Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

કેશોદ રોટરી કલબ દ્વારા સાયકલ રેલી

(કિશોરભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા. રર : રોટરી કલબ ઓફ કેશોદ દ્વારા ''ચાલો કોરોનાની રસી લઇએ'' અને ''આપણું શહેર સ્વચ્છ શહેર'' ના સંદેશાને શહેરીજનો સુધી પહોંચાડવાના ઉમદા હેતુ સાથે રોટરી કલબના પ્રમુખ જીતેન્દ્ર પટેલ અને તેમની ટીમ દ્વારા સાયકલોથોન-ર૧સ્પર્ધા રેલીનું આયોજન કરેલ હતું.

તાલુકા પંચાયતના ગ્રાઉન્ડમાં યોજાયેલ ત્રીજી રોટરી સાયકલોથોન સ્પર્ધામાં ૧પ વર્ષથી ઉપરના યુવાન ભાઇઓ બહેનો અને મોટી ઉંમરના વડીલોએ પણ ભાગ લીધો હતો. ૧પ૦ જેટલા સ્પર્ધકોને લીલીઝંડી આપવામાં આવી હતી. તમામ લોકોએ માસ્ક પહેરી સોશ્યલ ડિસ્ટન્સ જાળવી સ્વચ્છતાના શપથ લઇ આઝાદ કલબ વેરાવળ હાઇવે ડી.પી.રોડ, ઉમીયાનગર, લક્ષ્મીનગર, અમૃતનગર, આંબાવાડી , માંગરોળ રોડ, શરદ ચોક, ચારચોક, જુનાગઢ રોડ, એરોડ્રામ રોડ, ફુવારા ચોક, ચારચોક સહિત કેશોદ વિસ્તારોના રાજમાર્ગ પર થી પરત આઝાદ કલબ ખાતે તાલુકા પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં લગભગ ૧૦ કિલોમીટરનો રેલીનો રૂટ પુર્ણ કરી પરત ફર્યા હતા જયાં સાયકલનો તંદુરસ્તીમાં અને પર્યાવરણ જાળવણીમાં ફાળો વિષયે ચિંતન બાદ શહેરના સાયકલ ચાહકોની નિયમિત સાયકલના કાર્યક્રમો સંપર્ક કાયમી જળવાય તેવી શુભકામના સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. આ કાર્યક્રમમાં રોટરી કલબના હોદ્દેદારો આમંત્રીત મહેમાનો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(1:00 pm IST)