Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

વાવાઝોડાથી રાજુલા અને જાફરાબાદ તાલુકાના અસરગ્રસ્તો માટે કુંવરજીભાઇ બાવળીયાના માર્ગદર્શન હેઠળ ૨૫૦૦૦ કીટો બનાવી વિતરણ કરવા ટીમો રવાના

વીંછીયા, જસદણ, અમરાપુર, સાયલા, રૂપાવટી અને ખાસ અંબાજી માતાજી, ગઢડીયા (જસ)ના સેવકો દ્વારા સુખડી અને તાવાની ચાપડીનું અસરગ્રસ્ત ગામોમાં ઘરે ઘરે જઇને વિતરણ કરાશે : ડોકટર-પેરા મેડીકલ સ્ટાફ સાથે વિનામુલ્યે સારવાર આપવા (બે)મોબાઇલ દવાખાનાં અસરગ્રસ્તો માટે રવાના

(વિજય વસાણી દ્વારા) આટકોટ,તા.૨૨ : દરીયામાંથી શરૂ થયેલ ''તૌઉતે'' વાવાઝોડું ગુજરાતમાં દરીયા કાંઠેથી પસાર થયેલ અને સૌરાષ્ટ્રના અનેક જીલ્લાઓમાં મોટી તારાજી સર્જેલ. જે અનુસંધાને સરકારે સોંપેલ અમરેલી જીલ્લાની જવાબદારી અન્વયે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સતત ૩ દિવસ સુધી જાફરાબાદ-રાજુલા તાલુકામાં પ્રવાસ કરેલ અને રાજુલા અને જાફરાબાદ તાલકામાં વાવાઝોડાએ વિનાશ વેરેલ તે રૂબરૂ  જોયેલ.

આ પરિસ્થિતિમાં અનેક મકાનો તૂટી ગયેલ, છાપરા ઉડી ગયેલ, નળીયા તૂટી ગયેલ, મકાન ધરાશાય થયેલ જેથી અનેક લોકોના અનાજ પલળી ગયેલ જે લોકોની મદદરૂપ થવા વિંછીયા, જસદણ, અમરાપુર, સાયલા, રૂપવટી અને અંબાજી માતાજી, ગઢડીયા(જસ)ના સેવકો મંત્રીના માર્ગદર્શન હેઠળ સુખડી અને ચાવડી તૈયાર કરેલ તે સહિત ૧૫૦૦ મણ ઘઉંનો લોટ, બટાટા, ડુંગળી, ગાઠીયા, બિસ્કીટ, સેવમમરા, ચોખા, ખીચડી, ખાંડ, મીઠુ સહિતની ૨૫૦૦૦ જેટલી કીટો તૈયાર કરી, ચાર ટ્રક, ૬ નાના વાહનો સાથે આ સેવાકાર્યમાં રાત્રે ૨:૦૦ વાગ્યે જાફરાબાદ અને રાજુલા તાલુકાના ગામોમાં જવા રવાના થયેલ, અને અસરગ્રસ્તોના ઘર સુધી રૂબરૂ જઈ રાહત સામગ્રી/કાચુ સીધુ, કરીયાણુ પહોંચાડશે.

રાજુલા અને જાફરાબાદ તાલુકામાં વાવાઝોડાના કારણે જરૂરીયાતમંદ લોકોને વિનામૂલ્યે દવાની સુવિધા પૂરી પાડવા ડોકટર અને પેરામેડીકલ સ્ટાફ સાથે બે મોબાઈલ દવાખાના/વાહન પણ રવાના કરેલ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં દર્દીઓને ચકાસી વિનામૂલ્યે દવાઓ આપવામાં આવશે.

આ ઉમદા કાર્યમાં સહભાગી થવા સેવાભાવી સંસ્થાઓ, યુવકોએ રાત દિવસ જોયા વગર કામગીરી કરેલ છે.

(11:44 am IST)