Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

તાઉ’તે વાવાઝોડા પ્રભાવિત ત્રણ જિલ્લા અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ઇન્ટ્રા સર્કલ રોમીંગ સુવિધા ૨૪મે સુધી કાર્યરત: જુનાગઢ આને બોટાદમાં મોબાઇલ ફોન નેટવર્ક પૂર્વવત થયું

તાઉ’તે વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોમાં મોબાઇલ નેટવર્ક પૂર્વવત કરવા રાજ્ય સરકાર અને ભારત સરકારનું દૂરસંચાર મંત્રાલય યુદ્ધના ધોરણે કામગીરી:મોબાઇલ ફોન ધારકો માટે તાઉ’તે પ્રભાવિત ત્રણ જિલ્લા- અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ઇન્ટ્રા સર્કલ રોમીંગ સુવિધાની સમયાવધિ બે દીવસ વધારાઈ

અમદાવાદ :ગુજરાતમાં તાજેતરમાં આવેલા તાઉ’તે વાવાઝોડાને પરિણામે ખાસ કરીને દરીયાકાંઠાના વિસ્તારોમાં ટેલી-કોમ્યુનિકેશનના માળખાને વ્યાપક અસર થઇ છે. મુખ્યત્વે અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મોબાઇલ ટાવર્સને થયેલા નુકશાનના પગલે મોબાઇલ ફોન નેટવર્ક ખોરવાયું હતું.

  ગુજરાત સરકાર અને ભારત સરકારનું દૂરસંચાર મંત્રાલય તાઉ’તે વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોમાં મોબાઇલ નેટવર્ક પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે જેના પરિણામે ગુજરાતના બે જિલ્લા બોટાદ અને જુનાગઢમાં મોબાઇલ ફોન નેટવર્ક પૂર્વવત કરવામાં આવ્યું છે.
  ઇન્ટ્રા સર્કલ રોમીંગની સુવિધા જે પહેલા પાંચ જિલ્લામાં કાર્યરત હતી તે હવે ત્રણ જિલ્લા અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ અને કેન્દ્ર શાસિત દીવમાં ૨૪મી મે સુધી કાર્યરત કરવામાં આવી છે.
  ૨૪મી મેની રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી મોબાઇલ ફોન યુઝર તાઉ’તે પ્રભાવિત ત્રણ જિલ્લામાં કોઇ પણ સર્વિસ પ્રોવાઇડર કંપનીનું નેટવર્ક વાપરી શકશે. આપાતકાલીન સ્થિતિમાં આ હંગામી વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડાના પ્રારંભીક તબક્કે ઇન્ટ્રા સર્કલ રોમીંગ સુવિધા રાજ્યના ૧૬ જિલ્લામાં કાર્યરત હતી, ત્યારબાદ પાંચ જિલ્લામાં હતી અને હવે ત્રણ જિલ્લામાં કાર્યરત છે.
   આ નિર્ણયને પગલે તાઉ’તે વાવાઝોડા પ્રભાવિત ત્રણ જિલ્લા અને કેંદ્ર શાસિત પ્રદેશ દિવમાં તમામ મોબાઇલ ફોન યુઝર બે દિવસ સુધી તેમના વિસ્તારમાં જે કોઇ પણ નેટવર્ક ઉપલબ્ધ હોય તેનો લાભ લઇ શકશે. આ માટે મોબાઇલ ફોન યુઝરે ફોનના સેટીંગ બદલી નેટવર્ક સિલેક્શન ઓટોમેટીક મોડ પર કરવું પડશે. આટલું કરતાં પણ જો નેટવર્ક ન આવે તો ઉપલબ્ધ ૨જી/ ૩જી/ ૪જી અને કંપની નેટવર્કમાંથી મેન્યુઅલી સિલેક્ટ કરવાનું રહેશે.
   રાજ્ય સરકારની આગેવાનીમાં સ્થાનિક વહીવટીતંત્ર અને કેન્દ્રીય દૂર સંચાર વિભાગ દ્વારા તાઉ’તે પ્રભાવિત ત્રણ જિલ્લામાં મોબાઇલ નેટવર્ક માળખું ૨૫મી મે સુધી પૂર્વવત્ થવાની સંભાવના છે. ટેલીકોમ્યુનિકેશન -મોબાઇલ નેટવર્ક સેવા પૂર્વવત ન થાય ત્યાં સુધી ઇન્ટ્રા સર્કલ રોમીંગ સુવિધાનો સમયગાળો વખતોવખત લંબાવવામાં આવશે.

(6:48 pm IST)