Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

ગાયત્રી શકિતપીઠ જામનગર દ્વારા આયોજિત 'ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ' કાર્યક્રમનો પ્રારંભ કરાવતા જાડેજા

ચાલુ હવન કુંડ સાથેની ૧૨ ઉંટ ગાડીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી વાતાવરણને વિષાણુ મુકત કરશે

જામનગર તા. ૨૨ : ગાયત્રી શકિતપીઠ જામનગર દ્વારા આયોજિત ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞના નિયોજનને અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ હાલ કોરોના મહામારી સામે લડી રહ્યું છે ત્યારે સમગ્ર ભારત દેશ ગુજરાત તથા આપણું જામનગર આ મહામારીમાંથી મુકિત મેળવે તેવા શુભ હેતુસર ગાયત્રી શકિતપીઠ જામનગર દ્વારા સમગ્ર શહેરમાં હજારોની સંખ્યામાં ગાયત્રી હવન કરવાનું આયોજન થઈ રહ્યું છે. સનાતન ધર્મમાં ગાયત્રી મંત્ર તથા ગાયત્રી હવનને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તાજેતરમાં પ્રસિદ્ઘ થયેલ અહેવાલો પણ જણાવે છે કે ગાયત્રી મંત્ર તથા ગાયત્રી હવનથી કોરોના વાયરસનો ચેપ બેઅસર બને છે ત્યારે ગાયત્રી પરિવારના તે દિશામાં હાથ ધરાયેલ આ સુંદર આયોજનને મંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા અને વધુમાં વધુ જામનગરવાસીઓ આ પ્રવૃત્ત્િ।માં જોડાય તેવી અપીલ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા સમગ્ર વિશ્વમાં એક જ દિવસે લોકો પોતાના ઘરે વધુમાં વધુ યજ્ઞ કરે તે અંગેની લોકોમાં જાગૃતિ લાવવા અને હાલની કોરોના મહામારી તથા રોગોના વિષાણુંને નિયંત્રિત કરવા વિજ્ઞાને સ્વીકારેલી આ બાબતથી લોક જાગૃતતા લાવવાના ભાગરૂપે ગાયત્રી શકિતપીઠ જામનગર દ્વારા ૧૨ ઉંટગાડી દ્વારા શહેરના ગાંધીનગર, પટેલ પાર્ક, દિગ્જામ ડિફેન્સ કોલોની સહિત તમામ વિસ્તારો માટે જુદા જુદા ત્રણ રૂટનું આયોજન કર્યું હતું અને દરેક ઉંટગાડી પર હવન તથા યજ્ઞ શરૂ રાખી તેની પાવન ધૂમ્રસેરથી લોકોને રક્ષિત કરવાનો નવતર પ્રયાસ કરાયો હતો.

આ પ્રસંગે મેયર શ્રી બીનાબેન કોઠારી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, દંડક શ્રી કેતનભાઈ ગોસરાણી, પૂર્વ મેયર શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ શ્રી હસમુખભાઈ હિંડોચા વગેરે ઉપસ્થિત રહ્યા હતા તથા સમગ્ર કાર્યક્રમના સુચારૂ સંચાલન માટે ગાયત્રી શકિતપીઠ જામનગરના ટ્રસ્ટીઓ તેમજ સંયોજક શ્રી સી.પી.વસોયા તથા કાર્યકર્તા શ્રી જયુભા જાડેજા સહિત તમામ સાધકો દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.

(11:50 am IST)