Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

જૂનાગઢ જીપીએસસીની પરીક્ષામાં ૩૬ ટકા ઉમેદવારો હાજર, ૬૪ ટકા ગેરહાજર

બે સેશનમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્નઃ આર.એસ. ઉપાધ્યાય અને ટીમે સતત ૧૨ કલાક ફરજ બજાવી કાબીલેદાદ કામગીરી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૨૨ :. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગમાં ખૂબ સારી ગુડવીલ ધરાવતા જૂનાગઢના પ્રમાણિક અને નિષ્ઠાવાન જીલ્લા શિક્ષણાધિકારી શ્રી આર.એસ. ઉપાધ્યાયએ વધુ એકવાર પોતાની ફરજનિષ્ઠાના દર્શન કરાવ્યા છે.

ગઈકાલે જૂનાગઢમાં યોજાયેલ જી.પી.એસ.સી.ની પરીક્ષામાં જેના શિરે જવાબદારી વિશેષ રહેલ છે તેવા જીલ્લા શિક્ષણાધિકારી શ્રી આર.એસ. ઉપાધ્યાય સવારે ૮ વાગ્યાથી રાત્રે ૮.૩૦ કલાક સુધી તેમની કચેરી અને સ્ટાફના સર્વશ્રી એજ્યુકેશન ઈન્સ્પેકટર શ્રી રણવિરસિંહ પરમાર, એલ.વી. કરમટા તથા આસિ. ઈ.આઈ. શ્રી ભુત સહિતની ટીમ સતત સાડા બાર કલાક ફરજ બજાવી વ્યવસ્થા જાળવી હતી.

જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યુ હતુ કે જિલ્લા કલેકટરશ્રી ડો. સૌરભ પારઘી અને નાયબ કલેકટર શ્રી રેખાબા સરવૈયાના માર્ગદર્શન હેઠળ ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને ૨ તેમજ ગુજરાત નગરપાલિકા અધિકારી વર્ગ-૨ની પ્રાથમિક કસોટી ગઈકાલે રવિવારના રોજ યોજાયેલ. જેમાં જિલ્લાના ૪૩ કેન્દ્રો પર ૪૩૯ બ્લોકમાં પરીક્ષા લેવાય હતી. આ પરિક્ષામાં સવારના ૧૦ થી ૧ ના સેશનમાં ૩૮૦૭ ઉમેદવારો હાજર રહ્યા હતા અને ૬૭૮૨ ઉમેદવારો ગેરહાજર રહેલ અને બપોરે ૩ થી ૬ના બીજા સેશનમાં ૩૭૦૨ ઉમેદવારો હાજર અને ૬૮૧૫ ગેરહાજર રહેલ. આમ હાજર ઉમેદવારોની ટકાવારી ૩૬ અને ગેરહાજરની ટકાવારી ૬૪ ટકા રહેવા પામી હતી અને સવારે ૮ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યે પેપર સીલીંગ કાર્યવાહી બાદ પેપર લઈ ટીમ રવાના થઈ ત્યાં સુધી શ્રી આર.એસ. ઉપાધ્યાય અને ટીમ ખડેપગે રહી કામગીરી બજાવી ફરજનિષ્ઠાના દર્શન કરાવ્યા હતા.

(1:04 pm IST)