Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

પીએસઆઈ પ્રતીક મશરૂને ડીજીપી દ્વારા શ્રેષ્‍ઠ કામગીરી બદલ ફરી એવોર્ડઃ લોહાણા સમાજની છાતી ગજગજ ફૂલે તેવી સિધ્‍ધિ

જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ગુજરાતભરમાં અનેરો વિક્રમ પ્રસ્‍થાપિત : આશિષ ભાટિયા દ્વારા ભવ્‍યાતિભવ્‍ય બહુમાન : વિશ્વાસ પ્રોજેકટના સ્‍વપ્‍ન દ્રષ્‍ટા નરસિંહમા કોમાર અને એડી.ડી.જી. રાજુ ભાર્ગવ ઐતિહાસિક પળના સાક્ષી બન્‍યા

 

રાજકોટ, તા.૨૨:  ગુજરાત પોલીસ તંત્ર અને ખાસ કરી ગુજરાતનો લોહાણા સમાજ ગૌરવ લઈ શકે તેવી સિધ્‍ધિ જૂનાગઢ જિલ્લાના પીએસઆઈ પ્રતીક મશરૂ દ્વારા હાંસલ કરી ગુજરાતના ઇતિહાસમાં નવો કીર્તિમાન સ્‍થાપ્‍યો છે. ટુંકા સમયમાં કોઇ પીએસઆઈ દ્વારા આવડી મોટી સિદ્ધિ હાંસલ કરી હોય તેવી ગુજરાતની અનેરી ઘટના ઘટતા તેમના પર અભિનંદન અપરંપાર વર્ષી રહ્યા છે.

ગુજરાત પોલીસમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્‍સ્‍ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી ઉત્‍કળષ્‍ઠ કામગીરી કરનાર જીલ્લાઓને  દર ત્રણ માસે એવોર્ડ એનાયત કરવાનું નકકી કરવામાં આવેલ છે. જેમાં રાજ્‍યના પોલીસ વડાની કચેરી દ્વારા ગુજરાત રાજ્‍યના દરેક જીલ્લામાંથી સારી કામગીરીની દરખાસ્‍ત મંગાવી, કમિટી દ્વારા વિજેતાઓના નામ નકકી કરી, Reward & Recognition Program હેઠળ એવોર્ડ એનાયત કરી, ગુજરાત રાજ્‍યના ડીજીપી શ્રી આશિષ ભાટિયાના હસ્‍તે સન્‍માન કરી, સન્‍માન પત્ર પણ એનાયત કરવામાં આવે છે. 

 જૂનાગઢ રેન્‍જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા ગુજરાત સરકાર દ્રારા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્‍સ્‍ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી શહેરમાં ટ્રાફીક નિયમન તથા જીલ્લામાં બનતા કોઇ પણ ગુન્‍હાનો ભેદ ત્‍વરીત ઉકેલવા, કોઇ વ્‍યક્‍તિનો કીંમતી સામાન ગુમ થયેલ હોય, કયાંય ભુલી ગયેલ હોય તો ત્‍વરીત તે સામાન શોધી, ‘‘પોલીસ પ્રજાનો મીત્ર છે''તે સુત્રને સાર્થક કરવા સૂચના આપેલ છે.

Reward & Recognition Program હેઠળ એવોર્ડ એનાયત કરવા સારૂ ગુજરાત રાજ્‍યના ડી.જી.પી.શ્રીની કચેરી ખાતે નિયુક્‍ત કરેલ કમીટી દ્વારા રાજ્‍યના તમામ જીલ્લા દ્વારા વર્ષ ૨૦૨૧ ના ક્‍વાર્ટર-૪ તા.૦૧/૧૦/૨૦૨૧ થી ૩૧/૧૨/૨૦૨૧ સુધીના સમયગાળા દરમ્‍યાન સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી કેસ ઉકેલવામાં મળેલ સફળતાની કામગીરીનુ મુલ્‍યાંકન કરવામાં આવેલ હતુ. મુલ્‍યાંકન બાદ કમીટી દ્રારા જૂનાગઢ જીલ્લાની નેત્રમ શાખાને સતત ત્રીજી વખત ગુજરાત રાજ્‍યમાં પ્રથમ નંબર આપવામાં આવેલ હતો અને ઇ- ચલણની કામગીરી માટે સમગ્ર રાજ્‍યમાં દ્વિતીય નંબર આપવામાં આવેલ નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને ગાંધીનગર ખાતે ડી.જી.પી. શ્રી આશીષ ભાટીયા દ્વારા એકી સાથે ૨ -૨ એવોર્ડ આપી સન્‍માનીત કર્યા હતા. વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત હજુ સુધી કુલ ૩ વખત કામગીરીનું મૂલ્‍યાંકન કરી એવોર્ડ આપવામાં આવેલ છે, ત્રણે વખત પી.એસ.આઈ. પી.એચ.મશરૂ અને તેમની સમગ્ર ટીમ દ્વારા ગુજરાતમાં  પ્રથમ નંબર મેળવેલ છે, અને જૂનાગઢ પોલીસને ગર્વ અપાવેલ છે.

પી.એસ.આઇ. પી.એચ.મશરૂને અગાઉ માહે જાન્‍યુ ૨૦૨૧માં, ઓગષ્ટ ૨૦૨૧, જાન્‍યુઆરી -૨૦૨૨માં પણ ડી.જી.પી. શ્રી આશીષ ભાટીયા દ્વારા એવોર્ડ એનાયત કરી સન્‍માનીત કરવામાં આવેલ હતા. આમ પી.એસ.આઇ. પી.એચ.મશરૂને ડી.જી.પી. શ્રી આશીષ ભાટીયા દ્વારા ફક્‍ત ૧ વર્ષના અંતરે ૫ વખત ઉત્‍કળષ્‍ઠ કામગીરી કરવા સારૂ એવોર્ડ આપી સન્‍માનીત કરવામાં આવેલ છે.

આમ આટલા ટૂંકા સમયગાળામાં રાજ્‍યના ડી.જી.પી. શ્રી દ્વારા ૫ - ૫ વખત સન્‍માન ભાગ્‍યેજ કોઈ પોલીસ અધિકારી કર્મચારીને મળતું હોય છે, જ્‍યારે ૫-૫ વખત એવોર્ડ મેળવવા ખૂબજ મોટી સિદ્ધિ ગણી શકાય.

જૂનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે કાર્યરત નેત્રમ શાખા દ્વારા માહે ૧૦/૨૦૨૧થી માહે ૧૨/૨૦૨૧ દરમ્‍યાન સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવામાં તથા ટ્રાફીક નિયમનમાં ડી.જી.પી. શ્રી આશિષ ભાટિયા દ્વારા એવોર્ડ મેળવી સમગ્ર ગુજરાત રાજ્‍યમાં પ્રથમ નંબર મેળવી અને જૂનાગઢ પોલીસનુ ગૌરવ વધારતા નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ અને તેમની સમગ્ર ટીમને જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી  મનીંદર પ્રતાપ સિંહ પવાર, જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી તથા જૂનાગઢ ડીવીઝનના ડી.વાય.એસ.પી. પી.જી.જાડેજા, ડી.વાય.એસ.પી. એચ.કયું. આર.વી.ડામોર દ્વારા પણ અભિનંદન આપવામાં આવેલ છે.

 

(12:57 pm IST)