Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

સાવરકુંડલામાં ભાઇએ રાખડીનું ઋણ ચુકવ્યું: બહેનને પોતે ટયુશન આપી, બોર્ડ એેકઝામમાં આંકડાશાસ્ત્રમાં પૂરેપૂરા ૧૦૦ ગુણ અપાવ્યા

સાવરકુંડલા તા. રર : સાવરકુંડલામાં સાધારણ એવા લુહારી મજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા એવા ડોડિયા પંકજભાઇ દલસુખભાઇને સંતાનોમાં એક દિકરી અને દીકરો.

દીકરાનું નામ અમન અને દીકરીનું નામ દર્શના બન્ને અભ્યાસમાં તેજસ્વી અમન બી.એસ.સી.માં અમરેલી અને દર્શના ધો.૧ર કોમર્સમાં સનરાઇઝ સ્કૂલમાં અભ્યાસ કરે. મમ્મી પીનાબેનને સતત દર્શનાની બોર્ડ એકઝામની ચિંતા રહ્યા કરે, અને મુખ્ય વિષયોના ટયુશન રાખવા આગ્રહ કર્યા કરે. પરંતુ ઘરની આર્થિક પરિસ્થતીને કારણે દર્શના પોતાના પિતા ઉપર વધુ બોજો નાખવા ઇચ્છતી નહોતી. એટલે આખુ વર્ષ ટયુશન રાખ્યું જ નહીં, પરંતુ ટયુશન શિક્ષકની ભૂમિકા મોટાભાઇ અમને પોતે જ ભણાવવાનું નકકી કરી લીધું. રક્ષાબંધનને દિવસે બહેન પાસે રાખડી બંધાવતી વખતે મનમાં નિશ્ચય કરી લીધો કે આ વર્ષે રાખડીનું ઋણ ચુકવવાનો મોકો છોડવો નથી. ભાઇ બહેનની જોડી દીવસ રાત જોયા વગર સખ્ત મહેનતમાં લાગી ગઇ અને જયારે ધો.૧ર નું રિઝલ્ટ બહાર પડયું ત્યારે બન્ને ભાઇ બહેન ભેટીને ચૌધાર આંસુએ રડયા. આખા વર્ષની બહેન પાછળ કરેલ.ભાઇની મહેનત રંગ લાવી. દર્શના શાળામાં ૯૭.૭૩ પીઆર સાથે તો પ્રથમ આવી, સાથો સાથ આંકડાશાત્રમાં ૧૦૦માંથી ૧૦૦ માર્કસ મેળવી સમગ્ર રાજયમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો. આ સમગ્ર પરીવારનું સનરાઇઝ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી પ્રતાપભાઇ ખુમાણ અને પ્રિન્સિપાલ સોનલબેન મશરૂ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું.

(12:51 pm IST)