવી દીધેલ અને હીરેન પારેખે નાટકીય રીતે જીતુભાઇ સોમાણી સાથે બીનશરતી સમાધાન કરેલ અને અંદરની ચર્ચાઓ તો એવી સંભળાય છે કે જીતુભાઇ સોમાણીને ડમી ઉમેદવાર કરાવવાની યુકિત પણ હીરેન પારેખની રાજકીય યોજનાનો ભાગ હતો. ને આ કારણે જ વાંકાનેર ભાજપમાં રાજકીય ભડકો થયો.

પાલીકાની ચૂંટણીમં જીતુભાઇ સોમાણીના ભત્રીજા રાજ સોમાણીને ટિકીટની લોટરી લાગી અને વાંકાનેર ભાજપના ગઢ સમાન વોર્ડ નં. પમાં સંપૂર્ણ પેનલ સાથે વિજય થયો પરંતુ રાજ સોમાણી પણ ૧પ બળવાખોર સભ્યોના જુથમાં સામેલ થઇ પોતે પણ બળવો કરેલ છે ત્યારે રાજકીય વિશ્લેષકોમાં એ ચર્ચા છે કે રાજ સોમાણીની રાજકીય કારકિર્દી શરૂ થાય એ પહેલા જ ભાજપમાંથી પૂર્ણ થઇ ગઇ...?

પ્રાથમિક સુવિધાનો અભાવ પાલીકામાં અઢી દાયકાથી જીતુભાઇ સોમાણીના નેતૃત્વમાં ભાજપ સતા સ્થાને છે ત્યારે આજ પણ અમુક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે. પરંતુ વાંકાનેર શહેરના મતદારો પર મજબુત પકડ સાથે જીતુભાઇ સોમાણી પર અપાર વિશ્વાસ છે. તેમાં કોઇ બે મત નથી.

જીલ્લા ભાજપ ગોરધન સરવૈયાની હાર

તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં વાંકાનેર પંથકની મહિકા જીલ્લા પંચાયતની સીટ પર મોરબી જીલ્લા ભાજપના ઉપપ્રમુખ ગોરધન સરવૈયાની ૧૪૦૦ મતોથી હાર થયાનું કારણ પણ ભાજપની આંતરીક લડાઇ છે. ઉલ્લેખનીય છે કે ગત ર૦૧૭ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગોરધન સરવૈયાને ભાજપએ ટિકિટ ના આપતા અપક્ષ ઉમેદવારી કરેલ અને વિધાનસભાની ચૂંટણીમાં રપ૦૦૦ જેટલા મતો મળતા ભાજપના જીતુભાઇ સોમાણીનો માત્ર ૧૪૦૦ મતે પરાજય થયો હતો. અને પછીથી ર૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં મોહનભાઇ કુંડારીયાએ ગોરધન સરવૈયાને  ફરી ભાજપમાં પ્રવેશ અપાવ્યો અને હાલ ગોરધન સરવૈયા મોરબી જીલ્લા ભાજપના ઉપપ્રમુખ પદે છે ત્યારે આની સામે પણ જીતુભાઇ સોમાણીએ વિરોધ કરેલ અને ગોરધન સરવૈયાને પાર્ટીમાં પ્રવેશ ના આપવા જણાવેલ.

આઝાદી બાદ પ્રથમ વખત તાલુકા પંચાયતમાં ભાજપ સતારૂઢ ભાજપના રાજકારણમાં આંતરીક વિખવાદ અને જુથવાદ ચરમસીમા પર છે ત્યારે તાલુકા પંચાયતમાં આઝાદી બાદ મળેલ પ્રથમ વખત સત્તા ભાજપ જાળવી રાખશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે.

ભાજપ મોવડી મંડળ

ભાજપનું મવડી મંડળ જીતુભાઇથી ખુબ જ નારાજ છે. તેવું ચર્ચાય રહ્યું છે ત્યારે વાંકાનેરમાં જે પલીતો દ્વારા લગાવેલ આગ મોવડી મંડળ ઠારશે નહીં તો આવનાર દિવસોમાં વાંકાનેરના ભાજપના રાજકારણમાં નવા કડાકા ભડાકા થશે. જેના પરીણામે -ર૦રરમાં આવનાર ધારાસભાની ચૂંટણીમાં ફરીવાર ભાજપને હારનો સ્વાદ ચાખવાનો રહેશે. પ્રદેશ પ્રમુખ તાત્કાલીક સમગ્ર મામલો હાથમાં લઇ મામલો થાળે પાડે અને મીશન-૧૮ર અંતર્ગત વાંકોનર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાય તેવી લાગણી ચુસ્ત ભાજપીઓ સાથે વાંકાનેરના નાગરિકો દર્શાવી રહ્યા છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે વાંકાનેરમાં સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં મતદાતાઓએ ભાજપને ખોબલે ખોબલે મતો આપી સોળે કળાએ કમળ ખીલવી ભાજપને ઐતિહાસિક જીત આપેલ ત્યારે લોકોએ આપેલ મતનું ઋણ ચુકવી પ્રદેશ પ્રમુખ સહિત ભાજપના મોવડી મંડળ વાંકાનેર ભાજપનો આંતરીક વિખવાદ ડામી સમગ્ર મામલો થાળે પાડી દે અને વાંકાનેર ભાજપના ચૂંટાયેલ સભ્યો ભાજપના આગેવાનો તથા સર્વે કાર્યકર્તાઓ વાંકાનેરની વિકાસ યાત્રાને હવે આગળ વધારે તેવી સર્વત્ર લાગણી છવાયેલી છે.

(12:54 pm IST)