Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

સુપ્રસિધ્‍ધ તીર્થક્ષેત્ર પરબધામમાં અષાઢીબીજ મહોત્‍સવ ધામધૂમપૂર્વક ઉજવાશે

તા. ૧ જુલાઇના રોજ અષાઢી બીજના પાવન દિને પરંપરાગત રીતે અષાઢી બીજ મહોત્‍સવની ઉજવણી કરવામાં આવશે : દર વર્ષે ઉજવાતો આ મહોત્‍સવ કોવિડ-૧૯ મહામારીને લીધે બે વર્ષથી બંધ રહેલો : બે દિવસ સુધી હૈયેહૈયું દળાય તેટલી માનવમેદની સ્‍વયંભુ ઉમટશે : એક લાખ ભાવિકો એક સાથે બેસીને ભોજન પ્રસાદ લઇ શકે તેવી સુસજ્જ વ્‍યવસ્‍થા ઉભી કરાઇ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૨૨ : ભેસાણ નજીક આવેલ ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર પરબધામ ખાતે આગામી તા.૧ જુલાઈના રોજ અષાઢી બીજના પાવન દિને પરંપરાગત રીતે અષાઢી બીજ મહોત્‍સવ ની ઉજવણી કરવામાં આવશે. દર વર્ષે ઉજવાતો આ મહોત્‍સવ કોવિડ-૧૯ મહામારીને લીધે બે વર્ષથી બંધ રહેલો હોવાથી આ વર્ષની ઉજવણીમાં લક્ષ્ય થીᅠ પણ ઉપર જનમેદની ઉમટે તેવું જણાઈ રહ્યું છે.
પરબધામનાં મહંત શ્રી કરશનદાસ બાપુ ગુરૂ સેવાદાસ બાપુના સાનિધ્‍યમાં યોજાતા મહામહોત્‍સવને તા.૧ જુલાઈ ના રોજ સવારે ૭.૩૦ કલાકે પૂ.બાપુ ના હસ્‍તે ધ્‍વજારોહણ બાદ ખૂલ્લો મુકવામાં આવશે, જોકે માનવ મહેરામણ તો તા.૩૦ જૂનથી જ શરૂ થઈ જશે. સવારે પૂજનઅર્ચન, યજ્ઞ સહિતના ત્રિવિધ કાર્યક્રમો યોજાશે.
આવનાર ભાવિકો ને કોઈપણ જાતની મુશ્‍કેલી પડે નહીં તે માટે આશરે ૧૦ હજારથી વધુ સ્‍વયંસેવકો બે દિવસ સુધી સેવા આપશે. સંતો માટે રહેવાની પણ અલગ વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે મહોત્‍સવની સાથે ધ્‍વજારોહણ, મહાઆરતી, સંતવાણી, લોકડાયરો સહિતના કાર્યક્રમો પણ યોજાશે, આમ, પરબધામ નો મેળો ભજન ભજન અને ભક્‍તિ ના ત્રિવેણી સંગમસમો બની રહેશે. હાલ દરરોજ ૧ હજાર થી વધુ સ્‍વયંસેવકો સેવા આપી રહ્યા છે અને તમામ તૈયારીઓ ને આખરી ઓપ આપી દેવાયો છે.

ભોજન પ્રસાદ માટે પાંચ રસોડા અને ૨૫૦૦ કાઉન્‍ટર
ભોજન પ્રસાદ માટે ૫૦૦×૫૦ ફૂટના મહાકાય પાંચ રસોડામાં રસોઈ તૈયાર કરવામાં આવે છે. ૩૦૦૦ કાઉન્‍ટર મુકાયા છે એક પગંતે ૧ લાખ લોકો બેસીને પ્રસાદ લઇ શકે તેવી વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે. ખાદ્ય-સામગ્રી લાવવા, લઈ જવા માટે સો ટ્રેક્‍ટર નો ઉપયોગ થશે. પ્રસાદમાં શુદ્ધ ઘીનો શીરો, રોટલી, શાક, ગાંઠિયા, દાળ ભાત સંભારો પીરસવામાં આવશે.


અવનવી રાઈડસ્‌ પણ આવી ગઈ
સ્‍વયંભુ યોજાતા આ લોકમેળામાં આવતા બાળભાવિકોનેᅠ ધર્મની સાથે મનોરંજન મળી રહે તે માટે અવનવી રાઇડસ્‌ પણ પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ આવી ચૂકી છે. આ વખતે નવી રાઈડસ પણ જોવા મળશે.

 

(11:09 am IST)