Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

કમોસમી વરસાદથી સૌરાષ્ટ્રના ઇંટ ઉત્પાદકોને ૨૦૦ કરોડનું નુકશાન

સહાય ચુકવવા સૌ.કચ્છ બ્રીકસ મેન્યુ. એસો. દ્વારા મુખ્યમંત્રીને રજુઆત

રાજકોટ તા. ૨૨ : સૌરાષ્ટમાં વાવાઝોડાએ મચાવેલ વરસાદી તોફાનથી અંદાજે ૮ હજાર જેટલા ઇંટ ઉત્પાદકોને ર૦૦ કરોડનું નુકશાન થવા પામેલ હોય સહાય જાહેર કરવા સૌરાષ્ટ્ર કચ્છ બ્રીકસ મેન્યુફેકચરર્સ એસોસીએશન દ્વારા મુખ્યમંત્રીને ઉદેશીને તૈયાર કરાયેલ આવેદનપત્ર જિલ્લા કલેકટરને સુપ્રત કરવામાં આવેલ છે.

રજુઆતમાં એસો.ના મહામંત્રી ચંદુભાઇ જાદવે જણાવેલ છે કે કોરોના સંક્રમણના કારણે પરપ્રાંતિય મજુરો વતન જતા રહેતા ઇંટ ઉત્પાદકો પહેલેથી જ ઉત્પાદન કરવામાં પાછળ હતા. હાલ કાચી ઇંટોનો સ્ટોક ખુલ્લામાં પડયો હતો ને કમોસમી વરસાદ આવ્યો. જેથી કાચી ઇંટો પલળીને ફરી માટી બની જતા ઇંટ ઉત્પાદકોને મોટો ફટકો પડયો છે.

આમ ઇંટ ઉત્પાદન કરતા યુનિટ દીઠ રૂ.૩૦ હજારથી લઇને ર લાખ સુધીની આર્થિક નુકશાની થવા પામી છે. સરકાર સત્વરે નુકશાનીનો સર્વે કરાવી સહાય ચુકવવાની કામગીરી હાથ ધરે તેવી માંગણી આવેદનના અંતમાં કરાઇ છે.

સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર જિલ્લાના ઇંટ ઉત્પાદકો વરસાદથી પ્રભાવીત થયા હોય ત્યાં વધુ ધ્યાન આપવાની જરૂર હોવાનું સૌરાષ્ટ્ર કચ્છ બ્રિકસ મેન્યુ. એસો.ના મહામંત્રી ચંદુભાઇ એલ. જાદવ (મો.૯૮૨૫૭ ૯૫૦૯૫) એ જણાવેલ છે.

(11:40 am IST)