Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

લાઠીના મતીરાળામાં ૧૭ વર્ષની એકતાએ ફાંસો ખાધોઃ નાનો ભાઇ જોતાં બચી ગઇ

ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ હોસ્‍પિટલમાં ખસેડાઇ

રાજકોટ તા. ૨૨: લાઠીના મતીરાળા ગામે રહેતી એકતા નરભેરામભાઇ દેસાણી (ઉ.વ.૧૭)એ ગત સાંજે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી છે.
આપઘાતનો પ્રયાસ કરનાર એકતા બે ભાઇ અને બે બહેનમાં ત્રીજી છે. ધોરણ દસ સુધી અભ્‍યાસ કર્યા બાદ હાલમાં તે ગામમાં જ આવેલા કારખાનામાં કામે જાય છે. તેના પિતા નરભેરામભાઇ રિક્ષા હંકારે છે. ગત સાંજે ઘરે કોઇ નહોતું ત્‍યારે એકતાએ ગળાફાંસો ખાઇ લીધો હતો. બહાર રમવા ગયેલા બાર વર્ષનો ભાઇ પાણી પીવા આવ્‍યો ત્‍યારે દરવાજો બંધ હોઇ તિરાડમાંથી જોતાં બહેન લટકતી દેખાતાં બૂમાબૂમ કરી હતી.
દેકારો સાંભળી બાજુમાંથી દાદીમાં સહિતના લોકો દોડી આવ્‍યા હતાં અને દરવાજો તોડી એકતાને બચાવી લીધી હતી. અમરેલી સારવાર બાદ રાજકોટ ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ લાઠી પોલીસને જાણ કરી હતી. એકતા ભાનમાં આવ્‍યા બાદ કારણ બહાર આવવાની શક્‍યતા છે.

 

(11:11 am IST)