Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

રોગ પ્રતિરોધક ક્ષમતાને કારણે બાળકો કોરોનાથી બચવા સક્ષમ: ત્રીજી લહેર માટે સજજ થતી ભુજની જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના બાળરોગ નિષ્ણાંતોનું તારણ : કોરોનાની પ્રથમ-બીજી લહેરમાં બાળકો પ્રાકૃતિક પ્રતિરોધક ક્ષમતાને કારણે ઓછા સંક્રમિત થયા

 (વિનોદ ગાલા દ્વારા) ભુજ  : કચ્છમાં અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાંતોનું અનુમાન છે કે, બાળકોની શરીરની પ્રાકૃતિક પ્રતિરોધક ક્ષમતા વયસ્ક અને વડીલોની સરખામણીમાં કોઇપણ સંક્રમણ સામે લડવા વધુ સક્ષમ હોવાથી પ્રથમ અને બીજી લહેરમાં બાળકોને કોરોના બહુ પ્રભાવિત કરી શક્યો નથી. બાળકોમાં સંક્રમણ થયું પણ તેનું પ્રમાણ ખૂબ ઓછું હતું અને મૃત્યુનું પ્રમાણ તો અત્યંત અલ્પ હતું.

હોસ્પિટલના બાળકોના નિષ્ણાંત અને પ્રો.ડો. રેખાબેન થડાનીએ તથા રેસિ. ડો. કરણ પટેલે જણાવ્યુ હતું કે, બાળકોના શરીરમાં પાંચ એવા કુદરતી પરિબળો ઉપલબ્ધ હોય છે. જેને પરિણામે ૧૮ વર્ષ સુધીના બાળકો મોટાઓની સરખામણીમાં વધુ સૂરક્ષિત હોય છે. ઉપરાંત નવજાત શિશુને સ્તનપાન દરમિયાન માતાના ધાવણમાંથી ઇમ્યુનોસ્કોલિન્સ શિશુમાં પ્રવેશતું હોવાથી એક વર્ષ સુધી રોગ પ્રતિકારક ક્ષમતા અખંડ હોય છે.

તેમણે કહ્યું કે, બાળકો બાળકો સલામત હતા એ પાછળ બંને લહેરમાં શાળાઓ બંધ હતી. બાળકો મોટા સામાજિક મેળાવડામાં સામાન્ય રીતે જતાં નથી. વયસ્કોની સરખામણીમાં હોસ્પિટલમાં પણ ઓછા જાય છે. બાળકોમાં લોહીનું વાહન કરતી નસોમાં લોહીના ચઢ્ઢા જામતા નથી. જો નસો ડેમેજ થાય તો જ ટીસ્યુ હોલ્ટ છૂટા પડેરીલીઝ થાય અને જોખમ વધે પરંતુ આવું બહુ ઓછું જોવા મળે છે.

બીજું એક અગત્યનું કારણ એ પણ છે કે બાળકો ધૂમ્રપાન પણ નથી કરતાં. તેથી પ્રદૂષણના સંપર્કમાં ઓછા આવે છે. સી.આ.પી.ડી. (ક્રોનીક ઓબ્સેટિવ પલ્મોનરી ડીસીઝ) જે ફેફસાની બીમારી છે. જેનાથી બચી શકે છે. ફેફસામાં આ પ્રકારે મજબૂત હોવાથી ઑક્સીજન લોહી સુધી સહેલાઇથી પહોંછે છે. અને કાર્બન ડાયોક્સાઈડ નીકળી જાય છે. પરિણામે ન્યુમોનિયાને ગંભીર બનવાથી બચાવી લે છે.

અન્ય નોંધનીય બાબત એ છે કે, બાળકોમાં એસીઇ-૨ રિસેપ્ટર બહુ ઓછા હોય છે. (એક પ્રકારનું પ્રોટીન જે લોહીની કેશિકાઓ સાથે ચામડી રહે છે) જે વાઇરસનો સાથ આપે છે. રિફ્લેક્ટર ઓછા હોવાથી સંક્રમણથી બચાવી રાખે છે.

આમ, બે લહેરમાં તો બાળકો બચી શક્યા. પરંતુ, ત્રીજી લહેરમાં બાળકો સંકર્મિત થઈ શકે છે એવી ચેતવણી વચ્ચે પણ ઉપરોક્ત કારણો બાળકોને બચાવી શકે છે. સાથે સાથે કોરોનાની બબ્બે લહેર બાદ જે બદલાવ આવ્યો છે, તેમાં બીજી લહેરમાં કોરોનાનું પ્રમાણ વધ્યું હતું, તેથી એંટીબોડી વધુ બની છે. રસી પણ યુધ્ધના ધોરણે અપાય છે. ભલે ૦ થી ૧૮ વર્ષ માટે રસી હવે અપાશે, તેમ છતા જાગૃતિ દ્વારા કોઈપણ રોગથી બાળકોને બચાવી શકાય તેમ છે. ભુજની જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં પણ ત્રીજી લહેર પૂર્વે શક્ય એટલી તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું બાળરોગ નિષ્ણાતોએ જણાવ્યુ છે.

(5:55 pm IST)