Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

કંડલામાંથી ૨૫૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયાની તપાસ અને ચર્ચા વચ્ચે એજન્સીઓનું મૌન: સફેદ પાઉડર અફઘાનિસ્તાન રૂટથી આવ્યો છે

કંડલામાં આવેલ એ.વી. જોશી ખાનગી સીએફએસમાં તપાસ, ૬ મહિનાથી ૧૮ કન્ટેનર લેવા કોઈ ન આવતાં એજન્સીઓને જાણ કરાઈ : એક્યુરેટ કાર્ગો કલિયરિંગ પ્રા.લિ. કસ્ટમ એજન્ટ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૨ :  દેશમાં કેફિદ્રવ્યો ઘુસાડવાના ડ્રગ્સ માફિયાઓના ગોરખધંધાઓ વચ્ચે ફરી એકવાર કચ્છમાંથી હેરોઈન નો કરોડો રૂપિયાનો જથ્થો ઝડપાયાના સમાચારોએ ભારે સનસનાટી સર્જી છે. ગઈકાલે બપોર બાદ કંડલા પોર્ટ ઉપરથી ૨૫૦૦ કરોડનું હેરોઈન ઝડપાયું હોવાની ચર્ચાએ તહેલકો સર્જી મુન્દ્રા પોર્ટ ઉપરથી ઝડપાયેલ કરોડોના હેરોઈનના જથ્થા ના સમાચારોને તાજા કર્યા હતા. જોકે, ગઇકાલે ઝડપાયેલ હેરોઈન અંગે ડીઆરઆઈ કે એટીએસ બન્ને એજન્સીઓ દ્વારા સત્તાવાર કોઈ માહિતી અપાઈ નથી. એજન્સીઓ ના મૌન વચ્ચે તપાસનો ધમધમાટ ચાલુ રહ્યો હતો. જોકે, કંડલા પોર્ટ ઉપરથી હેરોઈન ઝડપાયું હોવાની વાતને પોર્ટ દ્વારા નકારાઈ હતી. સમાચાર માધ્યમોએ આ અંગે વધુ તપાસ કરતાં જાણવા મળેલી હકીકત મુજબ ૬ મહિના પહેલા કંડલા મધ્યે આવેલ એ.વી. જોશી કંપનીના ખાનગી કન્ટેનર ફ્રેઇટ સ્ટેશન (સીએફએસ) માં ૧૮ કન્ટેનર ઉતર્યા હતા. અફઘાનિસ્તાન ના ઋત થી સફેદ પાઉડર ભરેલ આવેલ આ કન્ટેનર ના કલિયરિંગ એજન્ટ તરીકે  એક્યુરેટ કાર્ગો કલિયરીંગ પ્રા. લિ. છે. દરમ્યાન ૬ મહિનાથી કન્ટેનર ની ડિલિવરી કોઈએ ન લેતાં એ.વી. જોશી કંપની દ્વારા એજન્સીઓ ને આ અંગે જાણ કરાઇ હતી. તે અંતર્ગત આ તપાસ હાથ ધરાઇ છે. અલબત્ત કન્ટેનર માં રહેલ સફેદ પાઉડર કેફી દ્રવ્ય કે હેરોઈન છે કે કેમ તેની તપાસ અંગે કોઈ સત્તાવાર પ્રેસનોટ રિલીઝ કરાઇ નથી. અગાઉ મુન્દ્રા માં ઝડપાયેલ કેફી દ્રવ્યો અંગે શરૂઆતની તપાસ બાદ તબક્કાવાર તપાસ અંગે એજન્સીઓ દ્વારા સત્તાવાર માહિતી રિલીઝ કરાઈ હતી. ગઇકાલે આ જથ્થાની તપાસનો ધમધમાટ ચાલુ રહ્યો હતો. દરમ્યાન સોશ્યલ મીડિયા અને ટીવી મીડિયામાં સતત આ અંગેના સમાચારો ચર્ચામાં રહ્યા હતા.

(10:03 am IST)