Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

જીલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયરાનો સપાટો : ધ્રોલ તાલુકા પંચાયતમા સરપ્રાઇઝ ચેકીંગ કરતા અનેક ગુટલીબાજ કર્મચારીઓનો ભાંડો ફૂટયો : ૩૧ માથી માત્ર બે કર્મચારીઓ ફરજ પર હાજર મળ્યા

કર્મચારીઓમાં મચી ભાગદોડ :ગ્રામીણ પ્રજાની ફરીયાદના પગલે જીલ્લા પંચાયત પ્રમુખે પાડી રેઈડ

ધ્રોલ તા.૨૨ : જામનગર જીલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયરા આજે પોતાના પ્રવાસ દરમ્યાન આકસ્મીત ધ્રોલ તાલુકા પંચાયતની મુલાકાત લેતા ફરજ પર ૩૧ કર્મચારીઓના સ્ટાફ સામે માત્ર બે કર્મચારીઓની હાજરી રજીસ્ટરમાં હાજરી હોવાથી ધ્રોલ તાલુકા પંચાયતના ગુટલીબાજ કર્મચારીઓનો ભાંડો ફુટયો હતો અને જીલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયરાની કહેવાતી આ આકસ્મીત રેઈડ દરમ્યાન ધ્રોલ તાલુકા પંચાયતના કર્મચારીઓમાં ભાગડોડ મચી જવા પામી હતી

સુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગર જીલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયરાને છેલ્લા ધણા સમયથી ધ્રોલ તાલુકા પંચાયતના ગુટલીબાજ કર્મચારીઓ, તલાટી મંત્રીઓ વગેરેની પ્રજાના કામ બાબતે વ્યાપક ફરીયાદો મળી હતી અને પ્રજાના કામ કરવામાં કર્મચારીઓ આળશ અનુભવતા હોવાની રજુઆતના પગલે ધ્રોલ તાલુકા પંચાયત કચેરી ખાતે જીલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયરાએ આજે કહેવાતી આકસ્મીત રેઈડ પાડીને તાલુકા પંચાયતના કર્મચારીઓને ઉધતા ઝડપી લઈને તાલુકા પંચાયતના વહીવટની પોલ ખોલી નાખી હતી અને તાકીદે આ કર્મચારીઓ વિરુદ્ધ કારણ દર્શન નોટીશો આપીને શિક્ષાત્મક પગલા ભરવા અંગે તાલુકા વિકાસ અધિકારી સરકારી કામ બાબતે બહારગામ હોય ત્યારે નાયબ તાલુકા વિકાસ અધિકારી સુચના આપીને ધ્રોલ તાલુકા પંચાયતના અધિકારી રાજ સામે પ્રમુખએ નારાજગી દર્શાવીને આ નહી ચલાવી લેવાય તેવા આકરા શબ્દોમાં જાટકણી કાઢીને તપાસ કરવાના આદેશો આપવાની સુચના આપતા કર્મચારીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી

દરમ્યાન ધ્રોલ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ જંયતીભાઈ કથગરા પણ આ મામલે જીલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયરાએ ચર્ચા કરીને કર્મચારીઓ ઉપર લગામ રાખીને નિયમીત પ્રજાના કામ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા માટે સુચના આપીને ધરમશીભાઈ ચનીયરાએ તાકીદ કરી હતી કે, ધ્રોલ તાલુકા પંચાયતના કર્મચારીઓ નહી સુધરે તો હું ગમે ત્યારે આકસ્મીત મુલાકાત લઈને આ ગુટલીબાજ કર્મચારીઓને સીધાદોર કરી દેવામાં આવશે તેવી ટકોર કરી હતી

આમ જામનગર જીલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયારાની આકસ્મીત મુલાકાત દરમ્યાન ધ્રોલ તાલુકા પંચાયતના ગુટલીબાજ કર્મચારીઓનો ભાંડો ફુટતા ભારે ભાગદોડ મચી જવા પામી હતી અને પ્રમુખની સાથે આ રેઈડ દરમ્યાન જીલ્લા ભાજપના ઉપપ્રમુખ ડી.ડી. જીવાણી, તાલુકા પંચાયતના સદસ્ય વિજયભાઈ પટેલ, ગોવિંદભાઈ દલસાણીયા, પુર્વ સામાજીક ન્યાય સમિતિના ચેરેમન દેવજીભાઈ ચાવડા સહીતના આગેવાનો, ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા અને ધરમશીભાઈ ચનીયરાએ પ્રજાનો અવાજ સાંભળીને કર્મચારીઓની સાન ઠેકાણે લાવવાના આ કાર્યની પ્રશંસા કરી હતી.(સંજય ડાંગર - ધ્રોલ)

(1:09 pm IST)