Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

મારી બહેન સૃષ્‍ટિને મારવા માટે જયેશ સરવૈયા ઘરની દિવાલ કૂદીને અંદર આવ્‍યો હતોઃ મારી બહેને મને ધક્કો મારીને બચાવ્‍યો હતોઃ જેતલસરની ઘટનામાં મૃતક યુવતિના ભાઇ હર્ષ રૈયાણીનું નિવેદન

રાજકોટ: રાજકોટ જિલ્લાના જેતપુરના જેતલસર ગામમાં 16 વર્ષની સગીરા શ્રુષ્ટિ રૈયાણીની હત્યા કરવામાં આવી હતી. ત્યારે આ મામલે એક તરફ મૃતક શ્રુષ્ટિના ઇજાગ્રસ્ત ભાઈ હર્ષનું નિવેદન સામે આવ્યું છે. તો બીજી તરફ શ્રુષ્ટિ રૈયાણી હત્યાકાંડ મામલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ જેતલસર પહોંચ્યા હતા. તેમણે રૈયાણી સમાજની વાડીમાં પરિવારજનો અને ગ્રામજનોને શાંતવના પાઠવી હતી.

શ્રુષ્ટિ રૈયાણી હત્યાકાંડ મામલે મૃતક શ્રુષ્ટિના ઇજાગ્રસ્ત ભાઈ હર્ષનું નિવેદન સામે આવ્યું છે. જેમાં હર્ષ રૈયાણીએ જણાવ્યું હતું કે, આરોપી ઘરની દીવાલ કૂદી અંદર આવી મને માર મારી રહ્યો હતો ત્યારે મારી બહેને મને ધક્કો મારી બચાવ્યો હતો. તેના હાથમાં છરી હતી અને તેણે મારી બહેનને છરીના ઘા ઝીંક્યા હતા. આરોપીને ફાંસીની સજા થશે ત્યારે જ મારી બહેનને ન્યાય મળશે.

જો કે, જેતલસર શ્રુષ્ટિ રૈયાણી હત્યાકાંડ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ આજે જેતલસર પહોંચ્યા હતા. જ્યાં તેમણે રૈયાણી સમાજની વાડીમાં પરિવારજનો અને ગ્રામજનોને શાંતવના પાઠવી હતી. ત્યારે સી. આર. પાટીલ સાથે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, ભરત બોધરા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

ઉલ્લેખનીય છે કે, જેતલસરની શ્રુષ્ટિ રૈયાણી હત્યાકાંડના પડઘા ઉપલેટામાં પડ્યા છે. ઉપલેટા તાલુકા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું. સમસ્ત પાટીદાર સમાજ- ઉપલેટા, પાટીદાર યુવા સંઘ- મોટી પાનેલી અને પાટીદાર અનામત આંદોલન સમિતિ- ઉપલેટા તમામે સાથે મળી મામલતદારને આવેદન આપ્યું હતું. શ્રુષ્ટિ રૈયાણીની હત્યાના આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે અને વહેલી તકે કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી હતી. સોથી સવાસો જેટલા ઉપલેટા તાલુકાના લેઉવા અને કડવા પાટીદારો, ખેડૂતો આવેદન આપવા માટે ઉમટી પડ્યા હતા. શ્રુષ્ટિ રૈયાણીને ન્યાય અપાવવા માટે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

(6:06 pm IST)