Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

જિનેટિક બીમારીથી પીડાતા ત્રણ માસના ધૈર્યરાજસિંહ માટે જામનગરના ઉદ્યોગપતિઓની સંવેદના ::જય દ્વારકાધીશ મેટલ તથા હાઈટેક એક્સ્ટ્રુઝન દ્વારા રૂ. ૩.૬૨ લાખની સહાય અર્પણ કરાઈ : શ્રી કૃષ્ણમણીજી મહારાજ તથા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.૨૨ , ગંભીર પ્રકારની જિનેટિક બીમારીથી પીડાતા મહીસાગર જિલ્લાના ત્રણ વર્ષીય બાળક ધૈર્યરાજસિંહના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા સમગ્ર દેશ આજે પોતાનો યથાયોગ્ય સહયોગ આપવા આગળ આવ્યો છે. સોશિયલ મીડિયા, જાહેર માર્ગો તેમજ ડોર ટૂ ડોર કેમ્પઈન હાથ ધરી ગુજરાતના યુવાઓ ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.ત્યારે જામનગરના ઉદ્યોગપતિઓએ પણ આ બાળક માટે મદદનો હાથ લંબાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

શહેરના જી.આઈ.ડી.સી.દરેડ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પ્રણામી સંપ્રદાયના સ્વામી શ્રી કૃષ્ણમણીજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં જય દ્વારકાધીશ મેટલના માલિક શ્રી રાજુભાઈ ગાગીયા દ્વારા ધેર્યરાજસિંહની મદદ માટે રૂ.૨.૫૧ લાખ તથા હાઈટેક એક્સ્ટ્રુઝનના માલિક શ્રી વસંતભાઈ કટારીયા દ્વારા રૂ.૧.૧૧ લાખની આર્થિક મદદ જાહેર કરી જામનગર રાજપૂત યુવા સંઘને પોતાનો સહયોગ આપ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલ રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિને તકલીફ કે આફતના સમયે ગુજરાત હંમેશા મોખરે રહ્યું છે ત્યારે ગુજરાતના આ બાળકને સારવાર મળી રહે તે માટે જામનગર તથા સમગ્ર રાજ્યના નાગરિકોને પોતાનો યથાયોગ્ય સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

પ્રણામી સંપ્રદાયના શ્રી કૃષ્ણમણીજી મહારાજે પણ લોકોને મદદરૂપ થવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે, દાન એ સેવા છે અને આ સેવામાં દરેક નાગરિકે આગળ આવવું જોઈએ. જામનગરના ઉદ્યોગપતિઓની આ પહેલ તેમની સેવાવૃત્તિ તેમજ ઉત્તમ માનવીય અભિગમ દર્શાવે છે.

(2:54 pm IST)