Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

દ્વારકામાં ફુલડોલ ઉત્સવની મંદિરમાં ઉજવણી નહીં, છતા પગપાળા યાત્રિકોનો પ્રવાહ અવિરત

યાત્રીઓ માટે આરામ કરવાની, ભોજનની, આરોગ્યની તમામ સુવિધાઓ

દ્વારકામાં ઉજવાતા ફૂલડોલ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ મહોત્સવમાં સામેલ થવા માટે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા પહોંચી રહ્યા છે. બીજી તરફ દ્વારકા તરફ જતાં રસ્તા પર પદયાત્રીઓની સેવા માટે મોટી સંખ્યામાં સેવાભાવીઓ પણ આવી પહોંચ્યા છે. દ્વારકા તરફ જતા રસ્તા પર કોરોનાકાળ ચાલી રહ્યો છે. છતાં પણ ભાવિકો , ભોજન અને ભજનનો કેવો જામ્યો છે.

કહેવાય છે કે જ્યાં શ્રદ્ધા છે ત્યાં પુરાવાની શું જરૂર, તેવો જ માહોલ હાલ દ્વારકા તરફ જતા હાઇવે પર જોવા મળી રહ્યો છે. યાત્રાધામ દ્વારકામાં કાળીયા ઠાકોરના દર્શને પગે ચાલીને જતાં આ ભક્તો ગુજરાતના ખૂણેખૂણેથી દ્વારકા આવે છે. આ દ્રશ્યો છે દ્રારકા તરફ આવતા હાઈવે પરના જયાં હાલ અબાલવૃદ્ધ જયશ્રીકૃષ્ણ જય રણછોડના નાદ સાથે દ્વારકા તરફ આગળ વધી રહ્યા છે.

સામાન્ય રીતે હોળી પર્વના બીજા દિવસે ધુળેટી એટલે કે ફુલડોલના પર્વ પર દ્વારકામાં યોજાતા ફૂલડોલ મહોત્સવમાં હજ્જારોની સંખ્યામાં ભક્તો ભાગ લે છે. પરંતુ, તંત્ર દ્વારા કોરોના કાળ ચાલતો હોય ત્યારે દ્વારકાનું જગત મંદિર ભક્તો માટે આગામી 27 , 28 અને 29 માર્ચ એમ કુલ ત્રણ દિવસ બંધ રહેશે. છતાં પણ પગપાળા ચાલીને આવતા યાત્રિકોની શ્રદ્ધામાં કશોય ફરક જોવા નથી મળતો. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ફૂલડોલ ઉત્સવમાં મોટાભાગના શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને જ દ્વારકા આવી રહ્યા છે. અને પગપાળા દ્વારકા જવાનો આનંદ પણ ઉઠાવે છે.

હજ્જારોની સંખ્યામાં પદયાત્રીઓ રસ્તા પર ચાલીને જાય છે. ત્યારે તેઓની સેવા માટે પણ મોટી સંખ્યામાં સેવાભાવીઓ રસ્તા પર આવી પહોંચે છે. હાલ દ્વારકાના રસ્તા પર ઠેર ઠેર સેવા કેમ્પો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં પદયાત્રીઓ માટે આરામ કરવાની, ભોજનની, આરોગ્યની અને મનોરંજનની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

મહત્વનું છે કે કોરોનાકાળ દરમિયાન છેલ્લા એક વર્ષમાં મોટાભાગના તહેવારો અને ધાર્મિક મહોત્સવ બંધ રહ્યા છે. ખાસકરીને જ્યાં વધુ ભીડ થઈ હોય કે થતી હોય તેવા ધાર્મિક સ્થાનો પર લોકોને અવરજવર પર કે પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેવો જ હાલ માહોલ દ્વારકા ધામમાં જોવા મળી રહ્યો છે. આગામી હોળી ફુલડોલ ઉત્સવ પર ભક્તો માટે ભગવાનના દ્વાર બંધ રહેશે અને ફક્ત પૂજારી પરિવાર દ્વારા જ પૂજાવિધિ કરીને હોળી અને ફુલડોલ ઉત્સવની ઉજવણી થશે. ઇતિહાસમાં પ્રથમ વખત બનશે કે ભક્તો વિના જ ભગવાન ફુલડોલ રમાશે.

(1:15 pm IST)