Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

હોળી-ધુળેટી પૂર્વે કાલે પદયાત્રીકો દ્વારકાધીશના દર્શન કરશે

આ વખતે કોરોના મહામારીના કારણે ફુલડોલ ઉત્સવમાં ભાવીકોને આવવા ઉપર પ્રતિબંધ હોવાથી અગાઉ દર્શન કરીને પરંપરા જાળવશે

દ્વારકાઃ તસ્વીરમાં પદયાત્રીકો નજરે પડે છે. (તસ્વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા., ૨૨: દર વર્ષે હોળી-ધુળેટી પર્વમાં પરંપરા મુજબ પદયાત્રીકો મોટી સંખ્યામાં દ્વારકાધીશ ભગવાનના દર્શને જતા હોય છે. પરંતુ આ વખતે કોરોનાના કારણે પદયાત્રીકો હોળી-ધુળેટી પહેલા દ્વારકા પહોંચીને દર્શન-પૂજન કરીને પરંપરા સાચવશે.

ગુજરાતના બરોડા, મહેસાણા, અમદાવાદ, પાલનપુર વિગેરે જગ્યાએથી વર્ષોની પરંપરાને જાળવી રાખવા મંદિર કોરોનાના કારણે બંધ હોવાથી હજારો પદયાત્રીઓ છેલ્લા પંદર દિવસથી કાળીયા ઠાકરના દર્શનાર્થે પગપાળા નિકળી પડયા છે. મોટા ભાગના યાત્રીકો હવે દ્વારકાથી ૧૦ થી ર૦ કી.મી. દુર જ રહયા હોય. જેથી છેલ્લા ચાર દિવસમાં મોટી સંખ્યામાં યાત્રીકો દ્વારકાધીશ દર્શન કરી લેશે.

વ્યવસ્થા તંત્ર માટે જીલ્લા પોલીસ વડા જોષીના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સમીર શારડા તથા પીઆઇ પી.બી.ગઢવી તથા પીએસઆઇ ગજેન્દ્રસિંહ  ઝાલા વિગેરેએ બંદોબસ્ત ગોઠવેલ છે.

પરંપરા મુજબ ગુજરાત (ભરવાડ) રબારી સમાજના યાત્રીકો ખાસ કરીને દાયકાઓથી પદયાત્રા હોળીના તહેવારોમાં દર્શનાર્થે આવે છે તેમાં પણ મોટા ભાગના લોકો પ્રથમ ગોમતી સ્નાન કરીને જ દ્વારકાધીશજીના દર્શન કરે છે અને બ્રાહ્મણોને દાન-દક્ષીણા આપતા હોય છે.

દેવસ્થાન સમીતીના અધ્યક્ષ નરેન્દ્રકુમાર મીનાએ પણ કોરોનાના સંક્રમણને જાળવીને મંદિરની વ્યવસ્થા ઉપર ખાસ ભાર મુકયો છે. ગઇકાલે જીલ્લા કલેકટર મીના તથા દેવસ્થાન સમીતીના વહીવટદાર કેશવાલા અને નાયબ વહીવટદાર ખાખરીયા તથા હરીશ પટેલે મંદીરની મુલાકાત પણ લીધી હતી.  અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે કોરોના મહામારીના કારણે  ફુલડોલ ઉત્સવમાં ભાવીકોને આવવા ઉપર પ્રતિબંધ હોવાથી પદયાત્રીકો દ્વારકાધીશ ભગવાનના હોળી-ધુળેટી પર્વ પહેલા દર્શનનો લાભ લઇને પરંપરા જાળવશે.

(1:42 pm IST)