Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

મહિલા પોલીસ કર્મચારીએ 86 વર્ષના વૃદ્ધાને ખંભે બેસાડીને મંદિર સુધી પહોંચાડયા

ચક્કર આવતા પડી જતા અશક્‍ત મહિલાની મદદે આવીને પ્રસંશનીય કામગીરી

ભુજઃ કચ્‍છમાં યોજાયેલ પૂ. મોરારીબાપુની કથા શ્રવણ કરવા ગયેલ 86 વર્ષના વૃદ્ધાને થાક અને ચક્કર આવતા પડી જતા એક મહિલા પોલીસે તેને ખંભા ઉપર બેસાડીને મંદિર સુધી પહોંચાડયા હતા.

પોલીસ કર્મચારીઓ ડ્યુટીમાં ખડેપગે હોય છે. આવામાં તેઓ માનવતાના રાહે અનેક એવા કામ કરતા હોય છે જે બીજા માટે ઉદાહરણરૂપ બની જાય છે. અનેકવાર પોલીસ કર્મચારીઓ નાગરિકોની એવી મદદ કરે છે, જે તેમના ફરજમાં આવતી નથી. આવા કર્મચારીઓ ગુજરાત પોલીસનુ સન્માન વધારે છે અને ખાખી વર્દીને શોભા વધારે છે. રાપર પોલીસની મહિલા કર્મચારીએ એવુ કામ કર્યું જેને સલામ કરવી પડે. કચ્છના ડુંગર પર યોજાયેલી મોરારી બાપુની રામકથામાં જવા માટે એક વૃદ્ધા અસક્ષમ હતા, તેથી મહિલા કર્મચારી તેમને ખભે ઉપાડીને ઉપર લઈ ગયા હતા.

વિશ્વ પ્રસિદ્ધ હડપ્પન સંસ્કૃતિના અવશેષો ધરાવતા ખડીર દ્વીપમા ધોળાવીરાથી 10 કિ.મી દૂર આવેલા ભંજડા દાદાના મંદિરે મોરારી બાપુની રામકથા યોજાઈ હતી. નવા ભંજડા દાદાના મંદિરથી 5 કિ.મી દૂર સફેદ રણમાં એક મોટો ડુંગર આવેલો છે. આ ડુંગર ઉપર જૂના ભંજડા દાદાનુ મંદિર આવેલું છે. અહીં મોરારી બાપુની રામકથા યોજાઈ હતી. રામકછા સાંભળવા આવતા ભક્તો અવાર નવાર આ ડુંગર પર ચઢીને દર્શન કરવા જતા હોય છે. ત્યારે એક 86 વર્ષના વૃદ્ધા માજી પણ ડુંગર ઉપર બેઠેલા જૂના ભંજડા દાદાના દર્શન કરવાની ઈચ્છા થઈ હતી.

દર્શન કરવા આવેલા માજી અડધા ડુંગર સુધી પહોંચી ગયા હતા, પરંતુ અડધા ડુંગરે તેઓ ચક્કર આવીને પડી ગયા હતા. આજુબાજુ રણ વિસ્તાર હોવાથી પીવાનું પાણી ન મળવાના કારણે માજી બેહોશ થઈ ગયા. તે વખતે ત્યાં મોરારી બાપુની રામકથા યોજાઈ હોવાથી ત્યાં બંદોબસ્તમાં હાજર રાપર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી વર્ષાબેન માજીવાભાઈ પરમારને આ વાતની ખબર પડી હતી. તેઓ તરત પાણી લઈને 5 કિ.મી દોડતા ત્યાં પહોંચી ગયા હતા.

86 વર્ષના વૃદ્ધ માજીને તેમણે પાણી પીવડાવીને અને મોઢા પર પાણી છાંટ્યુ હતું, જેથી માજી સ્વસ્થ થયા હતા. પરંતુ આનાથી વધીને તેમણે જે કામ કર્યુ તે સરાહનીય હતું. તેઓ કથા સ્થળ પર માજીને 5 કિ.મી સુધી પોતાના ખભા પર ઉંચકીને લઈ આવ્યા હતા. આમ, 86 વર્ષના વૃદ્ધ માજીનો જીવ બચાવીને વર્ષાબેને માનવતા અને ગુજરાત પોલીસનું ધ્યેય વાક્ય સેવા સુરક્ષા અને શાંતિને હકીકતમાં સાર્થક કરીને બતાવ્યું છે.

આ અંગે પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ વર્ષાબેનની કામગીરીની બિરદાવી હતી. તેમણે કહ્યુ કે, પોલીસ હર હંમેશ સેવા માટે તત્પર હોય છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમજ કુદરતી આફતો અને વૃદ્ધો માટે તેમજ મહિલા બાળકો માટે અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે દરેક પોલીસ કર્મચારીઓ તત્પર રહે છે અને લોકોની સેવા કરી રહ્યા છે.

(5:18 pm IST)