Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

પોરબંદર નગરપાલીકાના નવા ફતવાથી રેંકડી ધારક નાના ધંધાર્થીઓ હેરાન

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા,.૨૨: નગરપાલીકાના નવા વરાયેલા પ્રમુખે બહાર પાડેલ ફતવાથી રેંકડી અને લારી ચલાવી પેટીયુ રળતા નાના ખાણીપીણી સહીતના ધંધાર્થીઓ હેરાન થઇ રહયા છે.

નગર પાલીકાના પ્રમુખે બહાર પાડેલા નવા ફતવામાં રૂપાલી બાગ રાજપથ રોડ એમ.જી.રોડ કમલાબાગ સર્કલ ચોક પાસે ઉપર રેકડી-લારીઓ ઉભી રાખતા નાના ધંધાર્થીઓને ખસેડીને વૈકલ્પીક જગ્યા ચોપાટી પાસે ફાળવી છે ત્યારે નાના ધંધાર્થીઓએ કચવાટ સાથે જણાવેલ કે કમલાબાગ સર્કલ વિસ્તારમાં અનેક હોસ્પીટલો છે ત્યારે દર્દીઓ સાથે આવતા તેમના સગા સંબંધીઓને નાસ્તા માટે દુર સુધી જવુ પડે છે. રેંકડી ધારકોને જે વૈકલ્પીક જગ્યા આપી છે ત્યાં ધંધો મળી શકે તેમ ન હોય ચિંતા વ્યાપી ગઇ છે.

ચોપાટી મેદાન પાસે લાંબા સમયથી રમકડા સહીત બાળકો માટેની વસ્તુ વેચનારાઓને ત્યાંથી ખસેડીને પેરેડાઇઝ સિનેમા વિસ્તારમાં વૈકલ્પીક જગ્યામાં જવા પાલીકાએ ફતવો જારી કરેલ છે. ત્યારે ચોપાટીના ધંધાર્થીઓના જણાવ્યા મુજબ ચોપાટી વિસ્તારમાં લોકો ફરવા આવતા હોય બાળકોના રમકડા વેચાઇ જાય છે. પેરેડાઇઝ વિસ્તારમાં આવી વસ્તુની ઘરાકી અંગે પ્રશ્ન છે. નગર પાલીકા નાના રેકડીવાળા ધંધાર્થીઓની વ્યથા જાણીને હેરાનગતી દુર કરે તેવી માંગણી ઉઠી છે.

(12:55 pm IST)