Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

ભાવનગર અને જિલ્લામાં વીજ પરિસ્થિતિની સમીક્ષા કરતાં ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ:

જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી જિલ્લાની વાવાઝોડા અંગે માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું: ૫૦ વર્ષમાં ઉભા કરેલ વિજ માળખાને ૧૦ કલાકના વાવાઝોડામાં પ૦ ટકા થી ૬૦ ટકા નુકશાન થયું: જ્યોતિગ્રામથી વિજળી મેળવતાં ૩૦૦ ગામોને નુકશાન છતાં ઝડપથી વીજ પુરવઠો સ્થાપિત કર્યો

અમદાવાદ : ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે આજે ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે ભાવનગર જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને વાવાઝોડા બાદની સ્થિતિનો તાગ મેળવી તાઉ તે વાવાઝોડાથી થયેલી ખાના-ખરાબી વિશેની વિગતો મેળવી હતી.

મંત્રીએ આ બેઠકમાં જણાવ્યું કે, ૧૫૦ થી ૧૭૦ કિ.મી. ની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે વૃક્ષોની સાથે મોટા પ્રમાણમાં વીજળીના થાંભલાઓ પણ પડી ગયાં છે. તેનાથી ભાવનગર શહેર સાથે જિલ્લાના જેસર, તળાજા અને ખાસ કરીને મહુવામાં મોટા પાયા પર વીજ પુરવઠાને અસર થઇ છે.
મંત્રીએ કહ્યું કે, કોરોનાની ડેઝિગ્નેટેડ હોસ્પિટલોમાં વાવાઝોડા વચ્ચે વીજ પુરવઠો સતત અકબંધ રાખીને એક બાજુ કોરોનાના દર્દીઓની જિંદગીઓ બચાવી છે તો બીજી બાજુ પ્રચંડ પુરૂષાર્થથી થોડા સમયમાં અશક્ય એવું વીજ પુનઃ સ્થાપનનું કાર્ય અનેક મુશ્કેલીઓ વચ્ચે સફળ રીતે પાર પાડ્યું છે. વાવાઝોડાથી અસરગ્રસ્ત ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથમાં આ માટે ઉર્જા વિભાગના ૫ હજાર કર્મચારીઓ રાત- દિવસ એક કરીને કાર્ય કરી રહ્યાં છે.
રાજ્ય સરકારની નિર્ણાયકતાને પગલે આપણે બીજા જિલ્લાઓ અને ખાનગી ઓપરેટરો પાસેથી પણ ટેક્નીશિયનો બોલાવીને યુધ્ધના ધોરણે વીજ પુરવઠો બહાલ થાય તે માટે રાત દિવસ કાર્ય કર્યું છે જેને પરિણામે માત્ર ૩ દિવસમાં જ ભાવનગરના મોટાભાગના વિસ્તારોમાં વીજળીનો પ્રશ્ન હલ કરી શકાયો છે. મહુવામાં પણ એકાદ દિવસમાં આ કામ પૂર્ણ કરી દેવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ભાવનગરમાં વીજ પુરવઠો સ્થાપિત કરવાં માટે ‘રોપેક્ષ ફેરી’ મારફતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ ભાવનગરમાં બોલાવીને પણ આ કામને અગ્રતા આપીને પૂરું કરવામાં આવ્યું છે. વાવાઝોડામાં ૨૨૦ કે.વી. સાથે ૬૬ કે.વી. ના સબ સ્ટેશનોને પણ ભારે નુકશાન થયું છે. આવા સબ સ્ટેશનોને પુનઃ કાર્યાન્વિત કરતાં ઘણો સમય જતો હોય છે. છતાં, વીજ વિભાગની કટિબધ્ધતાને કારણે આ કામ આપણે ખૂબ ટૂંકા સમયમાં પૂર્ણ કરી શક્યા છીએ તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
તેમણે વિગતો આપતાં કહ્યું કે, આ વાવાઝોડાથી જ્યોતિગ્રામથી વીજળી મેળવતાં  રાજ્યના ૩૦૦ ગામોમાં વીજ થાંભલાઓ પડી ગયાં છે. ભાવનગરમાં ૩૭૭ મોબાઇલ ટાવરમાંથી ૨૨૪ ને ફરીથી ચાલું કરી દેવામાં આવ્યાં છે. સિહોરમાં પણ આજે જ વિજ પુરવઠો શરૂ કરી દેવામાં આવશે. ઓક્સિજનના ૧૫ પ્લાન્ટને તાત્કાલિક વીજળી પૂરી પાડવામાં આવી છે.
 સૌરભભાઇએ જણાવ્યું કે, ઘર- ઉદ્યોગને વહેલામાં વહેલી તકે વિજળી મળે, ખેતીની સિઝન પહેલાં ખેડૂતોને તેમના ખેતરમાં વીજળી મળતી થાય તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે.
મંત્રીએ આ બેઠકમાં જિલ્લાના અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી. જિલ્લાના પદાધિકારીઓને કોઇપણ પ્રકારના કામમાં સરકાર આપની સાથે છે તેવી હૈયાધારણ આપી વાવાઝોડાની આ વિકટ પરિસ્થિતિમાં પરિશ્રમના પારસમણીથી સાંગોપાંગ બહાર નિકળવાં માટેનું માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે, જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, મેયર શ્રીમતી કિર્તીબાળાબેન દાણિધરિયા, ડેપ્યુટી મેયર કુમાર શાહ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, મ્યુનિસિપલ કમિશનર એમ.એ. ગાંધી,કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરૂણ બરનવાલ, વીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

(8:54 pm IST)