Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

ઉબેણ અને ભાદર નદીમાં ઠલવાતા પ્રદૂષિત પાણી પ્રશ્‍ને ફરી ઉગ્ર ચર્ચા

જૂનાગઢ,તા.૨૨:  કલેકટરશ્રીના અધ્‍યક્ષ સ્‍થાને જિલ્લા ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. જેમાં

છેલ્લી ૪ મિટિંગ થી પેન્‍ડિંગ પ્રશ્ન ઉબેન અને ભાદર નદીમાં ઠાલવાતા કેમિકલયુક્‍ત પાણીને રોકવા જૂનાગઢ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા શુ પગલાં લેવામાં આવ્‍યા એની ચર્ચા કરવામાં આવી.

ધારાસભ્‍ય શ્રી ભીખાભાઇ જોષી એ રજુઆત કરી કે જે ઘાટો વિસાવદર પ્રાંત અધિકારી દ્વારા તોડી નાખવામાં આવેલ. એ ઘાટ વાળી જગ્‍યાની ૧૫ દિવસ પહેલા સ્‍થળ વિઝીટ કરતા ફરી વખત એ જ જગ્‍યા પર નવા ઘાટો બનવા લાગ્‍યા છે. તો સતાની રૂએ રિઝીઓનલ ઓફિસર પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આજદિન સુધી એ ઈસમો પર શા માટે પોલીસ ફરિયાદ નથી કરવામાં આવી?

રિઝીઓનલ ઓફિસર દ્વારા જવાબ આપવામાં આવેલ કે પોલીસ ફરિયાદ કરવા માટે ગાંધીનગર ની વડી કચેરી પાસે પૂર્વ મંજૂરી માંગેલ છે! બાદમાં કલેક્‍ટર શ્રી જૂનાગઢ દ્વારા રિઝીઓનલ ઓફિસરને જણાવેલ કે પોલીસ ફરિયાદ કરવાની તમામ સતા છે. આમાં પૂર્વ મંજૂરીની જરૂર જ ક્‍યાં છે. જો ૨ દિવસમાં પ્રદુષણ ફેલાવતાં ઈસમો પર કાયકીય કાર્યવાહી નહિ કરો તો તમારા પર કાયદાકીય એક્‍શન લેવાની ફરજ પડશે. ૨ દિવસની અંદર રિઝીઓનલ મેનેજરએ પ્રાંત અધિકારી વિસાવદરને સાથે રાખી તોડી પાડેલા ઘાટની જગ્‍યા એ ફરી પાછા ઘાટ બાંધેલા જોવા મળે તો એમના પર પોલીસ ફરિયાદ કરવા કલેક્‍ટર શ્રી એ તાકીદ કરી. અને આ કામગીરી કરવામાં જો રિઝીઓનલ ઓફિસર બેદરકારી રાખશે તો એમના પર પણ શિક્ષાત્‍મક કાર્યવાહી કરવામાં આવશે એવી તાકીદ કરેલ.

ભીખાભાઇ જોષીએ જણાવેલ કે મિલીભગત હોય તો જ કારખાનેદાર દ્વારા બે રોકટોક પ્રદુષણ ફેલાવવામાં આવે. જે વિસાવદરના પ્રાંત અધિકારી શ્રી દ્વારા આ ઘાટો તોડી પાડવામાં આવ્‍યા હતા એ ઈમાનદાર અધિકારીની બદલી કરી નાખવામાં આવેલ.

(1:02 pm IST)